26 જુલાઈ 2008 સિવિલ હૉસ્પિટલમાં (Ahmedabad Civil HOspital) પણ બોંબ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. એ ગોઝારો દિવસ, કદાચ આ દિવસ સૌ ભુલવા માંગે છે, પરંતુ ભૂલી શકાય તેમ નથી. બેશક આપત્તિને ભૂલીને કે બાજુમાં રાખીને ઝડપથી બેઠા થવાનો ‘ગુજરાત’નો સ્વભાવ છે. ગુજરાતના (Gujarat) આ ‘સ્વભાવ’નો ‘પ્રભાવ’ સિવિલ હૉસ્પિટલમાં પણ દેખાય છે. ગુજરાત કે દેશની જ નહી એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ ગણાતી સિવિલ હૉસ્પિટલમાં સરેરાશ રોજના હજારો દર્દીઓ આવે છે. કદાચ આટલા બધા દર્દીઓની સેવા સુશ્રુષાએજ સિવિલને જીવંત રાખી છે.
વર્ષ 2008થી 2020 દરમ્યાનના 12 વર્ષમાં સિવિલ હૉસ્પિટલમાં કુલ 95,60,825 દર્દીઓએ લાભ લીધો છે. જેમાં OPD દર્દી તરીકે 83,73,546 તથા IND તરીકે 11,87,279 દર્દીઓનો સમાવેશ થાય છે. કુદરતી અને માનવસર્જિત એમ તમામ આપત્તિઓમાં સિવિલ હૉસ્પિટલ અડીખમ રહી છે અને સેવા-સુશ્રુષા સતત વહી છે.
'ધડાકાની 15 જ મિનિટમાં સ્ટાફ કામ પર હતો'
4380 દિવસ થઈ ગયા એ ઘટનાને, બોંબ બ્લાસ્ટના એ ગોઝારા દિવસ પુરતુ કદાચ આખી હૉસ્પિટલ હતપ્રભ થઈ ગઈ હતી. પણ બીજી જ મિનિટથી તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.
સિવિલ હૉસ્પિટલમાં આજે પણ ફરજ બજાવતા એ ઘટનાના સાક્ષી મુકેશભાઈ પટણી કહે છે કે, ‘ બોંબ ધડાકાને પગલે હૉસ્પિટલનો તમામ સ્ટાફ જે તે સ્થિતિમાં જ્યાં હતો ત્યાંથી માત્ર 15 મિનિટમાંજ ફરજ પર દોડી આવ્યો હતો. એક એક બેડ પર 10-15 ડૉકટરો સેવા માટે પ્રયત્નશીલ હતા. દર્દીઓ પ્રત્યેની સિવિલ હૉસ્પિટલની આ સેવા આજે પણ એટલી જ ત્વરાથી-સંવેદનાથી ચાલુ છે. તેમાં ક્યારેય ઓટ નથી આવી.’
'કોઈના અંગો જુદા પડી ગયા હતા તો કોઈના પરિવાર'
આ વિસ્તારના એક સમાજસેવક દિનેશભાઈ દૂધાત કહે છે કે, ‘ આખા અમદાવાદમાં સિરીયલ બ્લાસ્ટ થયા હતા. હું સિવિલ હૉસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવા આવ્યો હતો. બાપુનગરમાં બ્લાસ્ટ થયા હતા. ઈજાગ્રસ્તોની સંખ્યા વધી હતી. હું ધનવંતરી હૉસ્પિટલની એમ્બ્યુલન્સ લઈ આ દર્દીઓને સિવિલ હૉસ્પિટલ લાવ્યો હતો. સિવીલ ટ્રોમા સેન્ટર પહોંચ્યો અમે દર્દીઓને એમ્બ્યુલન્સમાંથી ઉતારી રહ્યા હતા અને ત્યાં જ બોંબ ધડાકાનો અવાજ આવ્યો. અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. કોઈના અંગો જુદા પડી ગયા હતા તો કોઈના પરિવાર. આ દ્રશ્યો ઓછામાં ઓછા એક વર્ષ સુધીતો મારા મન-મગજમાંથી ખસતા જ ન હતા. આજે પણ એ દ્રશ્યોની યાદ આવતા કંપારી છૂટી જાય છે. પણ કદાચ સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓ પ્રત્યેની સેવા સુશ્રુષાએ જ અમારા ઘા પર રૂઝ લાવી દીધી છે. મને પણ એ વખતે ઈજા થઈ હતી પણ દર્દીઓની સેવામાં મારી ઈજા પ્રત્યે મારુ ધ્યાન જ નહતુ ગયુ.”
'સિવિલનું હાર્ટ એવા ટ્રોમા સ્ન્ટટર પર પાશવી ઘા'
હૉસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડૉ. પ્રભાકર કહે છે કે, ‘ ટ્રોમા સેન્ટર એટલે સિવિલનું હાર્ટ ( હ્રદય) છે. તેના પર જે પાશવી ઘા થયો હતો એ અમે ના ભૂલી શકીએ. જો કે હ્રદયના એક ખુણે એ ઘટનાના તાંણાવાણાને દબાવીને સિવિલ હૉસ્પિટલે દર્દીઓ પ્રત્યેની સેવા સુશ્રુષાને વધુ ત્વરિત અને સંવેદનશીલ બનાવી છે. એ માનવસર્જિત આપત્તિ હતી અને અત્યારે કોરોના સ્વરૂપે કૂદરતી આપત્તિ આવી છે તો પણ હૉસ્પિટલના એક-એક તબીબ- નર્સ-પેરા મિડીકલ સ્ટાફ જાણે પોતાના સ્વજન હોય તેવા ભાવથી દર્દીઓની સેવા કરી રહ્યા છે. અમારી સેવા-સુશ્રુષા કે સંવેદનામાં ક્યારેય ઓટ નથી આવી.”
આ પણ વાંચો - Kargil Vijay Diwas 2020: કારગિલના 'પરમવીર' યોગેન્દ્ર યાદવ, 17 ગોળી વાગી છતાં લહેરાવ્યો હતો તિરંગો
'મેં મારો પ્રિય વિદ્યાર્થી અને તેની પત્ની ગુમાવ્ચયા હતા આજે પણ વસવસો છે'
સિવિલના હાલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.જે.પી.મોદી કહે છે કે, ‘ એક ડૉક્ટર માટે દર્દી કોણ છે? એ મહત્વનું નથી હોતુ દર્દીને શું દર્દ છે એ જ એના માટે મહત્વનું હોય છે અને દર્દીનું દર્દ ઓછુ કરવા જે કરવું પડે એ જ એની પવિત્ર ફરજ હોય છે. જોકે, બેશક આજથી 12 વર્ષ પહેલા બનેલી ઘટના કંઈ નાનીસૂની તો ન હતી જ .એ ઘટના સમયે મેં પણ મારો પ્રિય વિદ્યાર્થી ડૉ. પ્રેરક અને તેની ગર્ભવતી પત્ની ગુમાવ્યા છે એનો વસવસો કાયમ રહેશે જ. સામાન્ય રીતે આવી ઘટનાઓ બહાર બનતી રહેતી હોય છે પણ હૉસ્પિટલ પર આતંકી હુમલો કદાચ સૌ પ્રથમ વખત થયો હતો. ઘાયલોની સેવા કરનારાઓને જ ઘાયલ કરવાની એ પેરવી હતી. કદાચ અમારામાં પણ એ વખતે ધૃણા આવી હશે.પણ અમારી સંવેદના એ ધૃણા પર હાવી થઈને હજી અકબંધ ટકી રહી છે. કોરોનાના દર્દીઓ પ્રત્યેની એ સંવેદના જ અમને જીવંત રાખી રાખી રહી છે.”
આ પણ જુઓ -
'કચ્છમાં કરેલી માનવસેવાના દિવસો આજે પણ યાદ આવે'
ડૉ. મોદી કહે છે કે, 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું ઓર્થોપેડિક તબીબ તરીકે સિવિલ હૉસ્પિટલના પ્રતિનિધિ બનીને ચાર્ટર્ડ-પ્લેનથી સૌપ્રથમ કચ્છ પહોંચ્યો હતો. કચ્છમાં કરેલી માનવસેવાના દિવસો આજે પણ યાદ આવે છે. આપત્તિ કૂદરતી હોય કે માનવસર્જિત હોય. અપાર કરૂણાનો સંવેદના સાથે સેવા ધોધ આજે પણ સિવિલ હૉસ્પિટલમાં વહે છે. સો સો સલામ છે એ સિવિલ હોસ્પિટલને.
આ પણ વાંચો - કોરોના વાયરસ : સુરતથી સમગ્ર રાજ્યમાં આવતી-જતી એસટી તથા ખાનગી બસ 10 દિવસ માટે બંધ