કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનનો આજે 13મો દિવસ છે. ખેડૂતોએ 8મી ડિસેમ્બરે, એટલે આજે ભારત બંધ રાખવાનું એલાન કર્યું છે. જેને ગુજરાતમાં પણ કંઇક અંશે સમર્થન મળ્યું છે. જેમા ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. બંધના પગલે રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે, બંધને લગતી કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવશે તો તે અંગે પણ કડક કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે.
રાજ્યમાં કડક પોલીસ બંદોબસ્ત
આ બંધને પગલે રાજ્યભરમાં પોલીસ ખડેપગે ઉભી રહી છે. રાજયમાં પ્રવેશવાની તમામ ચેકપોસ્ટો ઉપર જતા આવતા વાહનોનું ચેકીંગ કરવામાં આવશે. સાથો સાથ દરેક જિલ્લાઓમાં પ્રવેશવાના તમામ નાકા ઉપર પણ ચેકપોસ્ટો ઉભી કરી દેવામાં આવી છે. રાજયના તમામ સીનીયર પોલીસ અધિકારીઓને હેડકવાર્ટર્સ નહીં છોડવા માટે તાકીદ કરી દીધી છે. સરકારી કે જાહેર પ્રોપટીને નુકસાન કરનારા તત્વો સામે સખ્ત પગલા ભરવા માટે પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ભારત બંધ દરમ્યાન જો કોઈ બળજબરીથી બંધ કરાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચિમકી રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉચ્ચારી છે.
રાજ્યમાં કયાં ક્યાં એપીએમસી-માર્કેટયાર્ડ બંધ રહેશે?
મળતી માહિતી પ્રમાણે, બંધને સમર્થન આપીને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એપીએમસી-માર્કેટયાર્ડ બંધ રહેશે. વેપારી સંગઠનો ઉપરાંત કોંગ્રેસ,એનસીપી, આમ આદમી પાર્ટીએ પણ બંધના એલાનને સમર્થન આપી બંધમાં જોડાવવા લોકોને અપીલ કરી છે. જ્યારે બીજી તરફ, ભારતીય કિસાન સંઘ અને ભાજપ પ્રેરિત એપીએમસી બંધથી અળગા રહેશે. ભારત બંધને સફળ બનાવવા માટે અમદાવાદમાં ખેડૂત આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નક્કી કરાઇ હતી. આ ઉપરાંત આજે સુરતમાં પણ ખેડૂત સમાજની બેઠકનુ આયોજન કરાયુ હતું જેમાં બંધને સમર્થન જારી કરાયુ હતું. 23 સંસ્થાઓ એ પણ બંધને ટેકો જાહેર કર્યો હતો. આ સાથે અમરેલી ઉપરાંત રાજકોટ, ગોડલ, ધ્રોલ , જસદણ , જામ જોધપુર , જૂનાગઢ, વિસાવદર, જામ ખંભાળિયા, હળવદ, ઉપલેટા ,કાલાવડ, જામનગર સહિતના શહેરોમાં માર્કેટિંગ યાર્ડ ઉપરાંત એપીએમસી ભારત બંધના સમર્થનમાં બંધ પાળશે. મોરબી, વાંકાનેર, વિસનગર સહિતના શહેરોમાં વેપારીઓ બજાર બંધ રાખવા નક્કી કર્યુ છે. અમરેલીમાં ડાયમંડ એસોસિએશને પણ બંધ જોડાવવા નિર્ણય કર્યો છે. ભારત બંધને સૌરાષ્ટ્રમાં સમર્થન મળી રહ્યુ છે.
Appeal to all citizens to stay away from rumours
Section 144 of CrPC will be imposed tomorrow all over the state
Penal action will be taken against provocative post in social media
Strict action will be taken against who block roads and forcibly close down shops#GujaratPolice
અમદાવાદ જમાલપુર, સાણંદ, બાવળા, જેતલપુર ઉપરાંત ધોળકા એપીએમસીએ બંધને સમર્થન આપ્યુ નથી. તેઓએ એપીએમસીમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથે કૃષિ કાયદાને સમર્થનને લગતા પોસ્ટરો લગાવાયાં હતાં.
ખેડૂતોના સમર્થનમાં અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકો પણ બંધમાં જોડાશે. ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટી, અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયન, જાગૃત ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન, એરપોર્ટ રિક્ષા ચાલક યુનિયન જેવા રિક્ષા ચાલકોના વિવિધ યુનિયનોએ બંધને ટેકો જાહેર કર્યો છે. અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ રિક્ષા ચાલકો બંધમાં જોડાય તે માટે મોડી સાંજે વિવિધ યુનિયનોએ ચર્ચા કરી હતી. જો શહેરોના રિક્ષા ચાલકો સ્વયંભૂ બંધ પાળે તો મુસાફરોને હાલાકીનો સામો કરી શકે તેવી પુરેપુરી શક્યતાઓ છે. જોકે, પબ્લિક ટ્રાન્સપોર્ટ તો ચાલુ રહેશે.
અમદાવાદ સહિત રાજ્યના આશરે 4000 કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પંપ સંચાલકો આ બંધમાં જોડાશે નહીં તેવું એસોસિએશને જાહેર કર્યું છે. 3 કંપનીના ચાર હજાર કરતા વધારે પેટ્રોલ પંપ મંગળવારે રાબેતા મુજબ કાર્યરત રહેશે તેમ એસોસિએશને જણાવ્યું છે.
ખેડૂતોને સમર્થન આપવા માટે ગુજરાત કૉંગ્રેસે બંધને ટેકો આપ્યો છે, આ સંદર્ભે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખે સોમવારે ધારાસભ્યો તેમજ આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી, જેમાં એપીએમસી બંધ કરાવવા અને એ પછી બજારો બંધ કરાવવા સૂચના આપી હતી. આ સાથે જ સૂચના અપાઈ હતી કે, કોઈની સાથે જબરદસ્તી કે બળજબરી કરવી નહિ, પોલીસ સાથે પણ બિનજરૂરી ઘર્ષણમાં ઊતરવું નહિ. માત્ર લોકોને સમજાવવા અને અપીલ કરવાની તાકીદ કરવામાં આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર