'મિશન-26' માટે વ્યવસ્થા સમિતિની જાહેરાતથી બીજેપીના અનેક નેતા નારાજ!

News18 Gujarati
Updated: May 31, 2018, 4:47 PM IST
'મિશન-26' માટે વ્યવસ્થા સમિતિની જાહેરાતથી બીજેપીના અનેક નેતા નારાજ!

  • Share this:
લોકસભાની ચૂંટણીને આડે હજુ એક વર્ષ બાકી છે ત્યારે ગુજરાતમાં બીજેપીએ લોકસભાની તમામ 26 બેઠકો કબજે કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીએ ચૂંટણી વ્યવસ્થા સમિતિની જાહેરાત કરી દીધી છે. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, કૌશિક પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, ભરતસિંહ પરમાર, શંકર ચૌધરી, હીરા સોલંકી, ભાર્ગવ ભટ્ટ અને આઈ કે જાડેજાનો સમાવેશ કરાયો છે.

સૂત્રોની વાત માનીએ તો ગુજરાત ભાજપમાં આ સમિતિની જાહેરાત બાદ અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતના ઓબીસીમાં ઠાકોર સમાજની વસતી સૌથી વધુ છે તેમ છતાં બીજેપીએ ઠાકોર સમાજને ચૂંટણી વ્યવસ્થા સમિતિમાં સ્થાન આપ્યું નથી. જેને લઇને ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.

રાજ્ય સરકારના શ્રમ રોજગાર પ્રધાન દિલીપ ઠાકોર, સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂર્વ મેયર કાનાજી ઠાકોર, પૂર્વ પ્રધાન જયસિંહ ચૌહાણ જેવા નેતાઓને આ સમિતિમાં સ્થાન આપી શકાયું હોત. ઠાકોર સમાજના એકપણ કદાવર નેતાને સ્થાન ન મળતા ઠાકોર સમાજના નેતાઓ અને કાર્યકરોના મનમાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં બીજેપી ઠાકોર સમાજને પૂરતું મહત્વ કે હોદ્દા આપતી નથી.

એજ રીતે ચૂંટણી વ્યવસ્થા સમિતિમાં દલિત સમાજની પણ બાદબાકી કરી દેવાઈ છે. અત્યાર સુધી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણ વોરા અને પૂર્વ પ્રધાન આત્મારામ પરમાર જેવા નેતાઓને સરકાર અને બીજેપી સંગઠનમાં મહત્વનું સ્થાન મળતું રહ્યું છે પરંતુ આ બંને નેતાઓ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ ગુજરાત બીજેપીમાં દલિતોની સ્થિતિ દયનીય બની છે.

ઠાકોર સમાજની જેમ બીજેપીએ એક પણ દલિત નેતાને સમિતિમાં સ્થાન આપ્યું નથી. ગુજરાત બીજેપીએ ચૂંટણી વ્યવસ્થા સમિતિમાં પાટીદારો અને ક્ષત્રિયોને વધુ મહત્વ આપ્યું છે. જેને કારણે ઠાકોર અને દલિત સમાજના નેતાઓના આંખના ભવા ચડી ગયા છે. આ સમિતિમાં સામાજિક ન્યાય બાબતોના પ્રધાન ઈશ્વર પરમાર, પ્રદેશ એસસી મોરચાના પ્રમુખ શંભુદાસ ટુંડીયા, ડો. કિરીટ સોલંકી, રમણ વોરા, આત્મારામ પરમાર જેવા નેતાઓને સ્થાન આપી શકી હોત.

ઠાકોર દલિતોને બીજેપી દ્વારા સમિતિમાં સ્થાન નહીં આપવાને લીધે પક્ષમાં ખાનગી રીતે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા હીરા સોલંકી અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી જેવા નેતાઓને સમિતિમાં સ્થાન અપાતા વફાદાર કાર્યકરો નારાજ થયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. આવી સ્થિતિમાં બીજેપી ગુજરાતમાં "મિશન 26" પાર પડી શકશે કે પછી કોંગ્રેસ બીજેપીના આ મિશનમાં પંચર પાડશે તે તો ચૂંટણીના પરિણામો કહેશે.હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી
First published: May 31, 2018, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading