અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં સોના-ચાંદીના દાગી (Gold-Silver Jewellery)ના ખરીદવાના બહાને ચોરી (Theft) કરવાની વધુ એક ઘટના બહાર આવી છે. કેટલાક દિવસ અગાઉ એક બંટી-બબલી જ્વેલર્સમાં ગણતરીની મિનિટોમાં ચોરી કરી પલાયન થઈ ગયા હતા. હવે કૃષ્ણનગર વિસ્તારમાં આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો છે.
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દેવાભાઇ ઘાંચીએ પોલીસ ફરિયાદ આપી છે કે તેઓ મારુતિ કોમ્પલેક્ષમાં છેલ્લા બે વર્ષથી સોના-ચાંદીના દાગીનાનો શૉ રૂમ ધરાવે છે. 30મી ડીસેમ્બરના દિવસે બપોરના સમયે તેઓ અને તેમના ભાઈ દુકાન પર હાજર હતા તે દરમિયાન આશરે 40થી 45 વર્ષના બંટી-બબલી તેમની દુકાનમાં આવ્યા હતા. બંનેએ પગની પાયલ માંગી હતી. ફરિયાદીએ બે ત્રણ જોડી પગની પાયલ બતાવતા બંટી બબલીએ તેમની નજર ચૂકવીને 260 ગ્રામની પાયલ સેરવી લીધી હતી. જે બાદમાં બંને પલાયન થઇ ગયા હતા.
17મી જાન્યુઆરીએ તેમણે સ્ટોકની ગણતરી કરતા પાયલનો હિસાબ મળ્યો ન હતો. જેથી તેમને આ બંટી-બબલી સામે શંકા ગઈ હતી. તેઓએ સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે, આ બંટી-બબલીએ તેમની નજર ચૂકવી પાયલની ચોરી કરી છે. જેની જાણ થતાં જ ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરી હતી.
આ પહેલા નરોડામાં થયેલી ચોરીના ગુનામાં પોલીસે કમલેશ રંગવાણી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અગાઉ પણ રાજસ્થાનમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ત્રણ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આરોપી વેજલપુરમાં પણ એક ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર