ઠાકોર સેનાનો નિર્ણય શિરોમાન્ય, અલ્પેશ કહેશે તેમ કરીશું : ધવલસિંહ ઝાલા

News18 Gujarati
Updated: April 10, 2019, 1:41 PM IST
ઠાકોર સેનાનો નિર્ણય શિરોમાન્ય, અલ્પેશ કહેશે તેમ કરીશું : ધવલસિંહ ઝાલા
ધવલસિંહ ઝાલા (ફાઇલ તસવીર)

ધવલસિંહ વધુમાં કહ્યું કે,"અલ્પેશ ઠાકોર એ ઠાકોર સેનાના પ્રમુખ છે. તેમની સાથે બેસીને ચર્ચા કર્યા બાદ ગુરુવારે અમે અમારો નિર્ણય જાહેર કરીશું."

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બહુચરાજીના ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર કોંગ્રેસ છોડી રહ્યાના અહેવાલ વચ્ચે ધવલસિંહ ઝાલાએ મીડિયાને સંબોધન કરીને જણાવ્યું હતું કે, અમારા માટે ઠાકોર સમાજનો નિર્ણય શિરોમાન્ય છે. જોકે, ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસ છોડશે કે નહીં તે અંગે તેમણે મગનું નામ મરી પાડ્યું ન હતું. સાથે જ તેમણે એવી વાત કરી હતી કે અલ્પેશ બુધવારે સાંજે ગુજરાત આવશે ત્યારબાદ ત્રણેય ધારાસભ્યો સાથે મળીને કોઈ નિર્ણય લઈશું.

અલ્પેશ જે નિર્ણય લેશે તેમાં મારો સાથ હશે : ધવલસિંહ ઝાલા

ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, "મંગળવારે ઠાકોર સેનાની કોર કમિટીની એક બેઠક મળી હતી. કોર કમિટીએ અમને કહ્યું છે કે તમે 24 કલાકમાં કોંગ્રેસ છોડી દો. તેમનો આ નિર્ણય અમારા માટે પણ ચિંતાનો વિષય છે. અમારી કમિટીએ જે નિર્ણય લીધો છે તે અમને શિરોમાન્ય રહેશે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય અલ્પેશ ઠાકોર ગુજરાત પરત આવશે ત્યારે તેમની સાથે બેઠક કરીને લેવામાં આવશે. અલ્પેશ ઠાકોર જે નિર્ણય લેશે તે માન્ય રહેશે. સાથે જ અમે કોર કમિટીના કાર્યકરો સાથે પણ ચર્ચા કરીશું કે તેમણે કેમ આવો નિર્ણય લીધો છે."

ગુરુવારે નિર્ણય જાહેર કરીશું

ધવલસિંહ વધુમાં કહ્યું કે,"અલ્પેશ ઠાકોર એ ઠાકોર સેનાના પ્રમુખ છે. તેમની સાથે બેસીને ચર્ચા કર્યા બાદ ગુરુવારે અમે અમારો નિર્ણય જાહેર કરીશું. ઠાકોર સેનાના કાર્યકરોનું વારંવાર અપમાન થઈ રહ્યું છે તે સાંખી ન લેવાય. અમારા માટે સમાજ મહત્વનો છે."

કોંગ્રેસથી નારાજ હોવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ધવલસિંહે જણાવ્યું કે, "હાલ હું કોંગ્રેસમાં જ છું. ઠાકોર સેનાના કાર્યકરોના અપમાન અંગે મેં હાઇકમાન્ડને લેખિતમાં આપ્યું છે. તેમણે અમને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે, પરંતુ અમે અંતિમ નિર્ણય અલ્પેશ સાથે ચર્ચા બાદ જ કરીશું."દબાણ ઉભું કરવાની રાજનીતિ?

જે રીતે છેલ્લા થોડા દિવસોથી અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પક્ષ છોડી રહ્યાની વાતો સામે આવી રહી છે તેના પરથી હવે એક એવી પણ ચર્ચા જાગી છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં કોઈ પદ મેળવવા માટે દબાણની રાજનીતિ રમી રહ્યો છે. કારણ કે અવાર નવાર એવા સમાચાર મીડિયામાં ચમક્યા છે કે અલ્પેશ કોંગ્રેસ છોડી રહ્યો છે અને ભાજપમાં જોડાઈ રહ્યો છે. બાદમાં હાઇકમાન્ડ કે કોંગ્રેસના નેતાઓની સમજાવટ બાદ અલ્પેશ પોતાનો નિર્ણય બદલતો રહ્યો છે અને પોતે કોંગ્રેસમાં જ હોવાનો દાવો કરતો રહ્યો છે. બીજી તરફ એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે ભાજપમાં જોઈતું પદ ન મળતું હોવાથી અલ્પેશ ભાજપમાં જતા ખચકાટ અનુભવી રહ્યો છે. આ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું છે ત્યારે અલ્પેશની ઇચ્છા પણ કંઈક વધારે મળી તેવી જ હોય.

હું અલ્પેશ સાથે મુલાકાત કરીશ : હાર્દિક પટેલ

અલ્પેશના રાજીનામાના સમાચારો વચ્ચે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યં કે, "મારા માનવા પર અલ્પેશ કોંગ્રેસ નથી છોડી રહ્યો. હું સાંજે તેની સાથે મુલાકાત કરીશ અને તેની સાથે ચર્ચા કરીશ."
First published: April 10, 2019, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading