અમદાવાદ : કોરોના વાયરસના કારણે રાજ્ય સહિત દેશભરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે દેશભરમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉન બાદ અનલોક શરૂ થતા ફરી રોજે-રોજ લૂંટ, હત્યા, હુમલો, ચોરી, બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે અમદાવાદમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના જમાલપુર શાકમાર્કેટમાં એક યુવક પર અચાનક લોખંડના સળીયાથી હુમલો કરવામાં આવે છે, બે લોકો અચાનક યુવક પર હુમલો કરી દે છે, જેમાં યુવક ઈજાગ્રસ્ત થઈ ત્યાં જ ઢળી પડે છે. અચાનક હુમલાથી વેપારીઓમાં થોડા સમય માટે તો ડરનો માહોલ છવાઈ ગયો હતો.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વેપારી યુવક પોતાના સ્ટોલ પર બેઠો હતો, તે સમયે અચાનક બે યુવકો આવે છે અને પાછળથી લોકંડના સળીયા દ્વારા પ્રથમ તેના માથા પર ફટકો મારે છે, જેમાં યુવાન ઈજાગ્રસ્ત થઈ ઢળી પડે છે, આ હુમલા બાદ પણ બીજો યુવક ઢળી પડેલા યુવાન પર ચારથી પાંચ વખત ફટકા મારે છે, અને બાદમાં જતા રહે છે.
આ પણ વાંચો - Video: દાદીમા એ કર્યો એવો શાનદાર ડાન્સ, જોઈ ખુલ્લુ રહી જશે મોં
આ ઘટના ગઈ કાલ સાંજની હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઘાયલ યુવાનને તત્કાલીન અન્ય વેપારીઓએ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડ્યો આવ્યો છે, યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ પહોંચી ગઈ હતી, અને તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જમાલપુર શાકમાર્કેટમાં કેશીયર તરીકે નોકરી કરનાર સલમાનખાન પઠાણ નામના એક યુવાન પર લોખંડના સળીયા દ્વારા હુમલો થયો હોવાની ફરિયાદ મળી છે, પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે, ફૂટેજના આધારે તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે. હુમલો કેમ થયો તે પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી, ઘાયલ યુવાનની પુછપરછ બાદ કારણ સામે આવી શકે છે.