Home /News /madhya-gujarat /અર્જુન મોઢવાડિયાએ કહ્યું- ગુજરાતમાં ત્રીજો વિકલ્પ સફળ થયો નથી, ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી
અર્જુન મોઢવાડિયાએ કહ્યું- ગુજરાતમાં ત્રીજો વિકલ્પ સફળ થયો નથી, ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી
અર્જુન મોઢવાડિયાની ફાઇલ તસવીર
અર્જૂન મોઢવાડિયાએ કહ્યું - આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી. દિલ્હી માત્ર કોર્પોરેશન જેવડુ રાજ્ય છે એટલે તેની વાત અલગ છે, પરંતુ ગુજરાત અનેક વિવિધતા, સંસ્કૃતિઓથી ભરેલ રાજ્ય છે, તેને સમજતા જ ઘણા વર્ષો લાગી જાય તેમ છે
અમદાવાદ : દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલની અમદાવાદ મુલાકાત પર રાજનીતિ આરોપ પ્રતિ આરોપ શરૂ થયા છે. ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આપ સક્રિય થઇ રહ્યું છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ સારા પરિણામ આવતા હવે 2022 વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને એક જેવી જ ગણાવી હતી. આ આરોપ પર કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ પત્રકાર પરિષદ કરી જવાબ આપ્યો હતો.
કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે, એટલે સ્વાભાવિક છે કે રાજકીય પાર્ટીઓ નાનો-મોટો લાભ લેવા માટે ગુજરાતમાં આવશે. આમ આદમી પાર્ટી પણ એ જ રીતે ગુજરાતમાં આવી છે, તેની સામે કોઈએ વાંધો લઈ શકાય નહીં. અમારું માત્ર કહેવાનું એટલુ જ છે કે ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજો વિકલ્પ સ્વીકાર્યો નથી. ગુજરાતના લોકપ્રિય અને દિગ્ગજ નેતાઓએ પણ ત્રીજા વિકલ્પ તરીકે પોતાની પાર્ટીઓની સ્થાપના કરી હતી. સ્વ. ચીમનભાઈ પટેલે કિશાન મજદુર પક્ષની સ્થાપના કરી હતી, પરંતુ આખરે કોંગ્રેસમાં જોડાયા. સ્વ. કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી, પરંતુ તે પાર્ટીનું પણ અસ્તિત્વ વિખેરાઈ ગયુ. શંકરસિંહ વાઘેલાએ પણ બે વખત પ્રયત્ન કર્યા અને બન્ને વખત નિષ્ફળ ગયા હતા.
મોઢવાડિયાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનો પણ કોઈ જનાધાર નથી. દિલ્હી માત્ર કોર્પોરેશન જેવડુ રાજ્ય છે એટલે તેની વાત અલગ છે, પરંતુ ગુજરાત અનેક વિવિધતા, સંસ્કૃતિઓથી ભરેલ રાજ્ય છે, તેને સમજતા જ ઘણા વર્ષો લાગી જાય તેમ છે. અત્યાર સુધી ગુજરાતમાં જે કોઈ પાર્ટી આવી છે એમને માત્ર ભાજપ વિરોધી મતનું વિભાજન કરીને ભાજપને મદદ કરવાનું કામ કર્યુ છે. પરંતુ હવે ગુજરાતની શાણી જનતા જાણે છે કયાં પક્ષો તેમની પડખે ઉભા રહે છે અને કયાં પક્ષો ચૂંટણી સમયે પ્રગટ થાય છે તેમને સારી રીતે ઓળખે છે. ગુજરાતમાં લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે. તેમાંય જે રીતે કલંકરૂપ કામગીરી ભાજપ સરકારે કરી છે ત્યારે જનતા કોંગ્રેસના પક્ષે છે અને કોંગ્રેસ 2022માં ભાજપને પરાજીત કરીને સત્તા મેળવશે. દેશમાં ભાજપના અંતની શરૂઆત ગુજરાતથી જ થશે.
કોંગ્રેસના પ્રવક્તા ડો મનિષ દોશીએ જણાવ્યું હતું કે કેજરીવાલ દેશની જનતા માટે આશ્વાસન ના બે શબ્દ ન બોલ્યા પરંતુ માત્ર આક્ષેપ કરવા એ આમ આદમી પાર્ટીનો સ્વભાવ બન્યો છે. આપ એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ભાજપને ફાયદો કરાવવા તે ગુજરાત આવ્યા છે. કેજરીવાલ ખેડૂત અને શિક્ષણ આરોગ્ય મુદ્દે ચુપ રહ્યા છે. કોગ્રેસ સતત ભાજપ સામે લડતી આવી છે કોગ્રેસ જનતાની રાજનીતિ કરે છે. કોગ્રેસની સરકારે લોકોપયોગી કાયદા અને હક આપ્યા છે. આગામી દિવસોમાં પણ ગુજરાતના લોકોના પ્રશ્નો લઇ પ્રજા વચ્ચે જશે. ભાજપ તમામ મોરચે નિષ્ફળ રહેતાં બી ટીમ બનીને આપ ગુજરાત આવી છે. ભાજપ ધાક ધમકી અને રૂપિયાના જોરે ધારાસભ્યોને તોડે છે. શું કેજરીવાલ ધારાસભ્યોની ખરીદીવાની ભાજપની નીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ જવાબ કેજરીવાલે જનતાને આપવો જોઇએ
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ત્રીજી વેવની તૈયારીઓ અંગે કરેલ જાહેરાત બાદ કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે કોરોનાના પ્રથમ વેવમાં જે લોકડાઉન થયુ તે ગુજરાત અને ભારતના ઈતિહાસની સૌથી કલંકરૂપ ઘટના હતી. કેન્દ્ર સરકારના અણઘડ નિર્ણયને કારણે હજારો, લાખો લોકોને મહિનાઓ સુધી ઘરની બહાર રહેવુ પડ્યુ અને અનેક લોકો મોતને ભેટ્યા. જ્યારે કોરોનાની સ્થિતી સુધરતી હતી, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓએ સુપર સ્પ્રેડર બનીને કોરોનાની બીજી વેવને આમંત્રણ આપ્યું હતું. કોરોનાની બીજી વેવ માટે ગુજરાત સરકારની કોઈ તૈયારી ન હતી. જેના કારણે હજારો લોકો ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓના અભાવે મોતને ભેટ્યા હતા.
" isDesktop="true" id="1105055" >
જે રીતે બંગાળનો દુષ્કાળ અંગ્રેજ શાસનની સૌથી કલંકરૂપ ઘટના હતી, તેમ કોરોનાની બીજી વેવ ગુજરાતમાં તમામ સરકારના શાસનની સૌથી કલંકરૂપ ઘટના છે. તેના માટે એકમાત્ર જવાબદાર ભાજપની રાજ્ય સરકાર છે. ઈતિહાસના પાના ઉપર આ ઘટના કાળા અક્ષરે લખાશે. જેની જવાબદારી સ્વીકારી ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાઓની તપાસ સિટિંગ જજ પાસે કરાવે.