અમદાવાદ: શહેરના સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station)માં એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેના લગ્ન સમયે તેમના વતન અને સમાજના રિવાજ પ્રમાણે 20 લાખનું દહેજ (Dowry) આપ્યું હતું. તેમ છતાં પણ તેનો પતિ ચારિત્ર્ય પર શંકા રાખી છૂટાછેડા (Divorce) લેવા માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં આ યુવતી બેંકમાં મેનેજર (Bank Manager Job) તરીકે નોકરી કરતી હોવાથી નોકરી ટ્રાન્સફર કરાવી લેવાની વાત પણ તેનો પતિ (Husband) કરતો હતો. યુવતીએ આવું કરવાનો ઇન્કાર કરતા પતિ તેને ધમકી આપતો હતો.
અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી 32 વર્ષીય યુવતી મૂળ બિહારની છે. છેલ્લા કેટલાય સમયથી છે તેની માતા સાથે રહે છે. વર્ષ 2008માં તેના પિતાનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હતું. યુવતીની માતા ઘરકામ કરે છે અને તેની એક બહેનના લગ્ન બિહાર ખાતે થયેલા છે. તેનો 40 વર્ષીય ભાઈના લગ્ન બિહાર ખાતે થયા હતા અને હાલમાં તે લંડનમાં રહે છે. આ યુવતીએ બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. તેની બહેનના પતિ સુરત ખાતે ધંધો કરતા હતા જેથી તેઓ ગુજરાતમાં રહેતા હોવાથી અવારનવાર આ યુવતી તેની બહેનના ઘરે આવતી જતી હતી. આ દરમિયાન વર્ષ 2012માં બેંક ઓફ બરોડાની જાહેરાત પડતા યુવતીએ પરીક્ષા પાસ કરી નોકરીએ લાગી હતી. હાલ આ યુવતી બ્રાંચમાં સીનિયર મેનેજર તરીકે નોકરી કરે છે.
વર્ષ 2017માં ફેબ્રુઆરી મહિનામાં આ યુવતીના લગ્ન તેના વતન બિહારના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ અન્ય પુરુષો સાથે સંબંધ હોવાની શંકા રાખી તેનો પતિ તેને છૂટાછેડા લેવા માટે દબાણ કરતો રહેતો હતો. આ યુવતી તેના ત્રાસથી કંટાળી ગઈ હતી. આટલું જ નહીં અન્ય અલગ-અલગ કારણો આપી યુવતી પાસેથી તેનો પતિ છૂટાછેડા લેવા માંગતો હતો. યુવતીને અન્ય પુરુષો સાથે સંબંધ હોવાનું પણ તે જણાવતો અને તે બાબતે પટના બિહાર ખાતેની કોર્ટમાં અરજી પણ કરી હતી. યુવતીનો પતિ તેણીને માનસિક તથા શારીરિક ત્રાસ પણ આપતો હતો. યુવતીના પતિએ યુવતીને મુંબઈ ખાતે નોકરી ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. પરંતુ યુવતીએ નોકરી ટ્રાન્સફર કરાવી ન હતી, જેથી તેના ચારિત્ર્ય ઉપર શંકા રાખી બદલી નહીં કરાવે તો જાનથી મારી નાખીશ તેવી અલગ અલગ ધમકીઓ તેનો પતિ આપવા લાગ્યો હતો.
આ યુવતીએ કરેલી ફરિયાદમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે તેમના વતન બિહારમાં અને તેમના સમાજમાં દહેજ પ્રથાનો કુરિવાજ છે. લગ્ન સમયે રિવાજ પ્રમાણે તેના પતિને અલગ-અલગ સોનાના દાગીના તથા અલગ અલગ બેંક એકાઉન્ટમાં દસ લાખ મળી અંદાજિત 20 લાખ જેટલું દહેજ આપ્યું હતું. તેમ છતાં પણ તેનો પછી તેની પાસે છૂટાછેડા માંગી સમાજમાં અન્ય લોકો પાસેથી દહેજ લેવા કારસો રચી આ યુવતીને ત્રાસ આપતો હતો. સમગ્ર આક્ષેપોને લઈને પોલીસે ફરિયાદ નોંધી પોલીસે આરોપીની તપાસ શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર