અમદાવાદ: 57 કલાકના સળંગ કર્ફ્યૂ (Curfew in Ahmedabad)બાદ અમદાવાદ શહેર સોમવારથી ફરી ધમધમતું થયું છે. જોકે, અહીં સાંજે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચાલુ રહેશે. અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ રાત્રી કર્ફ્યૂ ચાલુ રહેશે. આ દરમિયાન અમદાવાદના લોકોના સુખાકારી માટે દોડી રહેલી AMTS અને BRTS બસ સેવા તરફથી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે રાત્રી કર્ફ્યૂને લઈને બીઆરટીએસ બસની વ્યવસ્થા સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી મળી રહેશે. સાત વાગ્યા બાદ બસનું ટિકિટ કાઉન્ટર બંધ કરી દેવામાં આવશે. જ્યારે AMTS સેવાનો લાભ સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી લઈ શકાશે.
કર્ણાવતી અને રાજપથ ક્લબ બંધ
અમદાવાદમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને શહેરની પ્રસિદ્ધ કર્ણાવતી, રાજપથ અને સ્પોર્ટ્સ ક્લબ બંધ રહેશે. મેમ્બર્સના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે એક અઠવાડિયા માટે ક્લબની તમામ પ્રવૃત્તિ બંધ રાખવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માસ્ક વગર જાહેરમાં ફરતા 256 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 256 લોકો પૈકી કુલ 9 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. નવ પૈકી છ લોકોને હૉસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ લોકોને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જે લોકોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો તેમની પાસેથે એક-એક હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન 4 લાખ 83 હજાર 200 અમદાવાદીઓ માસ્ક વગર ઝડપાયા છે. તેમની પાસેથી સાત કરોડ જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે. એએમસી તરફથી શહેરમા 200 ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીઆરટીએસ ફાઇલ તસવીર
નાઇટ કર્ફ્યૂ દરમિયાન ST બસોને શહેરમાં પ્રવેશ નહીં
નાઇટ કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ સહિત ચારેય શહેરમાં એસ.ટી. બસો બંધ રાખવામાં આવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. એટલે કે આ ચારેય શહેરમાં સવારના સાત વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી જ એસ.ટી. બસોની સેવા ચાલુ રહેશે. ચારેય શહેરને બાદ કરતા ગુજરાતના અન્ય શહેરો અને વિસ્તારોમાં નિયમ પ્રમાણે બસ સેવા શરૂ રહેશે. એસ.ટી. નિગમના સચિવ કે. ડી. દેસાઈના જણાવ્યા પ્રમાણે નાઇટ કર્ફ્યૂ દરમિયાન અમદાવાદથી રાત્રી દરમિયાન ઉપડતી 450 જેટલી બસ નહીં દોડે.
રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદમાં એસ.ટી.ની બસોને પ્રવેશ નહીં આપવામાં આવે. જોકે, બાયપાસ સેવા શરૂ રાખવામાં આવશે. એટલે કે બીજા શહેરમાં જતી બસો બાયપાસ રોડથી શરૂ રહેશે. આ માટે અમદાવાદમાં સનાથલ ચોકડી, એક્સપ્રેસ હાઇવે, અસલાલી, હથીજણ સર્કલ, અડાલજ ચોકડી, કોબા સર્કલથી બાયપાસ જતી બસો મળશે.
આ પણ જુઓ-
શહેરમાં પશ્ચિમ વિસ્તાર કોરોનો વિસ્ફોટ
અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા સાઉથ બોપલ બાદ હવે બોપલ વિસ્તાર કોરોના કેસમાં વધારો નોંધાયો છે. બોપલમાં આવેલા ઇસ્કોન પ્લેટિનિમયના 304 મકાનોને માઇક્રો કન્ટેઇમેન્ટ જાહેર કરાયા છે. સાઉથ બોપલમાં સફલ પરિસર 1 અને 2 બાદ ઇસ્કોન પ્લટેનિયમમાં કોરોના કેસ વધ્યા છે. શહેરમાં કોરોના કેસ વધતા માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારમાં પણ વધારો થયો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર