Home /News /madhya-gujarat /

કચ્છમાં દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક: જાણો પાર્ક માટે કચ્છની જ પસંદગી શા માટે?

કચ્છમાં દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક: જાણો પાર્ક માટે કચ્છની જ પસંદગી શા માટે?

કચ્છમાં સૌથી મોટો પાર્ક.

વર્ષ 2030 સુધીમાં દેશમાં 450 ગીગાવોટ વીજળીના ઉત્પાદનના પીએમ મોદીના લક્ષ્ય સુધી પહોંચવામાં આ પાર્ક મહત્ત્વનો સાબિત થશે.

    અમદાવાદ: દેશ અને ગુજરાત માટે આજે ગૌરવનો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક (Renewable Energy Park)નો શિલાન્યાસ કરશે. આ પાર્કની ક્ષમતા 30 હજાર મેગાવોટ છે. સૂર્યપ્રકાશ અને પવન (Wind and Solar Energy) બંનેનો ઉપયોગ કરીને સ્થાપવામાં આવનાર આ પ્રથમ પાર્ક છે. આ પ્લાન્ટ ભારત અને પાકિસ્તાનની સરહદ પર ખાવડા ખાતે બનાવવામાં આવશે. આ પ્લાન્ટ માટે 72,600 હેક્ટર પડતર જમીનનો ઉપયોગ કરવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં દેશમાં ચાર લાખ અને પચાસ હજાર મેગાવોટ વીજળીના ઉત્પાદનના પીએમ મોદી (Prime Minister Modi)ના સપનાને પૂર્ણ કરવા માટે ગુજરાતમાં સ્થાપવામાં આવનારો આ પાર્ક ખૂબ મહત્ત્વનો રોલ ભજવશે.

    કચ્છના સૌથી મોટા એનર્જી પાર્ક વિશે જાણવા જેવું:

    1) વર્ષ 2030 સુધીમાં દેશમાં 450 ગીગાવોટ વીજળીના ઉત્પાદનના પીએમ મોદીના લક્ષ્ય સુધી પહોંચવામાં આ પાર્ક મહત્ત્વનો સાબિત થશે.
    2) આ પાર્કના બે ઝોન છે. જેમાં પ્રથમ ઝોનમાં 49,600 હેક્ટર જમીન પર હાઇબ્રિડ પાર્ક બનશે. એટલે કે તેમાં વીજળીના ઉત્પાદન માટે સૂર્ય પ્રકાશ અને પવનનો ઉપયોગ થશે. બીજો ઝોન કે જે 23,000 હેક્ટર જમીન પર પથરાયેલો હશે અને તે ફક્ત વિન્ડ પાવર આધારિત હશે.
    3) આ પાર્ક ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખાવડા ગામ અને વિઘાખોટ ગામ વચ્ચે બનાવવામાં આવશે. હાઇબ્રિડ પાર્ક આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ફક્ત છ કિલોમીટર દૂર હશે. જ્યારે વિન્ડ પાર્ક આંતરરાષ્ટ્રીય સરહદથી 1થી 6 કિલોમીટરના અંતરે આવેલો હશે.
    4) સોલર પાર્ક માટે કચ્છની જ પસંદગી કરવામાં આવી તે માટે ખાસ કારણ છે. ખાવડા ખાતે આશરે એક લાખ હેક્ટર જમીન પડતર પડી છે. જેમાંથી 72,600 હેક્ટર જમીન પર સંરક્ષણ મંત્રાલયે સોલર પાર્ક બનાવવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત સરહદ નજીક જ સોલર પાર્ક બનાવવાથી તે બાઉન્ડ્રી જેવું કામ કરશે.

    ભારતમાં આવેલા વિશાળ એનર્જી પાર્ક:



    ભડલા સોલર પાર્ક:

    ભડલા સોલર પાર્ક રાજસ્થાનના ભડલા ગામ ખાતે આવેલો છે. કુલ પાર્ક 5,783 હેક્ટર જમીનમાં ફેલાયેલો છે. ભડલા ગામ જોધપુરથી આશરે 220 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે. આ સોલર પાર્કના પ્રથમ તબક્કામાં સાત પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. જેનું સંયુક્ત ક્ષમતા 75 મેગાવોટ છે. જ્યારે બીજા તબક્કામાં 10 સોલર પાવર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે જેની સંયુક્ત ક્ષમતા 680 મેગાવોટ છે. ત્રીજા અને ચોથા તબક્કામાં દરેકમાં 10 પાવર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. જેની ઉત્પાદન ક્ષમતા 1,000 મેગાવોટ અને 500 મેગાવોટ છે. આ રીતે પાર્કની કુલ ક્ષમતા 2,245 મેગાવોટ થાય છે. અહીં ફક્ત સોલર પ્લાન્ટ છે.



    પવાગડ સોલર પાર્ક:

    પવાગડ સોલર પાર્ક બનાવવાની શરૂઆત જાન્યુઆરી 2016માં કરવામાં આવી હતી. આ પ્લાન્ટ 250 મેગાવોટના એક એવા આઠ બ્લોકમાં વહેંચાયેલો છે. ડિસેમ્બર, 2019માં આ પાર્ક શરૂ થઈ ગયો હતો. આ પાવર પ્લાન્ટ કર્ણાટકના તમાકુરુ જિલ્લામાં આવેલો છે. આ પ્લાન્ટ કર્ણાટક સોલર પાર્ક ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી બનાવવામાં આવ્યો છે. શરૂઆતમાં 13,000 એકર જમીનમાં 2,000 મેગાવોટનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. જે બાદમાં 50 મેગાવોટની ક્ષમતા વધારવામાં આવી હતી. એટલે કે આ પ્લાન્ટની કુલ ક્ષમતા 2050 મેગાવોટ છે.



    કૂરનૂલ અલ્ટ્રા મેગા સોલર પાર્ક:

    કૂરનૂલ આંધ્ર પ્રદેશ સ્થિત 1,000 મેગાવોટનો પાર્ક છે. અહીં સૂર્ય પ્રકાશ મારફતે વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્લાન્ટ 2,400 હેક્ટર જમીનમાં પથરાયેલો છે. જે આંધ્ર પ્રદેશના પનમ મંડલ ખાતે આવેલો છે. ઓક્ટોબર 2017 સુધી કૂરનૂલ અલ્ટ્રા મેગા સોલર પ્લાન્ટમાંથી આશરે 800 મિલિયન યુનિટ્સ એનર્જી ઉત્પન્ન કરી હતી. જેનાથી આશરે 7 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળતો અટકાવી શકાયો હતો. અહીં વરસાદના પાણીમાંથી ખાસ તળાવો બનાવવામાં આવ્યા છે, જેમાં ચોમાસાનું પાણી સંગ્રહી રાખવામાં આવે છે. આ પાણીથી જ સોલર પેનલને સાફ કરવામાં આવે છે.



    એનપી કૂંતા અલ્ટ્રા પાવર પ્લાન્ટ:

    ધ એનપી કૂંતા અલ્ટ્રા મેગા સોલર પાર્ક અનંતપુરમ અસ્ટ્રા મેગા સોલર પાર્ક તરીકે જાણીતો છે. આ માટે કુલ 3,207 હેક્ટર જમીન ફાળવામાં આવી છે. આ પાર્ક આંધ્ર પ્રદેશના Nambulapulakunta mandal ખાતે આવેલો છે. 200 મેગાવોટની ક્ષમતા સાથે પાર્કની પ્રથમ તબક્કો મે, 2016 સુધી તૈયાર થઈ ગયો હતો. જે બાદમાં જુલાઈ, 2016 સુધી 50 મેગાવોટની ક્ષમતા વધારવામાં આવી હતી. બીજા તબક્કામાં માર્ચ 2018 સુધી વધારાના 750 મેગાવોટની ક્ષમતા પ્રાપ્ત થઈ હતી.

    દુનિયાના ટોપ ટેપ સોલર એનર્જી પાર્ક:

    1) ભડલા સોલર પાર્ક
    સ્થળ : જોધપુર રાજસ્થાન
    વિસ્તાર: 5,700 હેક્ટર
    ક્ષમતા : 2,245 મેગાવોટ
    ઊર્જા : સોલર

    2) ગોલમુડ ડેઝર્ટ સોલર પાર્ક
    સ્થળ : ગોલમુડ, ચીન
    ક્ષમતા : 1,800 મેગાવોટ
    ઊર્જા : સોલર

    3) પવાગડ સોલર પાર્ક
    સ્થળ : તમાકુરુ-કર્ણાટક
    વિસ્તાર: 5,260 હેક્ટર
    ક્ષમતા: 2,050 મેગાવોટ
    ઊર્જા : સોલર

    4) બેનબાન સોલર પાર્ક
    સ્થળ : પશ્ચિમી ઇજિપ્ત (રણ)
    વિસ્તાર: 3,700 હેક્ટર
    ક્ષમતા : 1,650 મેગાવોટ
    ઊર્જા: સોલર

    5) ટેંગર ડેઝર્ટ સોલર પાર્ક
    સ્થળ : ઉત્તર-મધ્ય ચીન
    વિસ્તાર : 4,300 હેક્ટર
    ક્ષમતા : 1,547 મેગાવોટ
    ઊર્જા : સોલર

    6) નૂર અબુ ધાબી
    સ્થળ : યુનાઇટેડ આરબ ઇમારત (UAE)
    વિસ્તાર : 8 ચોરસ કીલોમીટર
    ક્ષમતા: 1,177 મેગાવોટ
    ઊર્જા : સિંગલ સાઇટ સોલર

    7) મહમ્મદ બિન રસીદ અલ મકતુમ સોલર પાર્ક
    સ્થળ: યુનાઇટેડ આરબ ઇમારત
    વિસ્તાર: 7,700 હેક્ટર
    ક્ષમતા: 1,012 મેગાવોટ

    8) કૂરનૂલ અલ્ટ્રા મેગા સોલર પાર્ક
    સ્થળ : પનમ મંડલ, આંધ્રપ્રદેશ
    વિસ્તાર: 2,400 હેક્ટર
    ક્ષમતા: 1,000 મેગાવોટ

    9) ડેટોંગ સોલર પાવર પ્રોજેક્ટ
    સ્થળ: ચીન
    ક્ષમતા: 1,000 મેગાવોટ
    ઊર્જા: સોલર

    10) એનપી કૂંતા અલ્ટ્રા પાવર પ્લાન્ટ
    સ્થળ: અનંતપુર, આંધ્રપ્રદેશ
    વિસ્તાર: 3,207 હેક્ટર
    ક્ષમતા: 900 મેગાવોટ
    ઊર્જા : સોલર
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Electricity, Kutch, પીએમ મોદી

    આગામી સમાચાર