અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં ફરી તેજીના એંધાણ, એક પ્લોટ 102 કરોડમાં વેચાયો

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં ફરી તેજીના એંધાણ, એક પ્લોટ 102 કરોડમાં વેચાયો
પ્રતિકાત્મક તસવીર

102 કરોડ રૂપિયાની આ ડીલને વારના ભાવે ગણીએ તો આ સોદામાં 1 ચોરસ વાર જમીનનાં 2.05 લાખ રૂપિયા ચુકવાયા છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં ફરી એક વાર તેજીના એંધાણ છે. વર્ષ 2020માં કોરોના વાયરસના કાળમાં અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં મંદી જોવા મળી હતી પરંતુ હવે ધીમે ધીમે અમદાવાદની પોપર્ટી વેચાઈ રહી છે. છેલ્લાં 1 મહિનામાં અમદાવાદમાં ઈસ્કોન અને સાયન્સ સિટી રોડ પર સૌથી મોટી ડીલ ચર્ચામાં આવી છે. કોરોના વાયરસના કાળમાં હજુ થોડા દિવસ પહેલાં જ શહેરનાં ઈસ્કોન સર્કલ પર રેકોર્ડ બ્રેક ભાવે જમીનનો સોદો થયો હોવાના સમાચાર મળ્યા હતા. ફરી એક વાર અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર વધુ મોટી ડિલ ચર્ચામાં આવી છે. પાંચ હજાર વારના આ પ્લોટને અમદાવાદ શહેરનાં બિલ્ડર દ્રારા 102 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ પ્લોટ શુકન મોલથી સાયન્સ સિટી જવાના રોડ પર હિતાર્થ પાર્ટી પ્લોટની સામે આવ્યો છે.

102 કરોડ રુપિયાની આ ડીલને વારના ભાવે ગણીએ તો આ સોદામાં 1 ચોરસ વાર જમીનનાં 2.05 લાખ રુપિયા ચુકવાયા છે. સામાન્ય રીતે સાયન્સ સિટી રોડ પર જમીનનો ભાવ 1 લાખ રુપિયા પ્રતિ ચોરસવાર ચાલે છે. જોકે બિલ્ડર દ્રારા ખરીદાયેલો પ્લોટ રોડ ટચ હોવાથી એફએસઆઈ પણ વધારે હોવાથી આ એરિયામાં ચાલતાં ભાવ કરતાં તેનાં ડબલ રુપિયા ચુકવામાં આવ્યા છે. એવી પણ માહિતી મળી છે કે 102 કરોડની આ જમીન ખરીદનારા બિલ્ડર દ્રારા રેસિડેન્શિયલ પ્રોજેકટ બનાવવામાં આવશે. જો એવું બને તો અમદાવાદમાં છેલ્લાં 1 મહિનામાં થયેલી આ બીજી એવી મોટી ડીલ હશે. થોડા દિવસ પહેલાં ઈસ્કોન સર્કલ પર 5 હજાર ચોરસ વારનો પ્લોટ 150 કરોડ રુપિયામાં વેચાયો હતો. આ સોદામાં 1 ચોરસવાર જમીનના 3 લાખ રુપિયા ચુકવવામાં આવ્યા હતા.આ પણ વાંચો - ધારાસભ્ય થયાને 3 વર્ષ થતા ભાજપના નરોડાના ધારાસભ્યે ઉજવણી કરી, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

આ અંગે રિયલ એસ્ટેટ એકસપર્ટ વિજય શાહના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં પ્લોટની ખરીદારી કરતાં હાલ કો વર્કિગ સ્પેસ અને મોટા ઘર ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેને લઈને જેની પાસે હાલ લિક્વડીટી હોય તે લોકો હાલ ઈન્વેસ્ટમેન્ટ કરે છે. આ સાથે ગુજરાત સરકાર પણ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવાના વિચારમાં છે. જો એવું થાય તો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં લોકોની જેમ અમદાવાદમાં પણ ઘર ખરીદતાં લોકોને મોટો ફાયદો થઈ શકે તેમ છે.

અમદાવાદમાં કોરોનાને કારણે જમીનોના અનેક સોદા અટવાઈ ગયા હતા. બીજી તરફ મંદી પણ ચાલતી હોવાના કારણે માર્કેટમાં ખાસ નવું કામકાજ પણ જોવા નહોતું મળી રહ્યું. આવામાં આ બંને ડીલ સાબિત કરે છે કે અમદાવાદમાં સ્થિતિ સુધરી રહી છે. સૂત્રોનું માનીએ તો કોરોનાને લીધે અનેક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ શરુ કર્યું હોવાથી કોમર્શિયલ સ્પેસમાં કોઈ નવી ડિમાન્ડ હાલ નથી જોવા મળી રહી. તેવામાં બિલ્ડરો પોતે ખરીદેલી જમીન પર ફ્લેટ બનાવવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:December 18, 2020, 17:00 pm

ટૉપ ન્યૂઝ