અમદાવાદના બિસ્માર રસ્તાઓ વિશે બીજેપી નેતા આઈ.કે. જાડેજાએ ઉઠાવ્યા સવાલો

અમદાવાદના બિસ્માર રસ્તાઓ વિશે બીજેપી નેતા આઈ.કે. જાડેજાએ ઉઠાવ્યા સવાલો
રસ્તાની બિસ્માર હાલત

બીજેપીના વરિષ્ઠ નેતાએ બિસ્માર રસ્તા મુદ્દે લોકોના પ્રશ્નોને વાચા આપતા કોન્ટ્રાક્ટરોની જવાબદારી અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદના બિસ્માર રસ્તાઓને લઈને બીજેપીના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાત પ્રદેશ બીજેપીના ઉપ-પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ સવાલો ઉઠાવ્યા છે. અમદાવાદના બોપલ બ્રિજ (વકીલ સાહેબ બ્રિજ)થી શાંતિપુરા ચોકડી સુધી રસ્તાની બિસ્માર હાલત પર સવાલ ઉઠાવતા બીજેપી નેતાએ ઑડા (Ahmedabad Urban Development Authority)ના અધિકારીઓને સવાલ પૂછ્યો છે કે શું તેઓ આવા રસ્તા પર ચાલશે? આઈ.કે.જાડેજાએ આ અંગે ટ્વિટ કરીને લોકોના પ્રશ્નોને વાચા આપી છે.

  આઈ.કે.જાડેજાનું ટ્વિટ  બીજેપીના વરિષ્ઠ નેતાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, "અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી?"

  બીજેપીના વરિષ્ઠ નેતાએ બિસ્માર રસ્તા મુદ્દે લોકોના પ્રશ્નોને વાચા આપતા કોન્ટ્રાક્ટરોની જવાબદારી અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. નોંધનીય છે કે હાલમાં બોપલ ચોકડીથી લઈને શાંતિપુરા ચોકડી વચ્ચે બે જંક્શન પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રિજને કામને લઈને અનેક મહિનાઓથી રસ્તો બંધ કરીને ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. એક સાથે બે જંક્શન પર રસ્તો બંધ કરી દેવામાં આવતા સવારે અને સાંજે લોકોએ ખૂબ હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે.  ગોકળગતિએ ચાલી રહ્યું છે કામ

  બોપલ ચોકડીથી શાંતિપુરા ચોકડી વચ્ચે બે જગ્યાએ ઓવરબ્રિજનું કામ ખૂબ જ ગોકળગતિએ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વરસાદને કારણે ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યો છે તે સર્વિસ રોડ સાવ તૂટી ગયો છે. જેના પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે. વરસાદને કારણે રસ્તો એટલી હદે ધોવાઇ ગયો છે કે તેના પર વાહન ચલાવવું માથાનો દુખાવો સમાન છે. આ રોડ અમદાવાદનો મુખ્ય બાયપાસ રસ્તો હોવાથી અહીં ભારે વાહનોની પણ ખૂબ અવરજવર રહે છે.  બીજેપી નેતાને લોકોનો સાથ

  આઇ.કે. જાડેજાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરતાની સાથે જ લોકોએ કોમેન્ટ કરીને તેમની વાતને સમર્થન આપ્યું હતું. અમુક લોકો તરફથી બિસ્માર રસ્તાની તસવીરો પણ શેર કરવામાં આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે અનેક મહિનાઓથી આવી જ હાલત છે. સાથે સાથે અમુક યૂઝરોએ એવું પણ સૂચન આપ્યું છે કે કોન્ટ્રાક્ટરોને "જનતા મેમો" આપવાની શરૂઆત કરવી જોઈએ.
  First published:September 12, 2019, 11:51 am

  टॉप स्टोरीज