અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તાર (Bapunagar area)માં મારામારી જેવા ગુના જાણે કે સાવ સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ACP ઓફિસ પાછળ મારામારીમાં એક વ્યક્તિનો અંગૂઠો જ કપાઈ ગયો હતો. ત્યારે હવે બર્થ ડે (Birthday party)માં ડીજે વગાડવા દરમિયાન એક વ્યક્તિએ ડાન્સ ન કરતા તેને માર પડ્યો હતો. યુવક દુકાનેથી ઘરે જતો હતો ત્યારે પાર્ટીમાં હાજર લોકોએ તેને બળજબરીથી નાચવાનું કહ્યું હતું. યુવકે નાચવાની ના પાડતા કેટલાક શખ્સોએ તેને લાફો મારી લાકડીથી માર માર્યો હતો.
બાપુનગરમાં આવેલા લાલ બહાદુર સ્ટેડિયમ પાસે રહેતા વિનોદભાઈ સહાની આનંદ ફ્લેટ પાસે કરિયાણાની દુકાન ધરાવી વેપાર કરે છે. બે દિવસ પહેલા તેઓ રાત્રે નવેક વાગ્યે તેમની પત્ની દુકાને હાજર હોવાથી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે વાહન લઈને તેઓ તેમના સાળા રવિન્દ્રભાઈની દુકાન પાસે ગયા હતા. ત્યાં વાહન મૂકી તેઓ ચાલતા ઘરે જતા હતા. આ દરમિયાન ત્યાં ખાડા પાસે રહેતા વિસરજીતનો જન્મદિવસ હોવાથી ડીજે વાગતું હતું.
આ પણ વાંચો: સુરત: 22 વર્ષની પાયલ આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી જીતી, AAPના ફાળે 27 બેઠક
અહીં રહેતા દિપક નામના શખ્સે ડીજે પર નાચવા વિનોદભાઈને કહ્યું હતું. એટલું જ નહીં, દિપક તેઓને ખેંચીને ડીજે પાસે પણ લઈ ગયો હતો. જોકે, વિનોદભાઈએ ના પાડતા તેમને લાફો ઝીકી દીધો હતો. આ દરમિયાન અન્ય શખ્સો પણ ભેગા થઈ ગયા હતા. બાદમાં આ દિપક, બબલુ, અજય કનોજીયા, અમરજીત ઉર્ફે પુતુ ઠાકુર નામના શખ્સોએ વિનોદભાઈને લાકડીઓ મારી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વચ્ચે પડીને વિનોદભાઈને બચાવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: યુવતીએ દારૂડિયા પતિને છૂટાછેડા આપી કર્યાં બીજા લગ્ન, પૂર્વ પતિએ યુવતીને બદનામ કરવા કરી વિચિત્ર હરકત
બાદમાં વિનોદભાઈના પત્ની ટોળું જોઈને ત્યાં આવી ગયા હતા અને પતિને ઘરે લઈ ગયા હતા. મૂંઢ માર વાગ્યો હોવાથી બીજે દિવસે દુઃખાવો થતા વિનોદભાઈને હૉસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં બાપુનગર પોલીસને જાણ કરાતા પોલીસે આ ચારેય લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે જે તાજેતરમાં જ એસીપી ઓફિસ પાછળ પણ મારામારીની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિને હથિયારથી માર મારતા તેનો અંગૂઠો છૂટો પડી ગયો હતો. આ વિસ્તારમાં સતત આવી ઘટનાઓ બનતી હોવા છતાં સ્થાનિક પોલીસના પેટનું પાણી હાલતું નથી અને ગુનેગારો બેફામ બની જતા હોવાની લોકોમાં ચર્ચા છે.
Published by:Vinod Zankhaliya
First published:February 24, 2021, 08:30 am