અમદાવાદ : સમગ્ર દેશમાં કોરોનાની મહામારીમાં હોટ સ્પોટ તરીકે અવ્વલ નંબરે કોઈ સિટી હોય તો તે ગુજરાતનુ અમદાવાદ શહેર છે. અહીંયા જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તે જોતા આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓેએ ખાનગી હોસ્પિટલ સંચાલકો સાથે બેઠક કરી હતી અને તેમને ખાનગી હોસ્પિટલના કુલ 50 ટકા બેડ ફાળવવાનો આદેશ કર્યો હતો. સાથે સાથે આ આદેશનુ પાલન જે ના કરે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોરોના મુદ્દે પહેલેથી જ સંવેદનશીલ હોવાને કારણે અગાઉથી જ અહીંયા ખાનગી હોસ્પિટલને કોરોના સારવાર માટે કબ્જે કરવાની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા સિનિયર આઈએએસ અધિકારી રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી હતી.
મહદઅંશે પોતાનો ટાસ્ક પુરો કરવામાં સફળ રહેલા રાજીવ ગુપ્તાએ ગત 16 એપ્રિલે જાહેરાત કરી હતી કે અમદાવાદની કુલ 42 ખાનગી હોસ્પિટલ સાથે સરકારે ટાઇઅપ કર્યુ છે અને એપેડેમિક એક્ટની કલમ હેઠળ ખાનગી હોસ્પિટલ અને ડૉક્ટરો કોવિડ-19 ના પેશન્ટની સારવાર માટે સુનિશ્ચિત કરાયા છે. જે તે સમયે રાજીવ ગુપ્તાએ જાહેર કર્યુ હતુ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દર્દીઓને દાખલ કરવામાં આવશે એમણે અંદાજે 750 થી 1800 રુપિયા ભરવાના રહેશે અને જો દર્દી જાતે દાખલ થાય તો 4500 થી 11250 સુધીના ચાર્જીસ ચૂકવવાના રહેશે .જોકે આટલા ઓછા ચાર્જીસ સામે ખાનગી ડૉક્ટરોએ વાંધો ઉઠાવતા 15 મે ના રોજ આ ચાર્જીસ રિવાઇઝ કરવામા આવ્યા અને હોસ્પિટલોનો ધારાધોરણ પ્રમાણે કુલ 150 ટકાનો વધારો પણ કરાયો તેમ છતાં ખાનગી હોસ્પિટલ સંચાલકોમાં નારાજગી યથાવત રહેતા આજે એએમસીના અધિકારીઓએ સંચાલકો સાથે બેઠક કરવાની ફરજ પડી હતી. સ્પષ્ટ શબ્દોમાં તેમને કહી દેવામાં આવ્યુ હતુ કે કાં તો 50 ટકા બેડ ફાળવો અથવા હોસ્પિટલનું લાયસન્સ એપેડેમિક એક્ટ હેઠળ રદ થાય તેવા પરિણામો ભોગવવા તૈયાર રહો.
આ પણ વાંચો - કોરોના : અમદાવાદનો રિકવરી રેટ 140% થયો, છતાં કેસ મામલે દેશના ટોપ ત્રણ શહેરમાં સામેલ
એએમસી અધિકારીઓએ ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી જયારે શાસક પક્ષના એએમસીના નેતા તરીકે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે
ખાનગી ડૉકટરોને વિનંતી કરી હતી કે પોતાની હોસ્પિટલમાં કોવિડની વ્યવસ્થા ઉભી કરવામાં મદદ કરે જેથી વિસ્તારના લોકોને પોતાની નજીક જ સારવારની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે તથા એસવીપી તેમજ સિવિલ હોસ્પિટલનુ ભારણ ઘટાડી શકાય. જોકે શાસક પક્ષના નેતાઓ અને અધિકારીઓની વિંનંતી કે ચીમકીથી ખાનગી ડૉકટરો ઢીલા પડવાને બદલે વધુ રોષે ભરાયા છે.
ખાનગી હોસ્પિટલના એક સંચાલકે નામ નહી આપવાની શરતે ન્યૂઝ 18 સાથે વાત કરતા દબાતા સુરે કહ્યુ કે - એક વખત કોવિડ પેશન્ટને ભરતી કરવાનુ હોસ્પિટલ શરુ કરે તો પછી ખાનગી પ્રેકટીસ પર તેની સીધી અસર થાય અને અન્ય પેશન્ટો કોવિડનો ચેપ લાગવાના ભયે હોસ્પિટલનું પગથિયું ચડવાનુ જ બંધ કરી દે તો તેઓને લાંબા ગાળાનું નુકસાન જાય વળી 50 ટકા બેડ માત્ર કોવિડ પેશન્ટ ને ફાળવી દેવાય તો અન્ય રોગોના દર્દીઓની સારવારનુ શું?
ખાનગી હોસ્પિટલ સંચાલકો કોવિડ પેશન્ટના ચેપી જીવાણુઓથી તેમની હોસ્પિટલ પર થનાર દુરોગામી નકારાત્મક અસરોથી કયાંક ને કયાંક ગભરાઇ રહ્યા છે. એક તરફ એએમસી અધિકારીઓ એમ કહે છે કે અમે જે 50 બેડથી વધુ ક્ષમતા ધરાવેછે એવી જ હોસ્પિટલોને જ કોવિડ સમયે આગળ આવવાનુ કહ્યુ છે. બીજી તરફ મોટી હોસ્પિટલ સંચાલકોને તેમની હોસ્પિટલ પર લાગનાર કોવિડ હોસ્પિટલનો ટેગ જરાય ખપતો નથી.
આવા માં એક નવો નુસ્ખો પ્રાઇવેટ હોસ્પિટલોએ અપનાવ્યો છે. કોર્પોરેશનના જ સૂત્રોનુ માનીયે તો જે હોસ્પિટલોને કોવિડ સારવાર માટે એએમસી અધિકારીઓએ ફાઇનલ કરી છે અને તેઓ કોવિડ સારવાર આપવા નથી માગતા તેઓ સ્ટાફને અંદર ખાને કન્ટીન્યુ કરી રહ્યા છે
અને પેપર પર તેમના રાજીનામા સ્વિકારીને કોર્પોરેશનને એવી રજૂઆત કરી રહ્યા છે કે અમારી પાસે કોવિડની સારવાર માટે સ્ટાફ જ નથી તો અમે સારવાર કેવી રીતે કરીયે.
આમ તેઓ એપેડેમિક એક્ટ હેઠળ હોસ્પિટલ પર કોવિડ સારવાર માટે ના પાડીને થનાર કાનૂની કાર્યવાહીથી પણ બચી રહ્યા છે તો સાથે સાથે કોવિડ પેશન્ટની સારવાર ધરાર નહીં કરીને પોતાનો ઉલ્લુ પણ સીધો કરી રહ્યા છે. આમ ગુજરાતના સરકારી અધિકારીઓના નહેલા પર ખાનગી હોસ્પિટલ સંચાલકો દહેલા સાબિત થઇ રહ્યા છે. સવાલ એ છે કે - સૌ કોઇની પોતાનો ઉલ્લુ સીધો કરવાની આ લડાઇમાં બાપડો દર્દી આખરે કયાં જશે.