અમદાવાદ: અત્યારસુધી નજર ચૂકવીને મોબાઈલ (Mobile phone) કે સોના ચાંદીના દાગીના કે પછી રોકડ રકમની ચોરી (Cash theft) થઈ હોવાનું સાંભળ્યું હશે. જો કે હવે તો નજર ચૂકવીને કેમેરા (Camera)ની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ખોખરા વિસ્તારમાં કુમકુમ સ્ટુડિયોમાં પિતાને બેસાડીને પુત્ર બહાર ગયો હતો. આ દરમિયાનમાં કોઈ ગઠીયો પિતાની નજર ચૂકવીને કેમરો ચોરીને ફરાર થઇ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ખોખરામાં જમનાદાસ લેટરવાળાની ચાલીમાં રહેતા કિશનભાઇ ઠાકોરે પોલીસ ફરિયાદ આપી છે કે તેઓ અમરાઈવાડીમાં ચામુંડા કોલોનીની બાજુમાં કુમકુમ સ્ટુડિયો ધરાવે છે. બે દિવસ પહેલાં 11 વાગ્યાની આસપાસ કિશનને લગ્નનાં ફોટા સિલેક્શન કરવા માટે દરિયાપુર જવાનું હતું. જેથી તેઓ તેના પિતાને સ્ટુડિયો પર બેસાડીને દરિયાપુર ગયા હતા. ત્યાર બાદ બપોરેના એક વાગ્યાની આસપાસ ફોટો પડાવવા માટે એક ગ્રાહક આવ્યો હતો. કિશન સ્ટુડિયોમાં ગ્રાહકનો ફોટો પડાવાનો હોવાથી નિકોન કંપનીનો કેમેરા લેવા ગયો ત્યારે કેમરા ગાયબ જોઈને ચોંકી ગયો હતો.
કિશને તેના પિતાને કેમેરા બાબતે પૂછપરછ કરી પરંતુ તેમને પણ કેમેરા વિશે કાંઈ ખબર ન હતી. તપાસમાં સામે આવ્યું કે કિશન જ્યારે બહાર ગયો ત્યારે કોઈ ગઠીયો તેના પિતાની નજર ચૂકવીને 20 હજાર રૂપિયાનો કેમેરો લઈને ફરાર થઇ ગયો હતો. કિશને આ અંગે ખોખરા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગઠીયા વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બનાવટી આધારકાર્ડ પધરાવીને કેમેરો ભાડે લઈને છેતરપિંડી આચરતી ગેંગ નારણપુરા પોલીસે પકડી પાડી છે.
અમદાવાદ શહેરમાં ખોટા આધારકાર્ડ બનાવીને તેને આઈડી પ્રુફ તરીકે દુકાનોમાં આપીને કેમેરા ભાડે લઈને પરત ન કરતા ચાર લોકોની ટોળકીની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે નારણપુરા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. ચારેયની ધરપકડની સાથે સાથે અમદાવાદમાં આઠ અને વડોદરામાં બે એમ કુલ 10 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 3.39 લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો.
" isDesktop="true" id="1061971" >
પોલીસે આ ગુનામાં કરણ ઉપેન્દ્ર સિસોદીયા (ઉં.વ. 20), સરલ કમેલશ ઉપાધ્યાય (ઉ.વ. 25), અભિષેક રાજેશ ઠક્કર (ઉં.વ 21) અને નમન સિસોદીયા (ઉં.વ, 22)ને ઝડપી પાડ્યા છે. તમામ લોકો સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલા દેવ આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. પોલીસે આ ચારેય આરોપીઓ પાસેથી 10 કેમેરા, 5 મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અને 12 નકલી આધારકાર્ડ મેળવ્યા જપ્ત કર્યાં છે.