અમરાઈવાડી બેઠક : 'સબ સલામત'ના દાવા વચ્ચે CMથી લઈ કેન્દ્રીય મંત્રીઓનો દમદાર પ્રચાર

News18 Gujarati
Updated: October 14, 2019, 9:32 AM IST
અમરાઈવાડી બેઠક : 'સબ સલામત'ના દાવા વચ્ચે CMથી લઈ કેન્દ્રીય મંત્રીઓનો દમદાર પ્રચાર
જગદીશ પટેલ

આ બેઠક સુરક્ષિત હોવાથી અહીંથી તમામ નેતાઓને ચૂંટણી લડવાના અભરખા હતા, પરંતુ ટિકિટ ન મળતા હવે પ્રચાર કરવાનું પણ ટાળી રહ્યા છે.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : ગુજરાતની રાજનીતિમાં શહેરી મતદાર પર છેલ્લા બે દશકાથી ભાજપનું એકચક્રી સાશન જોવા મળી રહ્યું છે. જોકે, આ વખતે અમરાઇવાડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાઇવોલ્ટેજ પ્રચાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર ભાજપના જૂથવાદના પરિણામે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલે ડોર ટુ ડોટ પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે પેટા ચૂંટણીના ઇતિહાસમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રીઓ જાહેર સભા ગજવી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

અમદાવાદની અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને એકલા હાથે ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું નજરે પડી રહ્યું છે. આમ તો આ બેઠક શહેરી વિસ્તારની અને તે ભાજપનો ગઢ છે. પરંતુ ચૂંટણી સમયે પ્રચાર કરવો જરૂરી હોય છે. આ બેઠક પર ઓપન કેટેગરીના મતદારો વધારે છે, તો બિનગુજરાતી મતદારોની સંખ્યા પણ વધારે છે. પરંતુ કડવા પાટીદાર કે પછી નોન ગુજરાતી ભાજપના નેતાઓ અમરાઈવાડી બેઠક પર પ્રચારથી દૂર રહેતા હોવાનું માલુમ પડ્યું છે. આ બેઠક પર ઉમેદવારના નામોની પસંદગી કરવામાં આવી છે ત્યારથી ભાજપના એકપણ સ્થાનિક નેતાઓ અહીં ફરક્યા નથી. પૂર્વ અને પશ્ચિમના સાંસદ સિવાય આ બેઠક પર કોઈ નેતાઓ પ્રચાર માટે ફરક્યા નથી. બીજી તરફ ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં અમને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત ભાઈના કામને ધ્યાનમાં રાખી લોકો પ્રચંડ પ્રતિસાદ આપી રહ્યા છે.

જગદીશ પટેલના ચૂંટણી પ્રચારમાં આઈ. કે. જાડેજા સહિતના નેતાઓ


ઉલ્લેખનીય છે કે ઉમેદવારી નોંધાવતી વખતે આ બેઠક પર ચૂંટણી લડવા માટે 30 જેટલા નેતાઓએ લાઈન લગાવી હતી. જેમાં શહેર મહામંત્રી કમલેશ પટેલ, દિનેશ કુશવાહ, અમુલ ભટ્ટ અને ઋત્વિજ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ નેતાઓ હાલ અમરાઈવાડી બેઠકમાં પ્રચાર માટે ન જતા હોવાનું સામે આવ્યું છે. આ નેતાઓ સ્થાનિક હોવા છતાં અન્ય બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે આ બેઠક સુરક્ષિત હોવાથી અહીંથી તમામ નેતાઓને ચૂંટણી લડવાના અભરખા હતા, પરંતુ ટિકિટ ન મળતા હવે પ્રચાર કરવાનું પણ ટાળી રહ્યા છે. આ વાતને લઈને ભાજપમાં એક ચર્ચા એવી પણ છે કે હાલ પક્ષમાં જૂથવાદ ચરમસીમાં પર છે. જગદીશ પટેલ આનંદીબેન જૂથના હોવાથી પહેલાથી જ કેટલાક નેતાઓ નારાજ છે.

જગદીશ પટેલ જણાવ્યું હતું કે, "મારી સાથે ઉભેલા તમામ લોકો સ્થાનિક છે. ભાજપના તમામ કાર્યકરો ચૂંટણીના સૈનિકો છે. અમારા સ્થાનિક કાર્યકરોએ તમામ કામ ઉપાડી લીધું છે. હું તો માત્ર તેમની સૂચના મુજબ કામ કરું છું. તમામ કામ અમારા કાર્યકરોએ ગોઠવી દીધા છે."

અમરાઇવાડી બેઠક પર પાટીદાર નેતાઓ જ આમને સામને હોવા ઉપરાંત જૂથવાદ જોવા મળતા આ બેઠક પર હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવયા, કેબિનેટ મંત્રી કૌશિક પટેલ, આર.સી.ફળદુ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને ખુદ મુખ્યદમંત્રી વિજય રૂપાણી પણ લોકસંપર્ક કરી રહ્યા છે.

આ મામલે જગદીશ પટેલે જણાવ્યું કે, "ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી વિથ ડિફરન્ટ છે. અમારા મુખ્યમંત્રી હોય કે કેબિનેટ મંત્રી, ભૂતકાળની ચૂંટણીઓમાં તેઓ બૂથ લેવલ સુધી કાર્ય કરતા હોય છે. આ માટે જ અમારે ત્યાં નેતાઓ નહીં પરંતુ કાર્યકરો હોય છે." જોકે, જગદીશ પટેલ ભલે સબ સલામત હોવાનું કહીને સ્થાનિક નેતાઓની બચાવ કરી રહ્યા છે, પરંતુ તેમના પ્રચારને જોતા ખબર પડી જાય છે કે તેમનો દાવો પોકળ છે.
First published: October 14, 2019
વધુ વાંચો
अगली ख़बर