સલામ છે ગુજરાતીઓને! લૉકડાઉનને ચાલુ રાખવાનું સમર્થન કરતા કહ્યું, જરૂર પડે તો કર્ફ્યૂ પણ લાદો

News18 Gujarati
Updated: April 9, 2020, 6:22 PM IST
સલામ છે ગુજરાતીઓને! લૉકડાઉનને ચાલુ રાખવાનું સમર્થન કરતા કહ્યું, જરૂર પડે તો કર્ફ્યૂ પણ લાદો
14મી એપ્રિલે લૉકડાઉન ખતમ થશે કે નહીં?

લૉકડાઉન હટાવી દેવું જોઇએ કે નહીં તેવા સવાલ પર ગુજરાતીઓએ એક જ સૂરમાં કહ્યું, "કેસ વધી રહ્યા છે ત્યારે લૉકડાઉન જ નહીં, કર્ફ્યૂ પણ લાદો."

  • Share this:
હરીન માત્રાવડિયા/કિર્તેશ પટેલ/ફરીદખાન/વેબ ડેસ્ક : કોરોનાના કહેર (Coroanvirus)ને કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન  (Lockdown)જાહેર કરવામાં આવી રહ્યું છે. આ લૉકડાઉનની મુદત આગામી 14મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહી છે. આથી હવે રાજ્ય અને દેશમાં લૉકડાઉન હટી જશે કે નહીં તેની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. જોકે, આ વચ્ચે વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ બુધવારે સર્વદળીય બેઠકમાં એવો સંકેત આપ્યો છે કે દેશમાંથી તાત્કાલિક લૉકડાઉન હટી જાય તેની કોઈ સંભાવના નથી. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે લૉકડાઉન હટી જવા છતાં આપણી બધાની જિંદગી પહેલા જેવી નહીં રહે. ત્યારે એક વાત તો નક્કી છે કે લૉકડાઉન હટી ગયા બાદ પણ આપણી સમક્ષ અનેક પડકારો હશે. ગુજરાત કે દેશમાંથી લૉકડાઉન હટાવી દેવું જોઈએ કે નહીં તે મામલે ન્યૂઝ18 ગુજરાતીના રિપોર્ટર મિત્રોએ ધંધાદારી લોકો અને સામાન્ય લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મોટાભાગના લોકો લૉકડાઉન હટાવવાના પક્ષમાં ન હતા, પરંતુ તેમને સૌથી મોટી ચિંતા ધંધા-રોજગાર પડી ભાંગવાની અને કમાણી બંધ થઈ જવાની હતી.

સાથે જ ન્યૂઝ18 ગુજરાતી તરફથી સોશિયલ મીડિયા પર આ અંગે પોલ કરવામાં આવ્યો હતો. જેમાં પણ ફક્ત બે જ કલાકમાં હજારો લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યો હતો. એકંદરે તમામ લોકોને લૉકડાઉન ન હટાવવાનો મત રહ્યો હતો, સાથે જ તમામ લોકોએ મજૂર અને ગરીબ વર્ગની ચિંતા કરી હતી. આ ઉપરાંત અમુક લોકોએ એવો પણ મત રજૂ કર્યો હતો કે 14 તારીખ બાદ એક બે દિવસની છૂટ આપવામાં આવે જેનાથી કોઈ શહેરમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરો તેમના ઘરે જઈ શકે.

સુરતના લોકોનો મત : 'લૉકડાઉન ચાલુ રાખો પરંતુ બે-ત્રણ દિવસ છૂટ આપો' 

ન્યૂઝ18 ગુજરાતીએ સુરતના કેટલાક લોકો સાથે લૉકડાઉન હટાવવું કે ચાલુ રાખવા અંગે વાતચીત કરી હતી. આ દરમિયાન એવું તારણ સામે આવ્યું હતું કે લોકો લૉકડાઉન ચાલુ રાખવાની તરફેણમાં હતા. પરંતુ તમામ લોકોએ એક ચિંતા વ્યક્ત કરી હતી કે સુરતમાં મજૂર વર્ગ સૌથી વધારે રહે છે. આ ઉપરાંત અહીં બીજા શહેર કે રાજ્યમાંથી કામ ધંધા અર્થે આવેલા લોકોની સંખ્યા પણ વધારે છે. આ લોકો પાસે હવે ખાવાનો સામાન ખતમ થઈ ગયો છે. આથી જો લૉકડાઉનમાં બે ત્રણ દિવસ રાહત આપવામાં આવે તો આ લોકો તેમના વતન પરત ફરી શકે.

રાજકોટના લોકોનો મોત : 'થોડી મુશ્કેલી પડશે પરંતુ લૉકડાઉન ચાલુ રાખો'

લૉકડાઉન મામલે વાત કરતા રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, લૉકડાઉનને પગલે વેપારી મિત્રોને ખૂબ તકલીફ પડે છે. પરંતુ કેસ વધવાના ચાલુ હોવાથી લૉકડાઉન 30મી એપ્રિલ સુધી વધારવું જોઇએ. વેપારી મિત્રોને થોડી તકલીફ પડશે પરંતુ આનાથી કોરોનાને નાથવામાં સફળતા મળશે. સામાજિક અગ્રણી રાજુ જુંજાએ અંગે જણાવ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ. લૉકડાઉનને કારણે સામાન્ય માણસને ખૂબ તકલીફ પડે છે. પરંતુ કેસ વધી રહ્યા છે ત્યારે લૉકડાઉન વધારવું જરૂરી છે. રાજકોટથી જ દુકાનધારક રમેશ પટેલે જણાવ્યું હતું કે નવાં નવાં કેસોને જોતા લૉકડાઉન વધારવું જોઇએ પરંતુ આનાથી નાના લોકોને ખૂબ તકલીફ પડી છે તેનું ધ્યાન રાખવું જોઇએ. આ ઉપરાંત જે વિસ્તારમાં કોઈ કેસ સામે નથી આવી રહ્યા ત્યાં થોડી રાહત આપવી જોઈએ નહીં તો ઘરોમાં રહીને લોકોની માનસિક હાલત ખરાબ થશે.

વડોદરાવાસીઓનો એક જ મત, લૉકડાઉન વધારવાની સાથે સાથે કર્ફ્યૂ પણ લગાવો

લોકડાઉન મામલે વડોદરાવાસીઓએ પોતાનો મત આપતા જણાવ્યું હતું કે, લૉકડાઉન વધરાવાની સાથે સાથે કર્ફ્યૂ પણ લગાવી દેવો જોઇએ. કારણ કે લૉકડાઉનમાં જે લોકો બિન્દાસ ફરી રહ્યા છે તેનાથી કોરોનાનો ફેલાવો ખૂબ વધશે. વડોદરાના સ્થાનિક પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, "હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને લૉકડાઉનને વધારવું યોગ્ય રહેશે. ભારતમાં લૉકડાઉનને કારણે જ મરણ અને પોઝિટિવ કેસની સંખ્યા ઓછી છે." વડોદરાની એક હૉસ્પિટલમાં કામ કરતા હાર્દિક મોદીએ જણાવ્યું હતું કે, લૉકડાઉન વધારો એ જ યોગ્ય રહેશે. હવે આર્મીની મદદ લઈને લૉકડાઉનને વધારે કડક કરવાની જરૂર છે.

આ પણ વાંચો :  અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 50 પોઝિટિવ કેસ આવતા AMCએ શરૂ કર્યું મેગા સર્વેલન્સ

સોશિયલ મીડિયામાં લોકોએ રજૂ કરેલા મત :

Prajapati Bharat Chauhan : "કોરોનાને કારણે ખેડૂત, રોજનું કમાતા, નાના નોકરિયાત વર્ગ, નાના ધંધાર્થીઓને મોટો ફટકો છે. જે કંપનીમાં ઘરેથી કામ કરી શકાય છે તેમનું ઘર ચાલી જશે પણ જેમની કમાણી અટકી ગઈ છે તેઓને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરવો મુશ્કેલ છે."

Mahesh Vora : "કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે lockdown વધારવું ખૂબ જ જરૂરી છે. આના માટે હું તથા અમારા સોસાયટી મિત્ર વર્ગ સરકારને સાથ આપવા તૈયાર છીએ."

Vansh Mehta : "આ બીમારીનો એક જ ઈલાજ છે લોકડાઉન. પરંતુ જે ગરીબ છે તેને ખરેખર અનાજથી માંડીને બઘી સાઘન સામગ્રી મળી રહે તે જોવાનું કામ વહીવટીતંત્ર કરે તેવું મારૂ માનવું છે."

Bhagavan Thakor : "આપણે લૉકડાઉન નહીં કરીએ તો ઈટલી જેવી દશા થશે. મારાભાઈઓ થોડીક તકલીફ લેજો તમારા પરિવાર માટે. લી. ભગવાનજી, બોરતવાડા"

Hetal Chauhan : મારે પણ એક વાત રજૂ કરવાની છે. જે લોકો અલગ અલગ ફસાયેલા તે લોકો માટે પણ આગળ આવવું જોઈએ. 14 તારીખ સુધી તો રહ્યા એ લોકો, હવે કેવી રીતે બીજા લૉકડાઉનનું પાલન થાય? આ વાત ઉપર વિચાર કરે."

Ghelu Bhai Gadhavi : "આતો સમય સુચકતા વાપરી એટલે, નહિતર અત્યારે ક્યાંય લાશો રાખવાની જગ્યા રહી ન હોત. હજી ખુલશે એટલે લોકો એકબીજાના સંપર્કમાં આવશે. ટ્રેન, એસટી તેમજ મોલ, સબજીમંડી આવી જગ્યાઓ પર ભીડ થાય એટલી ખાલી રાહ જોવાય છે. જ્યાં જ્યાં વિદેશમાં છૂટ છે ત્યાં પરિણામ જોઈ લેવું જોઈએ."

Cr Patel Cr Patel : "ખૂબ જ જરુરી છે કારણ કે આપણું અર્થતંત્ર તો જરુર સુધરી જાશેઅગર માનવજાત સહીસલામત હશે તો. વાત રહી ગરીબ વર્ગ પરીવારોની તો એ આપણી બધાની જવાબદારી છે. જેટલું આપણાથી બને એટલી આ લોકોની મદદ કરો. આપણો ભગવાન આપણા ઉપર રાજી થશે."

Kheevsingh Jodha : "અમદાવાદની જનતા એ રીતે ફરે છે જાણે કે સવારેને સાંજે કેરોના ઉંઘેલો હોય છે. ફક્ત બપોરે જ એક્ટિવ થાય છે. આ ગાંડાઓને ખબર નથી કે ટ્રેન, પ્લેન, વહાણ બધા બ્રેક ડાઉન છે. સરકાર આગ્રહ કરી કરીને થાકી પણ કેમ ગાંડો માનવી કેમ નથી સમજતો?"

નાગર વેગડા : "સરકારી નોકરી કે કોઈ પણ મોટી કંપનીઓમાં કામ કરતા લોકો લૉકડાઉનનું સમર્થન કરે છે. બેઠાં બેઠાં પગાર મલવાનો છે. બાકી છૂટક મજૂરી કરવાવાળા લોકોનું શું?"

Kheevsingh Jodha : "સરકારશ્રીને મારું નિવેદન છે અને સલાહ પણ છે જે બીજા રાજ્યોના લેબર જ્યાં જ્યાં ફસાયેલા છે તેમને યુદ્ધના ધોરણે પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરે."



