AMCનો મોટો નિર્ણય: હૉસ્પિટલમાં દાખલ થવા 108 એમ્બ્યુલન્સ અને આધાર કાર્ડનો નિયમ હટાવ્યો

AMCનો મોટો નિર્ણય: હૉસ્પિટલમાં દાખલ થવા 108 એમ્બ્યુલન્સ અને આધાર કાર્ડનો નિયમ હટાવ્યો
ફાઇલ તસવીર.

તા. 29 એપ્રિલ, 2021ના સવારે 8 વાગ્યાથી કોઈ પણ દર્દી 108 સેવા મારફતે, ખાનગી એબ્યુલન્સ મારફતે કે ખાનગી વાહન મારફતે કે પછી ચાલતા પણ કોવિડ હૉસ્પિટલ પહોંચીને દાખલ થઈ શકશે.

 • Share this:
  અમદાવાદ: અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વણસી ગઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન (Ahmedabad municipal corporation) તરફથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે 108માં આવતા દર્દીઓને જ હૉસ્પિટલમાં દાખલ કરવાનો નિયમ હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદનું આધાર કાર્ડ (Aadhaar Card) હોય તેમને જ દાખલ કરવામાં આવતા હતા તે નિયમ પણ હટાવી દેવાયો છે. જે બાદમાં હવે વ્યક્તિ પોતાના ખાનગી વાહન (Private vehicles)માં કે ચાલતા જશે તો પણ દાખલ કરવા પડશે. આ ઉપરાંત AMCની હદમાં આવતી તમામ હૉસ્પિટલોએ કુલ ક્ષમતાની 75% બેડ કોરોના દર્દીઓ (Corona patients) માટે રિઝર્વ રાખવી પડશે. આ નિયમ આવતી કાલ એટલે કે ગુરુવારે સવારે આઠ વાગ્યાથી લાગૂ પડશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે કોરોના અંગે પીઆઈએલની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. સાથે જ કોર્ટે એવો સવાલ પણ પૂછ્યો હતો કે દર્દીઓને હૉસ્પિટલના ગેટ બહાર મરવા માટે કેમ છોડી દેવામાં આવે છે? 108માં આવતા દર્દીઓને જ કેમ દાખલ કરવામાં આવે છે?

  ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં કોવિડની વર્તમાન પરિસ્થિતિમાં શહેરીજનોને રાહત આપવાના હેતુ સાથે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને એક આપાતકાલિન બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમાર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે ભાગ લીધો હતો. આ બેઠકમાં શહેરમાં હાલમાં કોવિડના કેસમાં થયેલા વધારાને પહોંચી વળવા નીચે મુજબના આપાતકાલિન નિર્ણયો લેવામાં આવ્યા છે.  આ પણ વાંચો: રાજકોટ: પોલીસથી બચવા પાનના ગલ્લાવાળાએ ચલાવ્યું દિમાગ, અટકાયતનો વીડિયો થયો વાયરલ

  1) કોવિડ હૉસ્પિટલોમાં દાખલ થતી વખતે 108 સેવા મારફતે દાખલ થવાની જ જરૂરિયાત હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે. આનો અર્થ એ થાય છે કે હવેથી તમામ હોસ્પિટલોએ કોવિડ દર્દીઓને તેઓ કોઈપણ રીતે હૉસ્પિટલ સુધી પહોંચે તો તેમને દાખલ કરવાના રહેશે. જેમાં ખાનગી હોસ્પિટલો, AMC હોસ્પિટલો અને AMCની હદમાં આવતી તમામ સરકારી હૉસ્પિટલોનો સમાવેશ થશે, પછી એ ડેઝીગ્નેટેડ કરવામાં આવેલી હોય કે ન હોય.

  તા. 29 એપ્રિલ, 2021ના સવારે 8 વાગ્યાથી કોઈ પણ દર્દી 108 સેવા મારફતે, ખાનગી એબ્યુલન્સ મારફતે કે ખાનગી વાહન મારફતે કે પછી ચાલતા પણ કોવિડ હૉસ્પિટલ પહોંચી શકશે અને બેડની ઉપલબ્ધતાના આધારે અને જે તે દર્દીને દાખલ કરવાની જરૂરિયાત મુજબ હોસ્પિટલે તેવા દર્દીને દાખલ કરવાના રહેશે.

  આ પણ વાંચો: ફરજ નિષ્ઠા: પીઠી ચોળેલી હાલતમાં સ્મશાનમાં પહોંચીને ત્રણ મૃતદેહનાં અંતિમસંસ્કાર કર્યાં

  2) શહેરમાં કોવિડ સારવાર પૂરી પાડતી તમામ ખાનગી હોસ્પિટલોએ તેમની હયાત કાર્યરત/ચાલુ ક્ષમતાના 75% કોવિડ સારવાર માટે પૂરી પાડવાની રહેશે. એટલે કે કોવિડ સિવાયના દર્દીઓ માટે માત્ર 25% બેડ ઉપલબ્ધ રહેશે. આનાથી શહેરમાં કોવિડ સારવાર માટે વધારાની 1000 બેડ ઉપલબ્ધ થશે.

  3) જાહેર જનતાના લાભાર્થે અને તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા દર્દીઓને ઝડપભેર દાખલ કરી શકાય તે હેતુથી અમદાવાદના આધાર કાર્ડની જરુરિયાત પણ આ સાથે તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવે છે.

  4) શહેરની કોવિડ સારવાર આપતી તમામ હોસ્પિટલોને દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે કે તેમણે દર્દીઓના સ્વાથ્યની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક દાખલ કરી શકાય તે માટે OPDની સુવિધા પૂરી પાડવાની રહેશે.

  આ પણ વાંચો: જૂનાગઢમાં યુવકની જાહેરમાં હત્યા, હત્યારો ક્રૂર બનીને તૂટી પડ્યો, લોહીના ખાબોચીયા ભરાયા, Live CCTV

  5) કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં AMC ક્વોટામાં દાખલ થવા માટે 108 સેવાનો કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂરિયાત પણ હટાવી દેવામાં આવી છે.

  6) કોવિડની સારવાર પૂરી પાડતી શહેરની તમામ હોસ્પિટલોને આથી નિર્દેશ કરવામાં આવે છે કે રાજ્ય સરકારના પોર્ટલ ઉપર પણ જોડાઇને જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી (રિયલ ટાઇમ માહિતી) સતત દર્શાવવાની રહેશે.

  7) તદુપરાંત આવી દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ ઉપર સુવાચ્ય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી (રિયલ ટાઇમ માહિતી) સતત દર્શાવવાનું ફરજિયાત કરાયું છે.

  આ પણ વાંચો: 61 વર્ષીય સસરો 33 વર્ષની પુત્રવધૂને ભગાડી ગયો! પૂત્રવધૂ અને દીકરાના પ્રેમ લગ્ન હતા

  8) 108 સેવા માટેના કંટ્રોલ રૂમનું સંચાલન AMCના અધિકારીઓ તથા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે કરવામાં આવશે.

  9) મહામૂલી માનવ જિંદગી બચાવી શકાય તે માટે કોવિડની સારવાર કરતી તમામ હોસ્પિટલો માટે એ ફરજિયાત કરાયું છે કે કોઈ પણ ટેક્નિકલ કારણસર તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય તેવા કોઈ પણ દર્દીને સારવારની ના પાડી શકશે નહીં.

  10) AMCની હદમાં આવેલી અને કોવિડની સારવાર પૂરી પાડતી તમામ હોસ્પિટલોએ આ નિર્દેશોનું પાલન તા. 29 એપ્રિલ 2021ના રોજ સવારે 8 વાગ્યાથી અચૂક પણે કરવાનું રહેશે. આ સમય જરૂરી તૈયારીઓ કરવા માટે આપવામાં આવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 28, 2021, 15:18 pm

  ટૉપ ન્યૂઝ