CM વિજય રૂપાણી કોરોના પોઝિટિવ: 28મી ફેબ્રુઆરી સુધી મુખ્યમંત્રીના તમામ જાહેર કાર્યક્રમો રદ

CM વિજય રૂપાણી કોરોના પોઝિટિવ: 28મી ફેબ્રુઆરી સુધી મુખ્યમંત્રીના તમામ જાહેર કાર્યક્રમો રદ
સીએમ રૂપાણીની ફાઇલ તસવીર

CM Vijay Rupani tested corona positive: સીએમના તમામ સુરક્ષાકર્મીઓનો કોરોના ટેસ્ટ થશે, સીએમ નિવાસસ્થાનને સેનિટાઇઝ કરવામાં આવશે. તેમના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

  • Share this:
    અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે. રવિવારે વડોદરા શહેર (Vadodara city) ખાતે એક સભા દરમિયાન તેઓ ચાલુ ભાષણમાં ઢળી પડ્યા હતા. જે બાદમાં તેમને અમદાવાદની યુ.એન. મહેતા (U N Mehta hospital) હૉસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અહીં તેમના તમામ રિપોર્ટ સામાન્ય આવ્યા હતા. આ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. આજે એટલે કે સોમવારે સવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમ વિજય રૂપાણી ઉપરાંત બીજેપી સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયા અને કચ્છ બેઠક પરથી બીજેપીના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

    યુ.એન.મહેતા ખાતે સારવાર હેઠળ રહેશે



    મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ યુ.એન. મહેતા હૉસ્પિટલ ખાતે જ સારવાર હેઠળ રહેશે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને નિયમ પ્રમાણે રિપોર્ટ કરાવવાની તેમજ રિપોર્ટ પોઝિટિવ આવે તો હોમ આઈસોલેટ અને જરૂર પડે તો હૉસ્પિટલમાં દાખલ થવાની સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સીએમ વિજય રૂપાણીને કોરોનાના સામાન્ય લક્ષણો છે. આ ઉપરાંત ગઈકાલની ઘટના બાદ તેમના તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જે તમામ સામાન્ય આવ્યા છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ઑક્સિજન સ્તર પણ સામાન્ય છે. હાલ હૉસ્પિટલની એક ટીમ તેમની સારવાર કરી રહી છે.

    28મી ફેબ્રુઆરી સુધી સીએમના તમામ જાહેર કાર્યક્રમ રદ

    મળતી માહિતી પ્રમાણે 28મી ફેબ્રુઆરી સુધી સીએમ વિજય રૂપાણીના તમામ જાહેર કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સીએમ નિવાસસ્થાને કોઈ નવા વ્યક્તિને પ્રવેશ નહીં આપવામાં આવે. સીએમના તમામ સુરક્ષાકર્મીઓનો કોરોના ટેસ્ટ થશે. સીએમ નિવાસસ્થાનને સેનિટાઇઝ કરવામાં આવશે. તેમના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત સીએમ કાર્યાલયને પણ સેનિટાઇઝ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે સીએમ નિવાસ્થાન અને કાર્યાલય ખાતેના કર્મચારીઓ સેલ્ફ ક્વૉરન્ટીન થશે.

    આ પણ વાંચો: સીએમ રૂપાણીની મદદ ન ભૂલ્યો આ નાનો ભૂલકો, હૉસ્પિટલ પહોંચી ગયો ખબર પૂછવા



    સીએમના તમામ કાર્યક્રમ રદ

    કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ  સીએમ વિજય રૂપાણીના આગામી તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. ગત દિવસોમાં સીએમ રૂપાણીએ જામનગર, ભાવનગર સહિત શહેરોનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ચૂંટણી સભાઓ ગજવી હતી. આજે અને આગામી દિવસોમાં પણ સીએમના કાર્યક્રમો હતો તેને હાલ રદ કરી દેવામાં આવ્યા છે.

    ચૂંટણીમાં કોરોનાના નિયમો ભૂલાયા

    હાલ ગુજરાતમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. ચૂંટણીની જાહેરાત કરતા સમયે જ ચૂંટણી પંચે તમામ લોકોને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાનો રહેશે તેવી સૂચના આપી હતી. જોકે, હાલ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે રાજકીય નેતાઓ અને કાર્યકરો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી જોવા મળી રહ્યા. આ જ કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાના કેસ વધી શકે છે. નિષ્ણાતો પણ એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જો, ચૂંટણીમાં કોરોનાના નિયમોનું પાલન નહીં થાય તો ગુજરાત માટે આગામી દિવસો કપરા રહેશે.

    સીએમને મળેલા લોકોના ટેસ્ટ થશે

    મળતી માહિતી પ્રમાણે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જે જે લોકો સીએમના સંપર્કમાં આવ્યા હતા તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે અંતર્ગત સરકારી પ્રધાનો, બીજેપી સંગઠનના હોદેદારો અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:February 15, 2021, 12:55 pm

    ટૉપ ન્યૂઝ