લૉકડાઉનની અસરો :

>> મજૂર વર્ગ પર આભ ફાટ્યું : લૉકડાઉનની સૌથી વધારે અસર રોજીરોટી માટે એક પ્રદેશ કે રાજ્યમાંથી બીજા પ્રદેશ કે રાજ્યમાં સ્થળાંતર કરતા લોકો પર પડી છે. અંદાજ પ્રમાણે કોરોના વાયરસના ડરને કારણે મોટા ભાગના મજૂરો પલાયન કરી ચુક્યા છે. અંદાજ પ્રમાણે આમાંથી 92 ટકા લોકો પોતાની રોજગારી ગુમાવી ચુક્યા છે. આ લોકો દરરોજની કમાણીમાંથી પોતાનો જીવનનિર્વાહ કરી રહ્યા હતા. લૉકડાઉન ખુલ્યા બાદ પણ આવા મજૂરોને ફરીથી કામ પર લાવવા માટે ઘણા દિવસો લાગી જશે.

>> અર્થતંત્ર : ઍક્યૂટ રેટિંગ્સ ઍન્ડ રિસર્ચના અંદાજ પ્રમાણે લૉકડાઉનને પગલે દેશમાં 21 દિવસની અંદર અંદાજે 98 અબજ ડૉલરનું નુકસાન થશે. જેના પરિણામે નાણાકીય વર્ષ 2020-21નો સરેરાશ જીડીપી બેથી ત્રણ ટકા રહેવાનો અંદાજ છે.

>> શેરબજાર : 16 જાન્યુારી, 2020ના દિવસે ભારત સેન્સેક્સ સર્વોચ્ચ સપાટી 42,059.45 પર હતો. જે હાલ 31 હજારની આસપાસ છે. કોરોના વાયરસને કારણે શેરબજારનું કામ કરતા અને રોકાણકારોએ અત્યાર સુધી ન જોયેલા દિવસો જોયા છે, તે પછી લોઅર સક્રિટની વાત હોય કે પછી એક જ દિવસમાં સૌથી મોટા કડાકાની વાત હોય. કોરોના વાયરસના પ્રભાવને કારણે જાન્યુઆરીથી અત્યાર સુધી સેન્સેક્સમાં મોટા કડાકો બોલી ગયો છે. જેના કારણે રોકાણકારોએ તેમની કરોડોની મૂડી ગુમાવી છે.

>> શિક્ષણ : કોરોના વાયરસને કારણે સ્કૂલ, કૉલેજો અને ટ્યૂશન ક્લાસીસોને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં વાત કરવામાં આવે તો બોર્ડ સિવાય અન્ય પરીક્ષાઓ પણ લેવામાં આવી નથી. જોકે, એકથી નવ અને 11માં ધોરણના વિદ્યાર્થીઓને માસ ગ્રેસિંગ આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, દરમિયાન ટ્યૂશન ક્લાસીસ અને સમગ્ર શિક્ષણ જગતને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કોરોનાને કારણે અનેક સરકારી કે ખાનગી ભરતીઓ પાઠી છેલાઈ છે. ભવિષ્યમાં હવે ક્યારે ભરતી થશે તે અંગે પણ પ્રશ્નાર્થ છે.

>> રોજગારી : લૉકડાઉન ખુલ્યા બાદ સૌથી મોટી સમસ્યા રોજગારીની હશે. કારણ કે અત્યારે સરકારના દબાણ હેઠળ અથવા માનવતાના ધોરણે કંપનીઓ કે સંસ્થાઓ તેમના કર્મીઓને છૂટા નથી કરી રહી. પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે લૉકડાઉન અને કોરોના વાયરસના પ્રભાવ હેઠળ લાખોની સંખ્યામાં લોકો પોતાની નોકરી ગુમાવશે.

>> ધંધા-ઉદ્યોગ : લૉકડાઉનને પગલે હાલ જીવનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન સિવાય તમામ પ્રકારના ધંધા બંધ છે. કોરોના વાયરસને કારણ સૌથી વધારે નુકસાન નાના ધંધાર્થીઓને થશે. બે પાંચ કે 10 કારીગરો સાથે ધંધો કરતા લોકો ફરીથી બેઠા થઈ શકશે કે નહીં તે સવાલ છે. આની પરોક્ષ અસર એ હશે કે જો આવા ધંધા ફરીથી શરૂ નહીં થઈ શકે તો તેના પરિણામે મજૂર વર્ગને પણ દૈનિક આવક બંધ થઈ જશે.
First published: April 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading