અમદાવાદ : BRTS બસે માતા-પુત્રીને અડફેટે લીધા, લોકોએ કર્યો ચક્કાજામ

News18 Gujarati
Updated: September 13, 2019, 11:22 AM IST
અમદાવાદ : BRTS બસે માતા-પુત્રીને અડફેટે લીધા, લોકોએ કર્યો ચક્કાજામ
ચક્કાજામથી અનેક લોકો અટવાયાં હતાં.

વહેલી સવારે બાળકીને સ્કૂલે મૂકવા જતી માતા અને બાળકીને બીઆરટીએસની બસે અડફેટે લીધાં હતાં.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : બીઆરટીએસ (Bus Rapid Transit System) અને એએમટીએસ (Ahmedabad Municipal Transport Service)ના બસ ચાલકો છાસવારે અકસ્માતો સર્જતા હોય છે. અકસ્માતના અનેક કેસમાં ઘણી વખત લોકોનો રોષ ભભૂકી ઉઠતો હોય છે અને અમુક કેસમાં બસમાં તોડફોડ પણ કરવામાં આવતી હોય છે. શુક્રવારે સવારે બીઆરટીએસની બસે અકસ્માત સર્જ્યા બાદ લોકોએ ચક્કાજામ કરી દીધો હતો. બીજી તરફ ડ્રાઇવરને માર મારવામાં આવતા અન્ય બીઆરટીએસના ડ્રાઇવરોએ પણ બસો થોભાવી દીધી હતી.

શહેરના ધરણીધર ચાર રસ્તા પાસે વહેલી સવારે બાળકીને સ્કૂલે મૂકવા જતી માતા અને બાળકીને બીઆરટીએસની બસે અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં મહિલા અને બાળકીને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ રસ્તેથી પસાર થતા લોકોએ પિત્તો ગુમાવ્યો હતો અને રસ્તો બ્લોક કરી દીધો હતો.

આ દરમિયાન લોકોના મિજાજને પારખી ગયેલો બીઆરટીએસનો ડ્રાઇવર બસ છોડીને ભાગી ગયો હતો. લોકોએ ચક્કાજામ કરીને ડ્રાઇવરને હાજર કરવાની માંગણી કરી હતી.બીજી તરફ અકસ્માત બાદ લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે ધરણીધર ચાર રસ્તા પર અવારનવાર અકસ્માત થાય છે છતાં તંત્ર તરફથી સ્પીડબ્રેકર લગાવવાનું કામ કરવામાં આવતું નથી. લોકોએ એવી પણ માગણી કરી હતી કે બીઆરટીએસના ડ્રાઇવરોને વ્યવસ્થિત તાલિન આપીને બસની સ્પિડ લિમિટ પણ નક્કી કરવી જોઈએ.આ મામલે ચક્કાજામ બાદ લોકો રસ્તા પર જ અટવાયા હતા. બીજી તરફ લોકોએ બીઆરટીએસના ડ્રાઇવર સાથે હાથ ચાલાકી કરતા અન્ય બસના ડ્રાઇવરોએ પણ બસ થોભાવી દીધી હતી. આખરે પોલીસ આવતા આ મામલો શાંત પડ્યો હતો અને રસ્તો ખુલ્લો થયો હતો.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर