મયૂર માકડિયા, અમદાવાદ : રાજ્યની મહાનગરપાલિકાઓ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. રાજ્યના લાખો શહેરી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના પર્વમાં કોરોના કાળમાં મતદાન માટે જોડાશે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પણ આ ચૂંટણીમાં મત આપશે તેવા અહેવાલો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની ગાઇડલાઇન મુજબ મતદાન કરશે. આજે મુખ્યમંત્રીનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ આ અંગેનો અંતિમ નિર્ણય જાહેર થાય તેવી વકી છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ શહેરના વોર્ડ નંબર 10નાં મતદાર છે. તેઓ હાલમાં અમદાવાદમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, કોરોનાના દર્દીઓ માટે પીપીઈ કીટમાં મતદાન કરવાની વ્યવસ્થા અગાઉ પણ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સીએમનો ટેસ્ટ નેગેટિવ આવે તો ચિંતાનું કારણ નથી પરંતુ જો ટેસ્ટ પોઝિટિવ હોય તો કઈ રીતે મતદાન કરવું તે અંગે તંત્ર કામે વળગ્યું હોવાના અહેવાલો છે.
આ પણ વાંચો : વાપી : સંબંધી સાથે આડા સંબંધો રાખવાનો કરૂણ અંજામ! પ્રણય ત્રિકોણમાં પરિણીત મહિલાની હત્યા
વડોદરામાં ઢળી પડ્યા હતા સીએમ, આવ્યો હતો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા નગરમાં ચૂંટણી સભાને સંબોધી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીનું અચાનક બ્લડ પ્રેશર લો થયું. વિકાસની શરતોની વાત કરતા કરતા રૂપાણી ઢળી પડ્યા અને સ્ટેજ પર હાહાકાર મચી ગયો. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને હવાઇ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યા. અહીંયા યુએન મહેતા હૉસ્પિટલમાં તેમના તમામ ટેસ્ટ થયા જે નોર્મલ આવ્યા.
આ પણ વાંચો : સુરત : મનપાની ચૂંટણીનો જંગ, ઉમેદવારની 'મહેફીલની' તસવીર Viral થતા ખળભળાટ
જોકે, પ્રોટોકોલ મુજબ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને અંતે કોરોના યોદ્ધાઓને દોડતા રાખનારા રૂપાણી ખુદ કોરોનાના સાણસામાં આવી ગયા. હાલમાં તેમની તબિયત સ્થિર છે અને તેઓ હૉસ્પિટલથી જ સીએમ કાર્યલાયનું સંચાલન કરી રહ્યા છે. ગઈકાલે તેમણે વીડિયો સંદેશો આપી અને રાજ્યની પ્રજાને ઉત્સાહભેર મતદાન કરવાની હાકલ પણ કરી હતી.