અમદાવાદમાં પોલીસને ધમકી : 'આજે તો તમે બચી ગયા, હવે આવશો તો છોડીશું નહીં'


Updated: August 7, 2020, 11:01 AM IST
અમદાવાદમાં પોલીસને ધમકી : 'આજે તો તમે બચી ગયા, હવે આવશો તો છોડીશું નહીં'
સોલા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

દારૂની બાતમી બાદ સ્થળ પર પહોંચેલા પોલીસ જવાનોને યુવકે ગાળો ભાંડી, કહ્યુ- 'પોલીસ હોય તો શું થઈ ગયું? અહીંયા આવવું નહીં, હું અહીંનો દાદા છું, અહી આવશો તો જાનથી મારી નાખીશ.'

  • Share this:
અમદાવાદ : શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં એક ગાડીમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાની બાતમી મળતા જ સ્થળ પર પહોંચેલા પોલીસ જવાનો સાથે બે યુવાનોએ મારામારી કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ચાંદલોડિયાની રાધિકા પાર્ક સોસાયટીમાં એક આઈ 20 કાર પાર્ક થયેલ છે. જેમાં વિદેશી દારૂની બોટલો રાખવામાં આવી છે. (આ પણ વાંચો : ભાઈની નજર સામે બહેનને અપશબ્દો બોલનાર યુવકને ભાઈએ ચપ્પુ હુલાવી દીધું)

બાતમી મળ્યા બાદ પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. જ્યાં સંજય દુબે નામનો યુવાન કારનો દરવાજો ખુલ્લો રાખી તેમાં બેઠો હતો. પોલીસને જોતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને બોલવા લાગ્યો હતો કે કેમ આ કારની સામે જુઓ છો? આ કાર મારી છે. પોલીસે તેમની ઓળખ આપતાં આ યુવાન વધુ ઉશ્કેરાયો હતો અને બીભત્સ ગાળો બોલીને પોલીસ હોય તો શું થઈ ગયું? અહીંયા આવવું નહીં, હું અહીંનો દાદા છું, અહી આવશો તો જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી પોલીસ સાથે મારામારી કરી હતી.

નીચે વીડિયોમાં જુઓ : ગુજરાતમાં કેટલા વિસ્તારોમાં વરસાદ પડ્યો


આ દરમિયાન બીજો પણ એક યુવાન ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે પણ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ઘટના સ્થળે હાજર પોલીસે અન્ય પોલીસ સ્ટાફ બોલાવતા બંને ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, આ દરમિયાન પણ તેઓએ ધમકી આપી હતી કે આજે તો તમે બચી ગયા છો, હવે આવશો તો છોડીશું નહીં. પોલીસે કારમાં તપાસ કરતા બે નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: August 7, 2020, 11:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading