ભાજપે અત્યાર સુધી પાંચ પાટીદાર નેતાઓને પ્રદેશ પ્રમુખ બનાવ્યાં; હવે કોણ?

News18 Gujarati
Updated: September 6, 2019, 7:12 PM IST
ભાજપે અત્યાર સુધી પાંચ પાટીદાર નેતાઓને પ્રદેશ પ્રમુખ બનાવ્યાં; હવે કોણ?
પ્રતિકાત્મક તસવીર

ભાજપના સંગઠન માં પ્રદેશ પ્રમુખનું જેટલું મહત્વ છે તેના જેટલું જ મહત્વ એ સંગઠન મહામંત્રીનું હોય છે

  • Share this:
મયુર માંકડિયા:  ભારતીય જનતાપાર્ટીમાં(BJP) હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે. સંગઠન પર્વ અંતર્ગત નવેમ્બર મહિના સુધીમાં બુથથી લઇ પ્રદેશ કક્ષાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.

આ સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપે પોતાના 13માં પ્રદેશ પ્રમુખની નિમણૂક કરશે.ભાજપે અત્યાર સુધીમાં પાંચ પાટીદાર પ્રદેશ પ્રમુખ જોયા છે. જયારે બે ક્ષત્રિય અને બે ઓબીસી પ્રમુખોની નિમણૂક કરી છે. હાલના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પાટીદાર નેતા છે અને આગામી ટર્મમાં પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવે તેવી પૂરી શક્યતા જોવાઇ રહી છે.

ભાજપમાં દર ત્રણ વર્ષે સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત પાર્ટી દ્વારા ભાજપમાં નવા પ્રથમિક અને સક્રિય સભ્યો જોડવામાં આવે છે. આ સાથે જ પ્રદેશ પ્રમુખથી લઇ મંડળ પ્રમુખ સુધીના નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવે છે. આ વખતે પણ ગુજરાત ભાજપ દ્વારા નવા સંગઠનની રચના કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. નવેમ્બર માસમાં પ્રદેશ પ્રમુખ ની નિમણૂક સાથે જ નવા હોદેદારોની નિમણૂક પૂર્ણ થશે.આ સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ પોતાના 13માં પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતામાં કાર્યરત થશે.

જો ભૂતકાળની વાત કરવામાં આવે તો જનસંઘ બાદ ભારતીય જનતાપાર્ટી બનતાની સાથે જ કેશુભાઇ પટેલને પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક બન્યા હતા.
કેશુ ભાઈ પટેલ એ ગુજરાત માં ભાજપની સરકારના પહેલા મુખ્ય મંત્રી પણ બન્યા હતા.

ત્યારબાદ બીજા પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજમાંથી આવતા એ.કે પટેલ ની નિમણૂક કરવામાં આવી હતી. જનસંઘમાંથી જયારે ભારતીય જનતાપાર્ટી બની ત્યારે સમગ્ર દેશમાં લોકસભાની જે બે સીટી આવી હતી તેમાં ગુજરાતના મહેસાણા સીટ પર થી એ.કે પટેલ લોકસભામાં ગયા હતા.ત્રીજા પ્રદેશ પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતમાં ઓબીસી સમાજના મોટા નેતા કાશીરામ રાણા ને બનાવામાં આવ્યા હતા.

ચોથા પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલાને બનાવવામાં આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ જ ભાજપ સરકાર સામે વિદ્રોહ કરી રાજપા બનાવી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં તેમને કેન્દ્રીયમંત્રી અને વિપક્ષના નેતા બનાવામાં આવ્યા હતા.વર્ષે 2017 ની વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા એ કોંગ્રેસ છોડી જન વિકલ્પ નામની પાર્ટી બનાવી હતી.ત્યાર બાદ વર્ષે 2019 લોકસભા ચૂંટણી પહેલા એનસીપીમાં જોડાયા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે.

ભાજપના પાંચમા પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી દક્ષિણ ગુજરાતના ઓબીસી સમજના મોટા નેતા કાશીરામ રાણા ને બીજી વખત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોપવામાં આવી હતી.

છઠા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટના કારડિયા રાજપૂત નેતા વજુભાઇ વાળા ને પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા હતા.

સાતમા પ્રદેશ પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના નેતા રાજેન્દ્રસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી હતી.રાજેન્દ્રસિંહ રાણાને બે વખત ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનાવામાં આવ્યા હતા.

આઠમા પ્રેદેશ પ્રમુખ તરીકે ફરીથી વજુભાઇ વાળા જવાબદારી સોંપાઇ. આ સાથે જ વજુભાઇ વાળા એ ગુજરાત ભાજપમાં બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા હતા.

નવમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટના કડવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલાને જવાબદારી આપવામાં આવી હતી.પુષોત્તમ રૂપાલા પણ બે ટર્મ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.

દસમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટના લેવા પટેલ સમજના નેતા આર.સી.ફળદુ ને જવાબદારી સોંપાઇ. તેઓ બે ટર્મ પ્રદેશ પ્રમુખ રહ્યા.

જયારે અગિયારમા પ્રદેશ પ્રમુખ તરીકે જૈન સમાજ માંથી આવતા વિજય રૂપાણી ને જવાબદારી સોંપાઇ. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા અને પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું.

આ પછી બારમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટના લેઉવા પટેલ સમાજના નેતા જીતુ વાઘાણીતુ ને જવાબદારી સોંપાઇ.જીતુ વાઘાણી ના જ સમય ગાળામાં રાજ્યમાં પાટીદાર આંદોલન ચરમસીમા પર હતું અને વર્ષે 2017 ની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ લોકસભા ની ચૂંટણી લડવામાં આવી. ભાજપ આ બંને ચૂંટણીઓ જીતી.

આ સાથે જ હવે ભાજપ એ પોતાના 13માં પ્રદેશ પ્રમુખ ની નિમણૂક કરવા જય રહ્યું છે. જો જ્ઞાતિ પ્રમાણે વિશ્લેષણ કરવામાં આવેતો અત્યાર સુધીમાં પ્રદેશ ભાજપના પાટીદારોને સૌથી વધુ પ્રદેશ પ્રમુખ પદ મળ્યું છે. બે વખત ક્ષત્રિય અને બે વખત ઓબીસી સમાજ માંથી પ્રદેશ પ્રમુખ બન્યા છે. એક વખત જૈન સમાજમાંથી પ્રદેશ પ્રમુખ નિમ્યા છે.

ભાજપમાં સંગઠન મહામત્રી મહત્વનું પદ

ભાજપના સંગઠન માં પ્રદેશ પ્રમુખનું જેટલું મહત્વ છે તેના જેટલું જ મહત્વ એ સંગઠન મહામંત્રીનું હોય છે.સંગઠન મહામંત્રી એ રાષ્ટીય સ્વંયમ સેવક સંઘના પ્રચારકને બનાવામાં આવે છે. ગુજરાત ભાજપના પ્રથમ સંગઠન મહામંત્રી તરીકે નાથાલાલ જગડા,બીજા સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી, ત્રીજા સંગઠન મહામંત્રી તરીકે સંજય જોશી, ચોથા સંગઠન મહામંત્રી  તરીકે સુરેશ ગાંધી અને હાલ પાંચમા સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયા કાર્ય કરી રહ્યા છે.

ભારતીય જનતાપાર્ટી એ હમેશા ઉજળિયાત વર્ગ ની પાર્ટી રહી છે.તેમાં પણ ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વના હોદા પર પાટીદાર સમાજને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે 13માં પ્રદેશ પ્રમુખ પણ પાટીદાર સમાજમાંથી આવે તેવી શક્યતાઓ જણાય રહી છે.
First published: September 6, 2019
વધુ વાંચો
अगली ख़बर