'ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે,' ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના ટ્વીટથી વિવાદ; CM રૂપાણીએ આપ્યો જવાબ

'ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે,' ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના ટ્વીટથી વિવાદ; CM રૂપાણીએ આપ્યો જવાબ
વિજય રૂપાણી, રામચંદ્ર ગુહા (ફાઇલ તસવીર)

રામચંદ્ર ગુહાનું ટ્વીટ : "ગુજરાત આર્થિક રીતે અગ્રેસર હોવા છતાં, સાંસ્કૃતિક રીતે પછાત. બંગાળ આર્થિક રીતે પછાત પરંતુ સાંસ્કૃતિક રીતે અગ્રેસર."

 • Share this:
  અમદાવાદ : જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહા (Historian Ramchandra Guha)એ 'ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે' તેવું ટ્વીટ કરતા વિરોધ છેડાયો છે. આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ તેમને ટ્વીટ કરીને સણસણતો જવાબ આપ્યો છે. આ ઉપરાંત જાણીતા ઇતિહાસકાર રિઝવાન કાદરી, લેખક-પત્રકાર અને ઇતિહાસકાર વિષ્ણુ પંડ્યાએ રામચંદ્ર ગુહાના આ ટ્વીટને વખોડી કાઢ્યું હતું. રામચંદ્ર ગુહાએ આ ટ્વીટ એક જૂના પુસ્તકને ટાંકીને કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy CM Nitin Patel) પણ રામચંદ્ર ગુહાના ટ્વીટને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું કૃત્ય ગણાવ્યું છે.

  ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ફિલીપ સ્પ્રાટના લેખનને ટાંકીને ગુજરાત અનં બંગાળની સરખામણી કરતા એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, "ગુજરાત આર્થિક રીતે અગ્રેસર હોવા છતાં, સાંસ્કૃતિક રીતે પછાત પ્રાંત છે. તેનાથી વિરૂધ્ધ બંગાળ આર્થિક રીતે પછાત છે પણ સાંસ્કૃતિક રીતે અગ્રેસર છે." ગુહાએ ફિલિપ સ્પ્રાટના 1939ના લેખનમાંથી આ અવતરણ ટાંક્યું હતું. સ્પ્રાટ બ્રિટિશ લેખક અને બુધ્ધિજીવી હતા. સ્પ્રાટ પોતાની સામ્યવાદી વિચારધારા માટે જાણીતા છે.  ગુહાના આ ટ્વીટ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સણસણતો જવાબ આપ્યો છે. વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી કહ્યું કે, "અગાઉ બ્રિટિશરો હતા કે જેમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. હવે આવા કહેવાતા ભદ્ર લોકો ભારતીયોમાં ભાગલા પાડવા મથે છે. ભારતીયો આ ષડયંત્રોનો શિકાર નહીં બને. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે, ભારત સંયુક્ત છે. આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે, આપણી આર્થિક આકાંક્ષાઓ ખૂબ ઊંચી છે."

  પ્રસિદ્ધિ માટે ટ્વીટ કર્યું : નીતિન પટેલ

  આ મામલે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, "કોઈ વ્યક્તિ આવું કહે તે યોગ્ય નથી. આ ગુજરાતનું અપમાન છે. ગુજરાતે હંમેશા આખા દેશ અને દુનિયાને કંઈકને કંઈક નવું આપ્યું છે. આવા ટીકાકારો ફક્ત પોતાની પ્રસિદ્ધ માટે અથવા કોઈને ખુશ કરવા માટે આવી ટીકા કરતા હોય છે."

  પ્રસિદ્ધ ઇતિહાસકાર રિઝવાન કાદરીએ આ મામલે કહ્યુ હતુ કે, રામચંદ્ર ગુહા રાક્ષસ જેવું વર્તન કરી રહ્યા છે. લેખક, પત્રકાર અને ઇતિહાસકાર વિષ્ણુ પંડ્યાએ આ મામલે જણાવ્યું હતું કે, રામચંદ્ર ગુહાને ઇતિહાસકાર માનવા કે નહીં તે પણ પ્રશ્ન છે. આવા તથાકથિત ઇતિહાસકારો દેશને વિભાજન તરફ લઈ જવા માંગે છે.

  એબીવીપીના વિરોધ બાદ અમદાવાદ યુનિવર્સિટી સાથે ન જોડાયા

  16મી ઓક્ટોબર, 2018ના રોજ અમદાવાદ યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે ગુહા હ્યુમાનિટીઝ વિભાગમાં શ્રેણીક લાલભાઇ ચેરના અધ્યાપક તરીકે સેવા આપશે. આ ઉપરાંત તેઓ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સિસ વિભાગની ધ ગાંધી વિન્ટર સ્કૂલમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે. 19મી ઓક્ટોબરના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ નિમણૂક પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

  આ અંગે અમદાવાદ એબીવીપીના સેક્રેટરી પ્રવીણ દેસાઇએ જણાવ્યું હતું કે, "અમે અમદાવાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ અમારો વિરોધ નોંધાવ્યો હતો. અમે તેમને રજુઆત કરી હતી કે આપણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં તજજ્ઞોની જરૂરિયાત છે, દેશ વિરોધીઓની નહીં. અમે રજુઆત કરી હતી કે, તમે જે વ્યક્તિને બોલાવી રહ્યા છો તે 'સામ્યવાદી' છે. જો તમે તેને એયુમાં બોલાવશે તો ગુજરાતમાં પણ જેએનયુ જેવો દેશ વિરોધી જુવાળ ઉભો થશે."

  ગુહા પહેલી ફેબ્રુઆરી, 2019થી અમદાવાદ યુનિવર્સિટી સાથે જોડાવાના હતા. ઇતિહાસકાર ગુહાની નજીકના એક સૂત્રોએ જણાવ્યું કે, "એ વાત સ્પષ્ટ છે કે યુનિવર્સિટી પર રાજકીય દબાણ હતું." યુનિવર્સિટીએ સંપર્ક કર્યાના બે દિવસ બાદ ગુહાએ ટ્વિટ કરીને પોતે યુનિવર્સિટી સાથે નથી જોડાઈ રહ્યાની જાહેરાત કરી હતી.

  કોણ છે રામચંદ્ર ગુહા?

  રામચંદ્ર ગુહા જાણીતા લેખક છે, તેઓએ લખેલું 'ઇન્ડિયા આફ્ટર ગાંધી' પુસ્તકને ઇકોનોમિસ્ટ, ધ વોશિંગ્ટન, ધ વોલસ્ટ્રીટ જનરલ, ધ સન ફ્રાંન્સિસ્કો ક્રોનિકલ, ટાઇમ આઉટ અને આઉટલૂક, તથા વધુમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં દાયકાની સૌથી સારી બૂક, ટાઇમ્સ ઓફ લંડન અને ધ હિન્દુ જેવા વિવિધ ન્યૂઝ પેપરે બૂક ઓફ ધ યર ગણાવ્યું હતું. આ સિવાય પ્રો. ગુહાએ હાલમાં જ લખેલું પુસ્તક 'ગાંધી ધ યર્સ ધેટ ચેન્જેડ વર્લ્ડ, 1914-1948'ને વ્યાપક પ્રશંસા મળી રહી છે. ન્યૂયોર્ક ટાઇમ્સ તો આ પુસ્તક બાદ ગુહાને સાહિત્ય ક્ષેત્રે વધુ મદદરૂપ થશે ગણાવ્યું છે.

  આ પણ વાંચો : 
  Published by:Vinod Zankhaliya
  First published:June 11, 2020, 17:55 pm

  ટૉપ ન્યૂઝ