અમદાવાદ: અમેરિકાના જ્યોર્જિયા ખાતે ડાન્સ કાર્યક્રમ (Dance Programme)માં લઇ જવાની લાલચ આપીને મેમનગરના નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ (Navjivan Charitable Trust)ના 10 દિવ્યાંગ બાળકો અને પાંચ સહાયકો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 25 હજાર એમ કુલ 3.75 લાખ રૂપિયા પડાવી લેતા ગઠિયા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મેમનગર ઠાકોરવાસમાં આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ નામની દિવ્યાંગ બાળકોની શાળાના સંચાલક નિલેશ પંચાલે પોલીસ (Police) ફરિયાદ આપી છે કે અલ્પેશ પટેલ નામના આરોપીએ અમેરિકાના જ્યોર્જિયામાં ત્રણ દિવસ માટે દિવ્યાંગ બાળકોના ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યાનું જણાવ્યું હતું. જેમાં એક વ્યક્તિ દીઠ રૂપિયા 2 લાખ ખર્ચ થશે અને આ માટે રૂપિયા 25 હજાર એડવાન્સ આપવા પડશે તેમજ બાકીના રૂપિયા વિઝા આવ્યા બાદ આપવાના રહેશે તેમ જણાવ્યું હતું.
આરોપીની આવી વાત બાદ ફરિયાદીએ તેમની શાળામાં વાલીઓની મિટિંગ કરીને આ ટૂર બાબતે જાણ કરી હતી. જેમાં 10 જેટલા બાળકોના વાલી ટૂરમાં જવા માટે તૈયાર હતા. તેમના રૂપિયા 25 હજાર એડવાન્સ તેમજ પાંચ સહાયકના રૂપિયા એમ કુલ મળીને 3.75 લાખ રૂપિયા સંચાલકને આપ્યા હતા. જેમાં રૂપિયા 1 લાખ 80 હજાર રોકડ રૂપિયા અને 1 લાખ 95 હજારના ચેક ફરિયાદીએ ગઠિયા નિલેશને આપ્યા હતા.
જોકે, રૂપિયા મળ્યા બાદ નિલેશ વિઝા લેવા જવા માટે પણ એક પછી એક વાયદા કરવા લાગ્યો હતો. જેથી બાળકોના વાલીઓએ કંટાળીને રૂપિયા પરત માંગ્યા હતા. ફરિયાદીએ પણ અલ્પેશ પટેલ પાસે રૂપિયા પરત માંગતા રૂપિયા પરત નહીં આપીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી શાળાના સંચાલકે આ બાબતની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ધરમ કરતા ધડ પડી, ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા છરીથી હુમલો
બીજા એક બનાવમાં શહેરના સિંગરવા વિસ્તારમાં 'ધરમ કરતા ધાડ પડી' કહેવતને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આર્થિક સંકડામણમાં મિત્રને રૂપિયા પાંચ હજાર આપીને મદદ તો કરી પણ જ્યારે રૂપિયા પરત માંગ્યા ત્યારે આ મિત્ર જાણે કે દુશ્મન હોય તેમ યમદૂત બની ગયો હતો. ઉછીના પૈસા લેનાર યુવકે કંઈ જ વિચાર્યા વગર એક પછી એક છરીનાં ઘા મારીને મિત્રની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
સિંગરવા વિસ્તારમાં રહેતા જીગ્નેશ વાઘેલાએ પોલીસ ફરિયાદ આપી છે કે, આજથી એકાદ માસ પહેલા તેનાં મિત્ર વિશાલ મરાઠીને જરૂર હોવાથી રૂપિયા પાંચ હજાર ઉછીના આપ્યા હતાં. જોકે, જીગ્નેશને નાણાકીય જરૂરિયાત ઊભી થતાં તે રૂપિયા પરત લેવા માટે વિશાલના ઘર તરફ જતો હતો. ત્યારે હુડકો સિંગરવા રોડ પર વિશાલ મળ્યો હતો. ત્યારે ફરિયાદીએ તેને પાંચ હજાર રૂપિયા પરત ક્યારે આપશે એવું કહેતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં તેને ધમકી આપી હતી કે 'તું કેમ મારી પાસે પૈસા માંગે છે, હવે જો પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશ.'
આ પણ જુઓ-
ફરિયાદી જીગ્નેશ વાઘેલા આરોપી વિશાલને સમજાવવા નજીક જતાં જ તેણે પેન્ટનાં ખિસ્સામાંથી છરી કાઢીને મોઢાનાં ભાગે મારી દીધી હતી. ફરિયાદી તેને રોકવા જતા બીજો ઘા છાતીનાં ભાગે માર્યો હતો અને બીજા બેથી ત્રણ ઘા પેટનાં ભાગે માર્યા હતા. એક પછી એક છરીનાં ઘા મારતા ફરિયાદી લોહીથી લથબથ થઈ જતાં આસપાસના લોકો એકઠા થઈ ગયાં હતાં અને ફરિયાદીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યો હતો.