અમદાવાદ: અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશન (Ahmedabad Mahila Police Station)માં એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતી આક્ષેપ કર્યો છે કે તેણીના આ બીજા લગ્ન (Marriage) હતા. લગ્ન બાદ તેના પતિએ પૈસાની જરૂરિયાત ઊભી થઈ છે તેમ કહી તેની બધી વસ્તુઓ વેચાવી નાખી હતી. એટલું જ નહીં પતિ તેની જાણ બહાર રૂપિયાની લેતીદેતી કરતો હતો. પોતાની સાથે ઠગાઇ થઈ હોવાનું જાણવા મળતા આ યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. યુવતીનો આક્ષેપ છે કે તેણે લગ્ન પહેલા પર્સનલ લોન લઇને તેના ભાવી પતિને બે લાખ રૂપિયા આપ્યા હતા. તેના પતિ માટે તેણે પોતાનું એક્ટિવા અને લેપટોપ પણ વેચી દીધું હતું.
અમદાવાદના જોધપુર ખાતે રહેતી 34 વર્ષીય યુવતીના પ્રથમ લગ્ન વર્ષ 2015માં થયા હતા. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા સમાજની રૂએ તેણીએ લગ્નનાં ત્રણેક માસ બાદ છૂટાછેડા લીધા હતા. બાદમાં 2020ના વર્ષમાં કુબેરનગર ખાતે રહેતા એક યુવક સાથે બીજા લગ્ન કર્યાં હતા. આ યુવક સાથે તેણે પ્રેમલગ્ન કર્યા હતા. આ યુવતી સેટેલાઇટ ખાતે એક સ્કૂલમાં વર્ષ 2004થી 2019 સુધી શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. વર્ષ 2019માં ફેસબુકના માધ્યમથી યુવતી એક યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં આ યુવક સાથે મિત્રતા બંધાઈ હતી. આ દરમિયાન યુવકે યુવતીને એવું જણાવ્યું હતું કે તેને તેની પત્ની સાથે મનમેળ નથી. આથી તે તેની સાથે છૂટાછેડા લઈ લેશે.
આ પણ વાંચો: ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ધમરોળશે મેઘરાજા
યુવતી યુવકને પ્રેમ કરતી હોવાથી તેને અવારનવાર આર્થિક મદદ પણ કરતી હતી. વર્ષ 2019માં યુવકે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી થયું છે એમ કહીને યુવતી પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા. યુવતીએ આ યુવકને મદદ કરવા પર્સનલ લોન લઈને તેને બે લાખ રૂપિયા આપ્યા હતા. આટલું જ નહીં વધુ પૈસાની જરૂર ઊભી થતા યુવતીએ પોતાનું એક્ટિવા અને લેપટોપ પણ વેચી દીધા હતા અને યુવકને મદદ કરી હતી.
બાદમાં બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. વર્ષ 2019માં યુવક તેને ઘી કાંટા કોર્ટ લઇ ગયો હતો અને ત્યાં કાગળોમાં સહી કરાવી બાદમાં 'તું મારી પત્ની છે' તેમ કહી તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેના બે બાળકો હતા. યુવતી સાતેક મહિના સુધી ત્યાં રહી હતી. વર્ષ 2020માં બંનેએ હિન્દુ વિધી અનુસાર પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ તેની પત્ની પાસેથી અવારનવાર પૈસા લેતો હતો. યુવતીએ પતિની જરૂરિયાત મુજબ પોતાની તમામ વસ્તુઓ વેચી દીધી હતી અને તેના પતિએ ક્રેડિટ કાર્ડમાંથી પણ અલગ અલગ જગ્યાએ પૈસાનો ઉપયોગ કરી તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
એટલું જ નહીં, યુવક તેની પત્નીને અવારનવાર કોઈ પણ બાબતે બોલાચાલી કરીને મારપીટ પણ કરતો હતો. પ્રેમ લગ્ન કર્યાં હોવાથી યુવતી આ તમામ વાત મૂંગા મોઢે સહન કરતી રહી હતી. પતિએ તેની પાસેથી માનસિક હેરાન કરી લોન પણ લેવડાવી હતી. બાદમાં તેને જાણ થઈ કે તેનો પતિ અવારનવાર તેની જાણ બહાર તેના પૈસા લઈ જાય છે. જેથી આ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે ઠગાઈ, માનસિક ત્રાસ, મારામારીની ફરિયાદ નોંધાવતી હતી.
Published by:Vinod Zankhaliya
First published:October 16, 2020, 09:27 am