અમદાવાદ: જાન્યુઆરી માસમાં વાસણા વિસ્તાર (Vasna area)માં એક પરિણીતાએ આપઘાત કરતા હવે આ મામલે સાસરિયાઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં મૃતક પરિણીતાના પિતાએ આક્ષેપ કર્યો છે કે, તેમની દીકરીને પતિ (Husband), સાસુ-સસરા (In-Laws) ખૂબ ત્રાસ આપતા હતા. એકવાર નોકરીએથી પરત આવતી વખતે પરિણીતાને તેના પતિએ રોડ પર છૂટ્ટો ફોન મારી દીધો હતો. જેથી દીકરી ડરીને બેભાન થઈ ગઈ હતી. આટલું જ નહીં, ઘરખર્ચ માટે તેના પતિએ એગ્રીમેન્ટ બનાવ્યું હતું. જેમાં પરિણીતા ઘરમાં 20 હજાર આપતી હોવા છતાં તે બાબતનો ઉલ્લેખ ન કરી તેને સહી કરવા ત્રાસ ગુજાર્યો હતો. આટલું જ નહીં, પરિણીતાને એકલી કેનેડા કમાવવા જવાનું દબાણ કરી પણ ત્રાસ ગુજારવામાં આવતો હતો. અંતે પરિણીતાએ કંટાળીને પોતાના પિયરમાં આપઘાત કરી લીધો હતો.
ન્યૂ વાસણામાં રહેતા વૃદ્ધ આર્મીના એક સિવિલ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત થયા છે. વર્ષ 2019માં તેમણે તેમની પુત્રીના લગ્ન કરાવ્યા હતા. તેમની પુત્રી જે જગ્યાએ નોકરી કરતી ત્યાં જ તેમનો જમાઈ પણ નોકરી કરતો હતો. લગ્ન બાદ ત્રણેક માસ બાદ સાસુ-સસરા અને પતિએ પરિણીતા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. પિયરમાંથી કંઈ લાવી નથી તેમ કહીને દહેજ બાબતે સાસરિયાઓ ત્રાસ ગુજારતા હતા.
એક દિવસ પતિ-પત્ની ઓફિસેથી ઘરે આવતા હતા. આ દરમિયાન પરિણીતા સાથે તેના પતિએ જાહેર રોડ પર ઝઘડો કર્યો હતો. પરિણીતાનો મોબાઈલ ફોન તેને છૂટ્ટો મારતા તે ડરી ગઈ હતી અને બેભાન જેવી થઈ જતા તેનો પતિ તેને પિયરમાં લઈ ગયો હતો. જ્યાં પરિણીતાની માતાએ તેની સારવાર કરાવી હતી. એકાદ માસ પરિણીતા તેના પિયરમાં રોકાઈ હતી. બાદમાં સાસરિયાઓ તેને તેડવા આવ્યા તો પરિણીતાના પરિવારજનોએ મોકલવાની ના પાડી હતી.
સાસરિયાના લોકોએ હવેથી ત્રાસ નહીં આપે તેવી ખાતરી આપતા મહિલા સાસરે ગઈ હતી. બીજી તરફ પરિણીતાના પિતાએ ટુકડે ટુકડે 1.50 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પરિણીતાને તેના સાસરિયાઓ એકલી કેનેડા જઈને કમાવવા માટે દબાણ કરતા હતા. પરિણીતાએ એકલી જવાની ના પાડી તો તેને અહીં નોકરી સાથે બિઝનેસ કરવા દબાણ કરતા હતા. આટલું જ નહીં તેના પતિએ હદ વટાવતા ઘર માટે એક એગ્રીમેન્ટ બનાવ્યું હતું. જેમા સામાજિક ખર્ચ અને મકાનનો હપ્તો તે ભરશે તેમ લખાણ લખ્યું હતું.
પત્ની દર મહિને ઘરમાં 20 હજાર આપતી હોવા છતાં તે વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. પરિણીતાએ સહી કરવાની ના પાડતા તેણીને માર મારવામાં આવ્યો હતો. જે બાદમાં તેણી પિયરમાં આવી ગઈ હતી. પરિણીતાએ ગત તારીખ 20મીના રોજ પરિણીતાએ તેના પિયરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વાસણા પોલીસે પરિણીતાના સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજે એક બનાવમાં શહેરના વાડજ પોલીસસ્ટેશનમાં એક પરિણીતાએ તેના પતિ, દિયર અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતા અને તેનો પતિ બંને એઇડ્સગ્રસ્ત છે. લગ્નના થોડા સમય બાદ જ તેને ત્રાસ આપવાનું શરૂ કરી દીયરે ઝેરી દવા પીવાનું નાટક પણ કર્યું હતું. જેથી પરિણીતાને તેનો પતિ પિયરમાં થોડા દિવસ રહેવાનું કહી મૂકી ગયો હતો. બાદમાં તેને તેડવા આવ્યો ન હતો. આટલું જ નહીં પરિણીતાએ પરત જવા પતિને ફોન કર્યો તો તેણે ફોન પણ બંધ કરી દેતા પરિણીતાએ આ મામલે પોલીસને અરજી આપી હતી. જે મામલે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.