Home /News /madhya-gujarat /અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: ગઠીયાએ મહિલા સાથે ઓનલાઈન મિત્રતા કરી, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, સરપ્રાઇઝ ગિફ્ટના નામે 2.40 લાખ ખંખેરી લીધા

અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: ગઠીયાએ મહિલા સાથે ઓનલાઈન મિત્રતા કરી, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, સરપ્રાઇઝ ગિફ્ટના નામે 2.40 લાખ ખંખેરી લીધા

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Ahmedabad news: શહેરમાં એક જ દિવસમાં ઓનલાઇન ઠગાઈના આઠ કેસ નોંધાયા. નવરંગપુરાની મહિલાને ઓનલાઇન મિત્રતા ભારે પડી.

અમદાવાદ: શહેરમાં હવે ઓનલાઈન ઠગાઈ (Online cheating)ના કિસ્સા વધી રહ્યા છે. એક જ દિવસમાં શહેરમાં આઠ ફરિયાદો નોંધાઈ છે. જેમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન (Airport police station) વિસ્તારમાં વીમાના નાણા પરત આપવાના નામે ગઠીયાએ રૂપિયા 7.36 લાખ પડાવી લીધા છે. મેઘાણીનગરમાં ડિજિટલ પેમેન્ટ કંપનીના કર્મીએ 75 હજાર સેરવી લીધા હતા. નારણપુરામાં આર્મી જવાન હોવાનું કહી મકાન ભાડે આપવાના નામે 48 હજાર પડાવી લીધા છે. પાલડીમાં મહિલાની સાસુની સ્કૂલમાં એડમિશન લેવાના બહાને 75 હજાર સેરવી લેવાયા હતા. સોલા ખાતે બેન્ક મેનેજરના નામે 60 હજાર અને વિદેશથી આવેલા કુરિયર છોડાવવાનું કહી ગઠિયાઓએ 1.35 લાખ પડાવી લીધા હતા. વાસણા (Vasna) વિસ્તારમાં Olx પર વસ્તુ લે-વેચના નામે 93 હજાર રૂપિયા પડાવી લેવાયા હોવાની ફરિયાદો નોંધાઈ છે. નવરંગપુરા (Navrangpura police station)માં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર મિત્રતા કેળવી એક વ્યક્તિએ લગ્નનો પ્રસ્તાવ (Marriage proposal) મૂક્યો હતો. મહિલાને વિશ્વાસ અપાવવા સરપ્રાઈઝ ગિફ્ટ (Surprise gift) મોકલવાના બહાને 2.4 લાખ રૂપિયા પડાવી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા એસ.જી. હાઈવે ઉપર આવેલી એક ઓફિસમાં નોકરી કરે છે. મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી. જે બાબતે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વર્ષ 2021ના મે મહિનામાં મહિલાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર માઈકલ પેટ્રિક નામના વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ પહેલા આવી હતી તે મહિલાએ સ્વીકારી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ મારફતે માઈકલ પેટ્રિક (Michael Patrick) નામના માણસ સાથે મહિલાએ વાતચીત ચાલુ કરી હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

આ પણ વાંચો: ભાવનગર: મુખ્યમંત્રી શહેરમાં હતા ત્યારે જ લુખ્ખાઓનો ખુલ્લા હથિયારો સાથે આતંક, આધેડ પર ધાતકી હુમલો

મહિલા સાથે માઈકલ પેટ્રિક દરરોજ વોટ્સએપ વોઇસ કોલ જ કરતો હતો. આ દરમિયાન બંને વચ્ચે ફક્ત મિત્રતા જ હતી. માઈકલ પેટ્રિકે મહિલાને જણાવ્યું કે, તેની માતાને તે બહુ ગમે છે અને લગ્ન કરવા માંગે છે. મહિલાએ જણાવ્યું કે, તમારી માતાને જોયા વગર લગ્ન માટે પસંદ કરી તે સારું કહેવાય, પરંતુ આ બાબતે તમારા ઉપર વિશ્વાસ નથી. જેથી માઈકલ પેટ્રિકે મહિલાને જણાવ્યું કે, તમને વિશ્વાસમાં લેવા માટે હું તમને એક સરપ્રાઈઝ ગિફ્ટ મોકલું છું. પરંતુ મહિલાએ આ બાબતે પોતાના ઘરે વાત ન કરી હોવાથી ગિફ્ટ લેવાની ના પાડી હતી. છતાં આ વ્યક્તિએ મહિલાને ગિફ્ટ મોકલી હતી.

આ પણ વાંચો: પરિણીત આર્મી જવાન સાથે થયો પ્રેમ, મહિલાએ પતિને છોડીને કરી લીધા બીજા લગ્ન, પછી જે થયું...

બીજી તરફ એક નંબર ઉપરથી મહિલાને વોટ્સએપ કૉલ આવ્યો હતો અને પોતાની ઓળખ ડિલિવરી પર્સન તરીકે આપી હતી. ફોન કરનાર વ્યક્તિએ તેનું નામ જેમ્સ જણાવ્યું હતું. જેમ્સે આ પાર્સલ માઈકલ નામના વ્યક્તિએ લંડનથી મોકલ્યું છે અને તેને કસ્ટમમાંથી છોડાવવા માટે 25,500 રૂપિયા ચૂકવવા પડશે તેવું જણાવ્યું હતું. જેથી મહિલાએ રૂપિયા google pay કર્યા હતા. બાદમાં ટુકડે ટુકડે મહિલાના ખાતામાંથી વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટ: પતિએ પત્નીને તેના જ એક મિત્ર સાથે હોટલમાં કઢંગી હાલતમાં પકડી પાડી, ઘરમાં લાગેલા ગુપ્ત CCTVથી ભાંડો ફૂટ્યો
" isDesktop="true" id="1116385" >


ચાર દિવસમાં આ શખ્સે નૂર શેખ નામની વ્યક્તિના મધ્યમગ્રામ બ્રાંચમાં 30,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં નજમા ખાતુન નામની વ્યક્તિના એકાઉન્ટમાં 1.1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચિત્રા ભંડારી નામની વ્યક્તિના એકાઉન્ટમાં 32 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. મહિલાએ આ પૈસા ટ્રાન્સફર કર્યા છતાં પણ તેને ગિફ્ટ મળી ન હતી. બાદમાં જેમ્સે વધુ એક લાખ રૂપિયા માંગતા મહિલાને પોતે છેતરાઈ હોવાનું લાગતાં ગિફ્ટ કઈ કંપનીમાંથી મોકલી છે તેવી પૂછપરછ કરી હતી. જે બાદમાં જેમ્સે સ્પ્રિંગ લોજિસ્ટિક ડિલિવરી કંપનીનું નામ આપ્યું હતું. મહિલાએ પોતાના 2.4 લાખ રૂપિયા ચાંઉ થઈ જતા માઈકલ પેટ્રિક અને અન્ય લોકો સામે અરજી કરી હતી. જે બાબતે હવે નવરંગપુરા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: CYBER CRIME, Love, Marriage, Online cheating, Woman, અમદાવાદ, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन