કોરોના મહામારી : સ્ટર્લિંગ, સાલ સહિત અમદાવાદની 16 ખાનગી હૉસ્પિટલને AMCની નોટિસ

News18 Gujarati
Updated: May 20, 2020, 1:48 PM IST
કોરોના મહામારી : સ્ટર્લિંગ, સાલ સહિત અમદાવાદની 16 ખાનગી હૉસ્પિટલને AMCની નોટિસ
ફાઇલ તસવીર

ખાનગી હૉસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે બેડ ન આપતી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ પાઠવી, હૉસ્પિટલ મેનેજમેન્ટ સામે પગલાં લેવાશે.

 • Share this:
અમદાવાદ : 16મી મે, 2020ના રોજ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 અંતર્ગત કરવામાં આદેશનું પાલન નહીં કરવા બદલ તંત્ર તરફથી શહેરની 16 જાણીતી હૉસ્પિટલો (Private Hospitals)ને નોટિસ પાઠવવામાં આવી છે. કોર્પોરેશન તરફથી આ હૉસ્પિટલોને 50 ટકા બેડ ફાળવવાનું કહેવામાં આવ્યું હતું. તંત્રના આદેશ છતાં આ હૉસ્પિટલોએ કોરોનાની દર્દીઓની સારવાર માટે બેડ ન ફાળવતા નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે. આ મામલે કૉંગ્રેસ પાર્ટી (Gujarat Congress) તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તંત્રના આદેશ છતાં જો ખાનગી હૉસ્પિટલો ગાંઠતી નથી ત્યારે આ હૉસ્પિટલોને કોના તરફથી છાવરવામાં આવી રહી છે તેની તપાસ થવી જોઇએ. નોંધનીય કે જેમને નોટિસો પાઠવવામાં આવી છે તે હૉસ્પિટલોને સરકાર તરફથી સેવાકીય પ્રવૃત્તિઓ માટે જમીન દાનમાં આપવામાં આવી છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ હૉસ્પિટલોનો કોવિડ-19 હૉસ્પિટલ જાહેર કરવામાં આવી હતી તેમજ તેમને 50 ટકા બેડ કોર્પોરેશન તરફથી ભલામણ કરવામાં આવે તેવા દર્દીઓની સારવાર માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે બાકીની 50 ટકા બેડ હૉસ્પિટલમાં પોતાના માટે રાખી શકે છે. હાલ યુદ્ધ જેવી હાલત છે ત્યારે પણ આ હૉસ્પિટલો AMCને સહકાર નથી આપી રહી. આથી AMC તરફથી આવી હૉસ્પિટલના મેનેજમેન્ટ સામે સિવિલ અને ક્રિમિનલ લૉ પ્રમાણે પગલાં લેવા તેમજ ફરિયાદ નોંધવા માટે નોટિસ પાઠવવામાં આવે છે.

આ પણ વાંચો : કચ્છમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવતા ચિંતા, સોશિયલ મીડિયામાં #SaveKutch ટ્રેન્ડ થયું

કઈ કઈ હૉસ્પિટલને નોટિસ મળી :

 • સ્ટર્લિંગ હૉસ્પિટલ
 • લાઇફ કેર હૉસ્પિટલ

 • સરદાર હૉસ્પિટલ

 • બોડી લાઇન હૉસ્પિટલ

 • બોપલ ICU એન્ડ ટ્રોમા કેર

 • શ્રેય હૉસ્પિટલ

 • સરસ્વતી હૉસ્પિટલ

 • સાલ હૉસ્પિટલ

 • રાજસ્થાન હૉસ્પિટલ

 • એસજીવીપી હૉસ્પિટલ

 • સંજીવની હૉસ્પિટલ

 • ગ્લોબલ હૉસ્પિટલ

 • કર્ણાવતી સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ

 • સિંધુ હૉસ્પિટલ

 • સ્ટાર હૉસ્પિટલ

 • મેડીલીંક હૉસ્પિટલ


કોર્પોરેશનની નોટિસ મામલે સ્ટર્લિંગ હૉસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ નવિશા ગાંધીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા કોવિડ માટે 50 ટકા બેડ અનામત રાખવાનો આદેશ કરાયો હતો. અમે સિંધુ ભવન રોડ ખાતે આવેલા કેન્સર હૉસ્પિટલમાં 50 ટકા બેડ આપી છે. મેમનગર ખાતેની હૉસ્પિટલમાં કોઈ જ બેડ ફાળવવામાં આવી નથી.

નોટિસ મામલે સાલ હૉસ્પિટલના AGM ઉમા બક્ષીએ કહ્યું હતું કે, આ મામલે મેનેજમેન્ટ તરફથી ચર્ચા બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે. હાલ કોવિડ માટે કોઈ બેડ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.

મેમનગર ખાતે આવેલી સ્ટર્લિંગ હૉસ્પિટલને ઔડાની નોટિસ

બીજી તરફ AUDA (Ahmedabad Urban Development Authority) તરફથી મેમનગર ખાતે આવેલી સ્ટર્લિંગ હૉસ્પિટલને શરત ભંગની નોટિસ મોકલવામાં આવી છે. ઔડા તરફથી સ્ટર્લિંગ હૉસ્પિટલને જમીન સંપાદન વખતે રાખવામાં આવેલી શરત ભંગ બદલ નોટિસ પાઠવવામાં આવી છે. આ મામલે ઔડાએ હૉસ્પિટલ પાસેથી શા માટે જમીન પરત ન લઈ લેવામાં આવે તે અંગેનો જવાબ 22મી મે સુધી રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે સ્ટર્લિંગ હૉસ્પિટલ જે જમીન પર ઉભી છે તે જમીન સરકારે 90 વર્ષના ભાડા પટે આપી છે. આ મામલે શરૂઆતમાં સ્ટર્લિંગના નવિશા ગાંધીએ ઔડા તરફથી કોઈ જ નોટિસ ન મળી હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં ખુલાસો આપતા જણાવ્યું હતું કે, અમે નિયમનો ભંગ નથી કર્યો. આ મામલે અણે ત્રણ દિવસમાં જવાબ રજૂ કરી દઇશું.
First published: May 20, 2020, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading