બિન સચિવાલયની પરીક્ષા થઈ શકે છે રદ, CCTVના પુરાવા સાચા હોવાનું FSLનું તથ્ય

News18 Gujarati
Updated: December 14, 2019, 11:21 PM IST
બિન સચિવાલયની પરીક્ષા થઈ શકે છે રદ, CCTVના પુરાવા સાચા હોવાનું FSLનું તથ્ય
પ્રતિકાત્મક તસવીર

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ ડેટાની તપાસ પૂર્ણ કરી દીધી

  • Share this:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા રદ કરવી કે ના કરવી તેનો આખરી નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે. સૂત્રોની વાત માનીએ તો એસઆઈટી દ્વારા એફએસએલે વિડીયો ફૂટેજ, સીસીટીવી ફૂટેજ સહીત પેપર લીક મામલે રજૂ કરેલા પુરાવાની ચકાસણી પૂર્ણ કરી દીધી છે, જે અંગેનો રિપોર્ટ એફએસએલ દ્વારા એસઆઈટીને સબમિટ કરી દેવામાં આવ્યો છે. સૂત્રોની વાત માનીએ તો એફ.એસ.એલ.ને ઉમેદવારોએ રજૂ કરેલા પુરાવામાં તથ્ય જણાયું
છે. ત્યારે એસ.આઈ.ટી. અને રાજય સરકારે નક્કી કરવાનું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા રદ કરવી કે નહીં. બીજુ જે સેન્ટરોમાં ગેરરીતિ જોવા મળી તે સેન્ટરો પૂરતી પરીક્ષા રદ કરવી આ તમામ બાબતે સરકાર દ્વારા નિર્ણય લેવાશે. અત્યારે સીટના ચેરમેન કમલ દયાણીએ મીડિયાની સામે બેઠક અંગે વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવી હતી, એ દરમ્યાન મોટાપાયે ગેર રીતિના કિસ્સાઓ બહાર આવ્યા હતા. જે બાબતે ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષ દ્વારા પરીક્ષામાં થયેલ ગેરરીતિ બાબતે સરકારને વિડીયો ક્લિપ્સ, સીસીટીવી ફૂટેજ સહીતના પુરાવાઓ રજૂ કર્યા હતા, જેને કારણે સરકાર ભીંસમાં મુકાઈ હતી. ઉમેદવારોના ઉગ્ર વિરોધને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એસ.આઈ.ટી.ની રચના કરવાની જાહેરાત કરી હતી જેની તપાસ 10 દિવસ માં પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી.

આ અંતર્ગત એસ.આઈ.ટી.ના ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઈ જી મયંકસિંહ ચાવડા, આઈબીના વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગના સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરાયો હતો. એસ.આઈ.ટી.ની રચના બાદ પ્રથમ બેઠકમાં ગૌણ સેવાની પરીક્ષા રદ કરવાની માંગ કરવા સાથે આંદોલન કરી રહેલા યુવરાજસિંહ અને તેની ટોળકીએ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ રેકોર્ડિંગ, અને પેપર લીક અંગેના પુરાવા રજૂ કર્યા હતા. જેની તપાસ એફ.એસ.એલ.ને એસ.આઈ.ટી. દ્વારા સોંપવામાં આવી હતી. આજે બીજી વખત સીટની મળેલ બેઠકમાં એફ.એસ.એલ.ના નિષ્ણાતોને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. જોકે સીટના ચેરમેન કમલ દયાણીએ મીડિયાથી દૂર ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ મીડિયાના દબાણના પગલે માત્ર એટલું જ કહ્યું હતું કે, અત્યારે કશું પણ કહેવું વહેલું ગણાશે, આગલા વીકમા રિપોર્ટ સબમિટ થઈ શકે છે.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ ડેટાની તપાસ પૂર્ણ કરી દીધી છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ રિપોર્ટમાં વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીક થવાના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય છે. ત્યારે હવે સીટ દ્વારા સોમવારે સીએમને રિપોર્ટ સોંપવામાં આવે તેવી સંભાવના છે. સીએમ વિજય રૂપાણી સીટના રિપોર્ટના આધારે આખરી નિર્ણય લેશે. બિન સચિવાલય પરીક્ષા રદ કરવી કે ચાલુ રાખવી તેનો આખરી નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી પર છોડવામાં આવ્યો છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर