લોહીલુહાણ હાલતમાં ફરતા કૂતરાની સારવાર માટે બાબુભાઈએ એનીમલ હેલ્પલાઇન 1962માં ફોન કર્યો હતો. પરંતુ ત્યાંથી રાત્રે કોઈ કર્મચારી હાજર નહીં હોવાનું કહેવામાં આવ્યું હતું.
અમદાવાદ: શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહેતા યુવકને કૂતરું કરડતા (Dog bites) તે ક્રૂર બન્યો હતો. યુવકે લંબુ નામના કૂતરાને હથિયારથી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે આ જ ચાલીમાં બાંડી નામની કૂતરીને પણ ઇજાગ્રસ્ત કરનાર યુવક સામે આખરે ચાલીના જ એક વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે (Ahmedabad Police) તપાસ શરૂ કરી છે. નવાઇની વાત તો એ છે કે જ્યારે રાત્રે એનીમલ હેલ્પલાઇન (Animal Helpline)માં ફોન કરવામાં આવ્યો હતો ત્યારે રાત્રે કોઇ કર્મચારી હાજર ન હતું. ઉલ્લેખનીય છે કે પશુઓની સારવાર કે તેમને બચાવવા માટે ફોન કરવા પર અનેક લોકોને આ પ્રકારનો અનુભવ થતો હોય છે.
શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલી ખાતે રહેતા બાબુભાઈ કડિયા કામ કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ કામકાજની સાથે તેમની ચાલીમાં ફરતાં મૂંગા પ્રાણીઓની દેખરેખ પણ રાખે છે. ગત તા. 8 ફેબ્રુઆરીના સાંજના સમયે તેઓ ઘરે આરામ કરતા હતા તે સમયે તેમના પત્ની રતનબેને તેમને જણાવ્યું હતું કે તેમની ચાલીમાં એક કૂતરાને કોઈએ પેટના ભાગે માર્યું છે. કૂતરું ચીસો પાડતું લોહીલુહાણ હાલતમાં આમતેમ ફરી રહ્યું છે. જેથી બાબુભાઈ તુરંત જ તેમના ઘરની બહાર આવ્યા હતા અને જોયું તો રાતા કલરનું કૂતરું કે જેને ચાલીમાં તમામ લોકો લંબુ નામથી બોલાવતા હતા તેના શરીરે પેટના જમણા ભાગે તીક્ષ્ણ હથિયાર વાગ્યું હોવાથી પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા.
લોહીલુહાણ હાલતમાં ફરતા કૂતરાની સારવાર માટે બાબુભાઈએ એનીમલ હેલ્પલાઇન 1962માં ફોન કર્યો હતો. પરંતુ ત્યાંથી રાત્રે કોઈ કર્મચારી હાજર નહીં હોવાનું કહેવામાં આવ્યું હતું. જેથી બાબુભાઈ તેમની ચાલીમાં રહેતા પ્રકાશભાઈ પાસે ગયા હતા. જ્યાં તેઓને દર્શના એનિમલ વેલફેર નામની સંસ્થાના સભ્યનો મોબાઇલ નંબર મળ્યો હતો. એ નંબર ઉપર ફોન કરી આ બનાવની જાણ કરતાં અડધો કલાકમાં પીપલ ફોર એનિમલની ટીમના સભ્યો ચાલીમાં આવી ગયા હતા. જેમની સાથેમાં ફાઉન્ડેશન સંસ્થાના ડૉક્ટર પણ આવી ગયા હતા. તેઓએ લંબુ નામના કૂતરાને તપાસની તપાસ કરીને તેને મૃત જાહર કર્યું હતું.
ત્યારબાદ ચાલીના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બાજુની ગલીમાં બીજા એક કૂતરાને પણ કોઈએ તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી છે. જેથી બાબુભાઈ તથા એનિમલ વેલફેરની ટીમ બાજુની ગલીમાં ગયા હતા. તેઓએ જોયું તો બીજી એક કૂતરી જેને ચાલીના લોકો બાંડી નામથી ઓળખે છે તેને પણ આગળના ડાબા પગ પાસે તીક્ષ્ણ હથિયારનો ઘા વાગ્યો હતો. જેથી એનિમલ વેલફેરની ટીમે તાત્કાલિક સારવાર ચાલુ કરી હતી. આ પણ વાંચો: મહિલાએ જ્વેલરને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લીધો, પોલીસે બે મહિલાની કરી ધરપકડ
આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા. બીજી તરફ રાજેન્દ્ર ચાવડા નામના યુવકે આક્ષેપ કર્યો હતો આ કૂતરું તેને પગના ભાગે કરડયું હતું જેથી આ બંને કૂતરાઓને તેણે તીક્ષ્ણ હથિયારથી માર્યા હતા. સમગ્ર બાબતને લઈને બાબુભાઈએ આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્ર ચાવડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 428, 429 અને પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ 11 મુજબ ફરિયાદ નોંધી તપાસ સ શરૂ કરી છે.