Home /News /madhya-gujarat /

વિદ્યાર્થીઓ-વાલીઓ અફવાઓથી સાવધાન : શિક્ષણ વિભાગે આવો કોઈ નિર્ણય લીધો નથી

વિદ્યાર્થીઓ-વાલીઓ અફવાઓથી સાવધાન : શિક્ષણ વિભાગે આવો કોઈ નિર્ણય લીધો નથી

પ્રતિકાત્મક તસવીર

એટલું જ નહીં કેટલીક શાળાઓએ આ પ્રકારે નિર્ણય લીધો હોવાના મેસેજ પણ વાયરલ થયા છે. પરંતુ આ સમાચાર તદ્દન ખોટા છે.

અમદાવાદ : ધોરણ 1 થી 7ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે નહીં અને વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં બઢતી આપી દેવાશે જો આપની પાસે સોશિયલ મીડિયા પર મેસેજ આવ્યો હોય તો ચેતજો. આ હકીકત નથી પણ એક અફવા છે, અને કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર આ પ્રકારના મેસેજ ફરતા કર્યા છે જેને પગલે શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

દુનિયા ભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. અને ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્ય ભરમાં કોરોના વાયરસના ખતરા સામે સાવચેતી રાખવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી કોરોના વાયરસ ને ફેલાતો અટકાવી શકાય, પરંતુ શિક્ષણ વિભાગના તકેદારી રૂપે લેવાયેલા આ પગલાં બાદ સોશિયલ મીડિયા પર કેટલાક તત્વો દ્વારા એક મેસેજ ફરતો કરવામાં આવ્યો છે કે આ વખતે ધોરણ 1 થી 7ના ધોરણમાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લેવાશે નહિ, અને જે તે વિદ્યાર્થીઓને તેઓની વર્ષ દરમિયાન લવાયેલી પ્રથમ અને દ્વિતીય કસોટીના મૂલ્યાંકનના આધારે આગલા વર્ષમાં બઢતી આપવામાં આવશે.

એટલું જ નહીં કેટલીક શાળાઓએ આ પ્રકારે નિર્ણય લીધો હોવાના મેસેજ પણ વાયરલ થયા છે. પરંતુ આ સમાચાર તદ્દન ખોટા છે. શિક્ષણ વિભાગ દ્વારા એવો કોઈ જ નિર્ણય લેવાયો નથી તેવું અમદાવાદના શિક્ષણ વિભાગના અધિકારીઓએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે. એટલું જ નહીં એ પ્રકારના ફેક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા અધીકારીઓ ના મોબાઈલ મોડે સુધી રણકયા હતા, અને દરેક લોકોને અધિકારીઓએ એક જ જવાબ આપ્યો કે આ પ્રકારનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો નથી.

મહત્વનું છે કે, કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓના અભ્યાસમાં કચાશ ના રહી જાય અને સિલેબસ પૂર્ણ કરી શકાય તે માટે વર્ગ શિક્ષકો દ્વારા કલાસ ઓનલાઈન કર્યા છે. તો શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે હેતુથી પ્રાદેશિક ટીવી ચેનલો દ્વારા વિષય વાર શિક્ષણ આપવાનો અભિગમ અપનાવ્યો છે, તેવામાં કેટલાક તત્વો સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ વાયરલ કરી શિક્ષણ વિભાગની ઉમદા કામગીરી પર પાણી ફેરવી રહ્યા છે. ત્યારે આવા ફેક મેસેજ વાયરલ થતા અટકાવવાની દિશામાં પણ તંત્રએ વિચારવું પડશે.
Published by:kiran mehta
First published:

Tags: School, Students

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन