અમદાવાદ : વર્ક ફ્રોમ હોમના કારણે ઘર કંકાસ થઈ શકે તેવું કદાચ કોઈએ સપનામાં પણ વિચાર્યું હશે નહીં. ત્યારે શહેરના સાબરમતી વિસ્તારમાં વર્ક ફ્રોમ હોમના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડાનો એક ગજબ નો કિસ્સો સામે આવ્યો છે.
કોરોનાના કપરા સમયમાં ઓફિસના સમયગાળા દરમિયાન કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે મોટાભાગની કંપનીઓ દ્વારા વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે. મોટાભાગના કર્મચારીઓ હાલ ઘરે બેઠા કામ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. જોકે આ વખતે વર્ક ફ્રોમ હોમ કેટલાક લોકો માટે જાણે કે માથાનો દુખાવો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. વર્ક ફ્રોમ હોમના કારણે કેટલીક જગ્યાએ ઘરેલુ હિંસાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. તો વળી શહેરના સાબરમતી વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઓફિસના કામને લઈને ઝઘડો થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો - ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ધરખમ ફેરફાર
સાબરમતી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે પોતે એસજી હાઈવે ખાતે આવેલ એક ખાનગી કંપનીમાં એચ આર વિભાગમાં કામ કરી રહી છે. હાલમાં કોરોનાની મહામારીને કારણે તે ઘરે બેઠા ઓફિસનું કામ કરે છે. આજે વહેલી સવારે પોતે ઘરે હાજર હતી તે દરમિયાન તેના પતિએ તેને કહેલ કે તારે ઓફિસનું કામ ઘરેથી કરવાનું નહીં. એમ કહીને તેને ગાળો બોલવા લાગ્યા હતા. જેથી ફરિયાદી મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં તેનો પતિ ઉશ્કેરાઇ ગયો હતા અને તેની સાથે ઝપાઝપી કરી હતી અને કહ્યું હતું કે તારા બધા કાગળો ફાડી નાખીશ અને તારું કોમ્પ્યુટર તોડી નાખીશ. તેમ કહીને તેનો પતિ ઘરના બીજા માળે ગયો હતો અને મહિલાના ઑફિસના કામના કાગળીયા ફાડી નાખીને કોમ્પ્યુટર તોડવાનો પ્રયાસ કર્યો હતો.
એટલું જ નહીં તેણે મહિલાને કહ્યું હતું કે જો તુ ઓફિસનું કામ કરીશ તો તને જાનથી મારી નાખીશ. જે અંગેની જાણ મહિલાએ પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની ફરિયાદ નોંધીને હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:January 07, 2021, 21:25 pm