અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે એક એવા શાતીર ચિટરની ધરપકડ કરી છે, જેની મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ હલી ગઈ છે. આરોપી પિતા-પૂત્ર હોલિવૂડના ફ્રેંક એબીગનેલના જીવન ચરિત્ર પર આધારિત ફિલ્મ કેચ મી ઈફ યુ કેન જોઈને અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યા છે. આરોપી યુવકના પિતા પણ તેની સાથે સામેલ હતા.
ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આ 23 વર્ષનો યુવક જય સોની આમ તો 12 ધોરણ ફેલ છે, પરંતુ તેણે પોતાના પિતા સાથે મળી એવી રીતે છેતરપિંડીને અંજામ આપ્યો, જેને શોધવા ક્રાઈમ બ્રાન્ચ માટે પણ એક પડકાર હતો.
આરોપી 12 નાપાસ હોવા છતાં ઇંગલિશ, હિન્દી અને ગુજરાતી ભાષાનો સારો જાણકાર છે અને કોમ્યુટરનું જ્ઞાન પણ ધરાવે છે. આરોપીએ હોલિવૂડના ફ્રેંક એબીગનેલના જીવન ચરિત્ર પર આધારિત ફિલ્મ કેચ મી ઈફ યુ કેન જોઈને છેતરપિંડી કરવાનું ચાલુ કર્યું હતું અને ગુજરાત, રાજસ્થાનમાં 15 ગુનાઓને અંજામ આપી દીધો. ચોકવાનરી વાત તો એ છે કે છેલ્લા 4 વર્ષથી ગુનાઓ કરી રહ્યો હતો અને પોલીસ પકડથી દુર હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કોઈ પણ કંપનીમાં એકાઉન્ટન્ટ, ઓડિટરની નોકરી મેળવી લેતો હતો અને ત્યાર બાદ થોડા સમય નોકરી કર્યા બાદ કંપનીના ચેક ચોરી કરી ખોટી સહીઓ અને સિક્કાઓ મારી અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા મેળવી અલગ-અલગ રીતે રૂપિયા મેળવી લેતો હતો અને ત્યારબાદ નોકરી મૂકી ફરાર થઈ જતો હતો.
મહત્વ નું છે કે, આરોપી જે જગ્યા પર નોકરી લાગતો હતો, ત્યાં પાન કાર્ડ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો ખોટા બનાવી આપતો હતો. અલગ અલગ નામથી પુરાવા બનાવતો હતો, અને જેના આધારે બેંક એકાઉન્ટ પણ ખોલાવતો હતો. જેથી આરોપી સુધી પોલીસ પહોંચી શકતી ન હતી.
આરોપી અમદાવાદમાં જોબના ઇન્ટરવ્યૂ માટે આવી રહ્યો છે તેવી માહિતીના આધારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો 20 જેટલા ગુનાઓના ભેદ ખુલ્યા છે, ત્યારે પોલીસે હાલ તેને નારોલના એક ગુનામાં ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.