અમદાવાદ: અમદાવાદના વટવાની યુવતી આયેશાના આપઘાત કેસ (Ayesha suicide case)માં પોલીસે આરોપી પતિ આરીફ (Arif)ની રાજસ્થાન (Rajasthan)થી ધરપકડ કરી લીધી છે. આરોપી પોતાની બહેનને ત્યાં જવાની માહિતી મળતા ધરપકડ કરવામાં આવી છે. આયેશાએ આપઘાત કરતા પહેલા એક વીડિયો (Video) બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિના મોબાઇલ ફોન (Cell phone)માં મોકલ્યો હતો. જોકે, પોલીસને આરીફોનો મોબાઇલ મળ્યો નથી. પોલીસ ગિરફ્તમાં આવ્યા બાદ પણ આરોપી આરીફને કોઈ દુઃખ નથી તેવું તેના ચહેરા અને આંખો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. આરોપી આરીફની આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરીફની પત્ની આયેશાએ સાબરમતી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને માહિતી મળી હતી કે આરોપી આરીફ રાજસ્થાનના પાલી ખાતે છે. માહિતીના આધારે સોમવારે મોડી સાંજે તેની ધરપકડ કરી લેવામાં આવી. જોકે, આરોપી આરીફે તેનો મોબાઈલ કોઈ જગ્યા રાખી દીધો છે. પોલીસને તેનો મોબાઇલ મળ્યો નથી. હાલ પોલીસ મોબાઇલ શોધવા માટે કામે લાગી છે.
મહત્ત્વનું છે કે આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આરોપી સામે વધુ મજબૂત પુરાવા મળે તે માટે પોલીસ કામ કરી રહી છે. આરીફની આયેશા સાથે છેલ્લી 70 મિનિટ સુધી શું વાતચીત થઈ હતી તે અંગે પોલીસે તેને પૂછપરછ શરૂ કરી છે. પોલીસને એવી પણ આશંકા છે કે કદાચ બંને વચ્ચે કોઈ મેસેજ અથવા ચેટિંગથી સંદેશની આપ-લે થઈ હોઈ શકે છે. આથી પોલીસે FSLની પણ મદદ માંગી છે.
પોલીસ આપઘાત પાછળ દહેજ કે કોઈ અન્ય કારણ પણ છે તેની પણ તપાસ કરી રહી છે. આ મામલે આરીફના પરિવારનો કોઈ રોલ છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. જોકે, આરીફનો મોબાઇલ મળ્યા બાદ અનેક સવાલોના જવાબ મળી શકે છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં માતાપિતા સાથે રહેતી આયેશા નામની યુવતીએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો. આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, 'આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે.' પતિની આવી માંગણી બાદ આયેશાએ આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દીધો હતો. જે બાદમાં તેણીએ નદીમાં કૂદીને આપઘા કરી લીધો હતો. આપઘાત પહેલા આયેશાએ તેના માતાપિતા અને પતિ આરીફ સાથે લાંબી વાતચીત કરી હતી. આયેશાના આપઘાત બાદ તેનો પતિ ફરાર થઈ ગયો હતો.