અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં (Ahmedabad Meghani Nagar) હવે ગુનાખોરી વધી રહી છે. 1.78 કરોડની લૂંટ બાદ હવે હત્યાનો (Murder)બનાવ સામે આવ્યો છે. ભાર્ગવ રોડ પરની ડિફેન્સ કોલોનીમાં નવા વર્ષના પ્રથમ દિવસે શુક્રવારે (Murder in New Year) સાંજે જાહેરમાં ચાકુના ઘા મારી મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યાના બનાવ અંગે બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નાસ્તો કરવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં મૃતકે આરોપીને લાફા માર્યા હતા. જેની અદાવતમાં આરોપીએ મૃતકને સાંજે પોતાની પાસે બોલાવી ચાકુના ચાર ઘા મારી રહેંસી નાખ્યો હતો.
મેઘાણીનગર માં રહેતા દેવેન્દ્રકુમાર રાજપૂત મકાન દુકાન બનાવવાનું કામકાજ કરે છે. તેઓએ આ હત્યા બાબતે ફરિયાદ નોંધાવી છે. 24 વર્ષીય મૃતક યુવક ઘનશ્યામ ઉર્ફ બાબા જગમોહન રાજપૂત ભાર્ગવ રોડ પરની ડિફેન્સ કોલોની ખાતે રહેતો હતો. શુક્રવારે બપોરે અઢી વાગ્યે ઘનશ્યામ ઉર્ફ બાબા રાજપૂત, રીંકુ ઉર્ફ ટમાટર અને ચેતન સહિતના મિત્રો ડિફેન્સ કોલોની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નાસ્તો કરતા હતા. તે સમયે બોલાચાલી થતા ઘનશ્યામે તેના મિત્ર રીંકુ ઉર્ફ ટમાટરને બે-ત્રણ લાફા મારી દીધા હતા.
આ દરમિયાન સાંજે ઘનશ્યામ ઉર્ફ બાબા ડિફેન્સ કોલોની ગાયત્રી મંદિર પાસે તેના મિત્રો દેવેન્દ્રકુમાર રાજપૂત, ધીરજ ઠાકુર, રામનરેશ તોમર અને દિલીપ યાદવ પાસે ઉભો હતો. ત્યારે ઘનશ્યામે બપોરે રીંકુ સાથે બનેલી તકરારની ઘટનાની વાત કરી હતી. તે સમયે 100 મીટર દૂર ઉભેલા રીંકુએ ઘનશ્યામને બૂમ મારીને પોતાની પાસે બોલાવ્યો હતો. ઘનશ્યામ અને રીંકુ બન્ને વાતચીત કરતા હતા. તે સમયે રીંકુના કાકાનો દીકરો ચેતન પહોંચ્યો હતો. ચેતને ઘનશ્યામના બે હાથ પાછળથી પકડી લીધા અને અચાનક રીંકુ ઉર્ફ ટમાટરે તેની પાસેનું ચાકુ કાઢી ઘનશ્યામને ઉપરાછાપરી ચાર ઘા મારી દીધા હતા. ઘનશ્યામ જમીન પર ફસડાઇ પડ્યો હતો. જ્યારે હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.