અમદાવાદ: પતિ-પત્ની (Husband-Wife) વચ્ચેના સબંધમાં જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિનો પ્રવેશ થાય છે ત્યારે ઘરકંકાસની શરૂઆત થાય છે. આવો જ એક બનાવ શહેરના વાડજ વિસ્તાર (Vadaj Police Station)માં જોવા મળ્યો છે. અહીં પતિને અન્ય યુવતી સાથે પ્રેમ (Love) થઇ જતાં પત્ની અને બાળકોને તરછોડી દીધા છે. વાડજમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે વર્ષ 2007માં સમાજના રિવાજ મુજબ તેના લગ્ન (Marriage) થયા હતા. આ સમયે તેઓ સંયુક્ત કુટુંબ (Indian Joint Family)માં રહેતા હતા. વર્ષ 2008માં ફરિયાદીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો.
ફરિયાદીના પતિ અને સાસુ-સસરાને દીકરી પસંદ ન હોવાથી ફરિયાદીને વારંવાર નાની નાની વાતમાં વાંક કાઢીને તેનો પતિ માર મારતો હતો. વર્ષ 2011માં દીકરાને જન્મ આપ્યા બાદ પણ સાસરિયાનો ત્રાસ વધતો જતો હતો. જે બાદમં ફરિયાદી તેના પતિ સાથે માતાના ઘરે રહેવા માટે આવી ગઈ હતી. અહીં પણ તેનો પતિ તેની સાથે મારપીટ કરતો હતો. મહિલાએ વર્ષ 2009માં મહિલા પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપી હતી. જોકે, આ બાબતે સમાધાન થઈ ગયું હતું.
આ પણ વાંચો: સુરત: પાટીદાર અગ્રણી અને કરોડપતિ ઉદ્યોગપતિના આપઘાત કેસમાં PI સહિત ચાર પોલીસકર્મી સસ્પેન્ડ
બાદમાં ફરિયાદી પ્રેગનેન્ટ થતા આરોપી તેને છોડી માતાપિતા સાથે રહેવા માટે ગયો હતો. બે મહિના પહેલા મહિલાએ એક દીકરાને જન્મ આપ્યો છે. બાદમાં મહિલાને જાણ થઈ હતી કે તેના પતિને છેલ્લાં બે વર્ષથી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ છે અને છેલ્લા થોડા દિવસથી તે તેની સાથે ફરાર થઈ ગયો છે. આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: કોરોના કાળમાં બદલવાની દાસ્તાન: અમુક સાવધાની સાથે કોઠા પર ધંધો ફરી શરૂ, આ માટે ખાસ ગાઇડલાઇન!
શાકભાજીની ઉઘરાણીમાં ગ્રાહકે દુકાનદારને બચકું ભરી લીધું!
શહેરના બીજા એક બનાવમાં શાકભાજીના રૂપિયાની લેતીદેતીમાં મારામારી થઈ હતી. સરદારનગર શાકમાર્કેટમાં દુકાન ધરાવીને શાકભાજીનો હોલસેલ વેપાર કરતા નીતિન નોતાનીએ પોલીસ ફરિયાદ આપી છે કે આંબાવાડી સર્કલ નજીક શાકભાજીની દુકાન ધરાવતા કિશોરભાઈ તેમને ત્યાંથી શાકભાજીની ખરીદી કરે છે અને ક્યારેક રૂપિયા બાકી પણ રાખે છે. ફરિયાદી કિશોરભાઈ પાસે શાકભાજીના રૂપિયા 6,700 લેવાના હતા. જેની ઉઘરાણી માટે ફરિયાદી કિશોરભાઈની દુકાને ગયા હતા.
આ સમયે દુકાનમાં કિશોરભાઈ અને તેમના પિતા હાજર હતા. જોકે, ફરિયાદીએ રૂપિયાની ઉઘરાણી કરતા જ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી સાથે ઝઘડો કરી રૂપિયા નહીં મળે, થાય તે કરી લે કહીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં કિશોરભાઈએ ફરિયાદીનો હાથ પકડીને બચકું ભરી દીધું હતું. એટલું જ નહીં દુકાનમાંથી ત્રાજવું લઈને તેના વડે ફરિયાદીને માર મારી નીચે પટકી દીધા હતા. બાપ-દીકરાએ ભેગા મળીને ફરિયાદીને માર માર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:September 15, 2020, 09:54 am