અમદાવાદ : એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં કોરોનાના દર્દીઓ માટે 300 બેડની વ્યવસ્થા કરવાની વિચારણા

અમદાવાદ : એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં કોરોનાના દર્દીઓ માટે 300 બેડની વ્યવસ્થા કરવાની વિચારણા
એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ.

એલ.ડી. એન્જિનિયરિંગની હોસ્ટેલ ખાતે કોરોનાના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ બનાવવાની વિચારણા છે ત્યારે કોલેજના ઇતિહાસ વિશે જાણીએ.

 • Share this:
  હિમાંશુ મકવાણા : અમદાવાદમાં હાલ કોરોના વાયરસ (Coronavirus) બેકાબૂ બન્યો છે ત્યારે તંત્ર તરફથી ખાનગી હૉસ્પિટલો (Hospital)ને પણ હસ્તગત કરીને તેમાં સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. ગુરુવારે જ સરકારે આઠ ખાનગી હૉસ્પિટલને કોરોના હૉસ્પિટલ જાહેર કરી હતી. આ દરમિયાન કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) તરફથી જે જગ્યાએ આઇસોલેશન કે ક્વૉરન્ટીન ફેસિલિટી ઊભી કરી શકાય હોય તેવી જગ્યાની શોધખોળ કરવામાં આવી રહી છે. આ જ અનુસંધાન કોર્પોરેશને શહેરની પ્રસિદ્ધ એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજને પત્ર લખીને કૉલેજની હોસ્ટેલને તાત્કાલિક અસરથી સ્ટેન્ડબાય આઇસોલેશન વોર્ડ ઊભો કરવા માટે સોંપવાનું કહ્યું છે.

  જો અમદાવાદીઓને પૂછવામાં આવે કે લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય કયાં આવી, તો ઘણા લોકો માથું ખંજવાળવા લાગશે. ઈજનેરી મહાવિદ્યાલય કયાં તે શોધવામાં લાગી જાય, પણ જો એ જ અમદાવાદીઓને પૂછવામાં આવે કે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ કયાં આવી, તો તરત જવાબ મળશે કે યુનિવર્સિટી પાસે. અમદાવાદમાં ઈજનેરી શિક્ષણનો પાયો મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર આ સંસ્થા હાલ ચર્ચામાં છે, કોરોનાના કહેર વચ્ચે શિક્ષણ અને દેશનો પાયો મજબૂત કરનાર આ સંસ્થામાં હાલ 300 બેડની વ્યવસ્થા ઉભી કરવાની અમદાવાદ કોર્પોરેશન દ્વારા વિચારણા ચાલી રહી છે. ત્યારે લાખો વિદ્યાર્થીઓના આ સંસ્થા સાથેના સંસ્મરણો જોડાયેલા હોય ત્યારે તેનો ઈતિહાસ જાણવો પણ જરૂરી બની જાય છે.

  ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM, ફિઝિકલ રિર્સચ લેબોરેટરી, યુનિવર્સિટી સંકુલ, ઈન્ડોલોજી, સેપ્ટ અને સેંટ ઝેવિર્યસ કોલેજ વચ્ચે ઘેરાયેલી આ સંસ્થાની સ્થપના 1948માં થઈ હતી. આ સંસ્થાની સ્થાપના ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈએ કરી હતી. કસ્તુરભાઈએ તેમના પિતા લાલભાઈ દલપતભાઈના નામથી આ સંસ્થાનો પાયો નાંખ્યો હતો. આજે તે વટવૃક્ષ બની સમગ્ર દેશમાં જાણીતી બની છે. કસ્તુરભાઈએ 31 હેકટરની જમીન દાનમાં આપી, જેમાં 25 લાખ રૂપિયાની મૂડી રોકીને સંસ્થાની શરૂઆત કરી હતી. શરૂઆતના તબક્કામાં મિકેનિકલ, સિવિલ અને ઈલેકિટ્રકલ એન્જિનિયરિંગના ત્રણ અંડર ગ્રેજયુએટ અભ્યાસક્રમ સાથે 35 વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શિક્ષણ યાત્રાની શરૂઆત કરી હતી.

  હાલમાં સ્નાતક કક્ષાના 14, અનુસ્નાતક કક્ષાના 10થી વધુ અને પોસ્ટ ડિપ્લોમા અને ડિગ્રી સહિતના વિવિધ વિભાગોમાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. હાલમાં બાયોમેડિકલ, કેમિકલ, સિવિલ, કમ્પ્યુટર, ઈલેકિટ્રકલ, ઈલેકટ્રોનિકસ અને કમ્યુનિકેશન, પર્યાવરણ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિકલ,સહિતના વિવિધ અભ્યાસ ક્રમોમાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ પોતાના ભાવીને ઉજળું બનાવી રહ્યાં છે. સંસ્થાની અંદર આધુનિક કહી શકાય તેવી પ્રયોગશાળા, અત્યાધુનિક વર્કશોપ અને ઈજનેરના ક્ષેત્રમાં આગળ વધવા માટે અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વૃદ્વિ કરવા માટેનું અલાયદુ પુસ્તકાલય સંસ્થાનો પ્રાણવાયું છે.  આ સંસ્થા વધારે ચર્ચમાં ત્યારે આવી જયારે 1973માં નવનિર્માણ આંદોલન થયું. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ફુડ બિલનો કરેલા વિરોધથી ચીમનભાઈની સરકારે જવું પડયું હતું. આ આંદોલન બાદ અનેક વિદ્યાર્થી નેતાઓના પણ જન્મ થયા. તત્કાલિન સમયે એલ.ડી.એન્જિનિયરિંગના સેનેટ સભ્ય અલંકાર નાયક સહિતના વ્યક્તિઓએ સમગ્ર મામલનો વિરોધ કર્યો. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મનિષી જાની, રાજકુમાર ગુપ્તા જેવા યુવા નેતાઓનું તેમને બળ મળ્યું હતું. તેઓ નવ નિર્માણ આંદોલનના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ હતા. આ આંદોલનની અસરકારતાના પગલે જ તત્કાલિન ચિમનભાઈ પટેલની સરકારે રાજીનામું આપવાની ફરજ પડી હતી. આજે આજ સંસ્થા વટવૃક્ષ બનીને કસ્તુરભાઈના વરાસાને વધુ સમૃદ્ધ બનાવવાનું કામ કરી રહી છે.
  First published:May 08, 2020, 15:23 pm