અમદાવાદ : મહિલાને ત્રણ વાર તલાક કહી કાઢી મૂકી, સાસરિયાઓ સામે ફરિયાદ

News18 Gujarati
Updated: November 21, 2019, 7:54 AM IST
અમદાવાદ : મહિલાને ત્રણ વાર તલાક કહી કાઢી મૂકી, સાસરિયાઓ સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ટ્રિપલ તલાકનો કિસ્સો બહાર આવ્યો છે, પરિણીતાએ ફરિયાદ નોંધાવી.

  • Share this:
અમદાવાદ: શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના સસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે તેના પતિએ તેને માર મારીને ત્રણ વાર તલાક કહી દીધા બાદ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ મામલે બાપુનગર પોલીસે સાસરિયા પક્ષ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાપુનગરમાં ગરીબ નવાઝ મસ્જિદ પાછળ રહેતી મહિલા ઘરે સિલાઈ કામ કરે છે. 23 વર્ષીય મહિલાના ચાર વર્ષ પહેલા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસુ, પતિ અને બે દિયર પરિણીતાને ખૂબ ત્રાસ આપતા હતા.

મહિલાને ઘરકામ બાબતે સતત માનસિક ત્રાસ આપીને પરેશાન કરતા હતા. ગત તારીખ બીજી ઓક્ટોબરના રોજ મહિલા સાથે સાસરિયાઓએ ઝઘડો કર્યો હતો. ઝઘડા બાદ પરિણીતાના પિયર અને સાસરાપક્ષના લોકો સમાધાન માટે ભેગા થયા હતા. સમાધાન માટે એકઠા થયેલા લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદમાં પરિણીતાના પતિએ તેને પરિવારની હાજરીમાં જ ત્રણ વાર તલાક કહીને છૂટાછેડા આપી દીધા હતા.

આ પણ વાંચો : ત્રણ તલાક બિલ પાસ, જાણો દોષિતોને હવે કેટલી સજા મળશે?

આ અંગે બાપુનગર પોલીસનું જણાવવું છે કે મહિલાના પતિએ કર્ણાટકની યુવતી સાથે લગ્ન કરવાના છે તેમ પણ કહ્યું હતું. હાલ આ મામલે પોલીસે આઇપીસી 323, 114, 294 (ખ), 506 (1) મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ ગત વર્ષે 19મી સપ્ટેમ્બર, 2018થી ટ્રિપલ તલાક બિલ લાગૂ થયું છે. આ બિલને કેન્દ્ર સરકારે ગત વર્ષે 25 જુલાઈના રોજ લોકસભા અને 30 જુલાઈના રોજ રાજ્યસભામાં પાસ કરાવ્યું હતું. બિલે કાયદાનું સ્વરૂપ ધારણ કર્યા બાદ કોઈ પણ પ્રકારે આપેલા તલાક ગુનાની શ્રેણીમાં આવી જાયા છે. આ માટે ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.
First published: November 21, 2019
વધુ વાંચો
अगली ख़बर