અમદાવાદ: રાજ્યમાં વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat assembly election 2022) નજીક આવતાની સાથે જ પ્રદેશના કદાવર રાજકીય નેતાઓ પદયાત્રા અને સંમેલનોના માધ્યમથી જનસંપર્કનો પ્રારંભ કરી દીધો છે. ગુજરાત ભાજપના ઠાકોર સમાજના કદાવર નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) પણ ઉત્તર ગુજરાતમાં પદયાત્રાનો પ્રારંભ કરી ઠાકોર ક્ષત્રિય સેના (Thakor sena) અને તેઓએ સ્થાપેલા OSS એકતા મંચના માધ્યમથી ઉત્તર ગુજરાતમાં જનસંપર્કનો પ્રારંભ કરી દીધો છે.
પદયાત્રાનું રાજકીય મહત્ત્વ
અલ્પેશ ઠાકોરે દર મહીને ઉત્તર ગુજરાતમાં એક યાત્રા કરી છેલ્લા બે મહિનાથી પોતાના જનસંપર્કનો પ્રારંભ કરી દીધો છે. અલ્પેશ ઠાકોર દ્વારા આ પદયાત્રાને "આદ્યશક્તિ પદયાત્રા" નામ આપવામાં આવ્યું છે. 26 ડિસેમ્બરના રોજ મરતોલીથી બેચરાજી મંદિર વચ્ચે યોજાનાર યાત્રા આમ તો ધાર્મિક છે પરંતુ તેનું રાજકીય મહત્ત્વ પણ કઈ ઓછું નથી.
વર્ષે 2022ની વિધાસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર ફરી મેદાને ઉતર્યા છે. ઠાકોર સેના અને OSS મંચના માધ્યમથી વર્ષે 2017માં જે રીતે પોતાની શક્તિમાં વધારો કર્યો હતો તે જ રીતે વર્ષે 2022ની ચૂંટણી માટે પોતાની શક્તિ એકત્રિત કરવાનો પ્રારંભ કર્યો છે.
અલ્પેશ ઠાકોરની આ યાત્રા એટલા માટે પણ મહત્ત્વની છે કે કૉંગ્રેસ જગદીશ ઠાકોર (Jagdish Thakor)ને પ્રદેશ અધ્યક્ષ અને સુખરામ રાઠવા (Sukhram Rathwa)ને વિધાનસભા વિપક્ષના નેતા બનાવ્યા બાદ ઓબીસી અને એસ.ટી. વોઠ બેંકને કબજે કરવા વાતવરણ બનાવી રહ્યું છે. ત્યારે અલ્પેશ ઠાકોર પણ કૉંગ્રેસના આ વાતાવરણ સામે પોતાની શક્તિઓ વધારી તાકાતનો પરિચય આપી રહ્યા છે.
182 બેઠકનો ટાર્ગેટ પૂરી કરીશું
આ અંગે વાત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ પદયાત્રાના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપવા અને સંગઠન મજબૂત કરવાનો અમે પ્રારંભ કરી રહ્યા છે. વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અમારી શક્તિને કોઈ પણ વ્યક્તિ ઓછી આંકી નહીં શકે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે 123 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મારી તેમને શુભેચ્છા છે. અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેને પૂરો કરવા હું કામે લાગી ગયો છું. અમારી આ યાત્રા માત્ર કોઈ એક જ્ઞાતિ પૂરતી નથી. આ યાત્રા સર્વ સમાજની સુખાકારી માટેની છે.