હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીનું 23મીએ ગુજરાતમાં મતદાન થવા જઇ રહ્યું છે. ચૂંટણી પ્રચાર માટે હવે રવિવારનો દિવસ જ રહ્યો છે. ત્યારે તમામ પક્ષો પોતાના પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે સતત પ્રવાસ કરી રહ્યા છે. તો આજે શનિવારે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા તો બપોર પછી તેમની તબિયત બગડતા તેમના બાકીના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રાજકોટના પ્રવાસ બાદ સુરેન્દ્રનગરમાં જાહેરસભાનો કાર્યક્રમ હતો. તેઓ હેલિકોપ્ટર મારફતે સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. જોકે, તેમની તબિયત અચાનક લથડતા કાર્યક્રમમાં પહોંચે તે પહેલા પરત ફર્યા હતા. અને તેમનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને હેલિકોપ્ટરમાંથી ઉતરતા વોમિટિંગ થવા લાગ્યું હતું. જેના પગલે તેમને સારવાર આપવામાં આવી હતી. અને વધારે તબિયત ન બગડે તે માટે તેમનો સુરેન્દ્રનગરનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે. થોડા દિવસ પહેલા વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં કરા સાથે અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે. અને આગામી 23મીએ ગુજરાતમાં હિટવેવની પણ આગાહી આપવામાં આવી છે. ગરમી વધતા લૂ વાગવી, વોમિટો થવી, માથું દુખવું જેવી સમસ્યાઓ લોકોમાં વધી રહી છે.