Home /News /madhya-gujarat /

Ahmedabad Serial Blast Verdict: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ, આવી રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 19 દિવસમાં 30 આતંકી પકડ્યા

Ahmedabad Serial Blast Verdict: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ, આવી રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 19 દિવસમાં 30 આતંકી પકડ્યા

: દેશના સૌથી મોટા આતંક નેટવર્ક પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેવી રીતે પાડ્યો પંજો, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટની તપાસની ઈનસાઈડ સ્ટોરી

2008 Ahmedabad Serial Blast Case: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટ સજા સંભળાવવાની છે ત્યારે જાણો આ કેસની તપાસ કરનારા અધિકારીઓ કેવી રીતે પહોંચ્યા હતા ગુનેગારો સુધી

  જનક દવે, અમદાવાદ : 26 જુલાઈ 2008ની સાંજે ઘડિયાળ સાત વાગ્યાની રાહ જોઈ રહી હતી. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં (civil Hospital Ahmedabad) ભાગદોડ મચી ગઈ હતી. એક પછી એક સાયરનની ટાઉ ટાઉ ટાઉ સંભળાઈ રહી હતી અને એમ્બ્યુલન્સની કતારો ખડકાઈ રહી હતી. ટીવી ચેનલો પર બીગ બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા હતા કે અમદાવાદ શહેરમાં (Ahmedabad Serial Blast) એક પછી એક બોમ્બ ધડાકા થઈ રહ્યા છે. જખ્મી લોકોને હૉસ્પિટલ લઈ જવા સૌથી મોટું મિશન હતું.


  ઈજાગ્રસ્તો હૉસ્પિટલ પહોંચી જ રહ્યા હતા કે વળી એક ધડાકો થયો. ચારેકોર લોહીની નદિયો... લાશો વિખેરાયેલી પડી હતી. આ ધડાકામાં 37 લોકોનો જીવ.  આ બ્લાસ્ટ આતંકી ઘટના છે એ સ્પષ્ટ થઈ ગયું હતું. સાંજે સાડા  સાત વાગ્યા સુધીમાં અમદાવાદમાં 20 સિરિયલ બ્લાસ્ટની (Ahmedabad Serial Balst No of Bombs) પુષ્ટી થઈ ગઈ હતી. અત્યારસુધી 56 લોકોનાં જીવ જતા રહ્યા હતા, 243 લોકો જખ્મી થઈ ગયા હતા.


  તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આ ઘટનાથી ખૂબ આઘાતમાં હતા. ઈજાગ્રસ્તોની સારી રીતે સારવાર થઈ શકે તે માટે પ્રસાશનને જરૂરી સૂચનાઓ આપી રહ્યા હતા.મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ (Amit shah) પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા. બીજી બાજુ ડીજીપી પી.સી.પાંડે અને કમિશન ઓ.પી.માથુરને ઘટનાની પાછળ રહેલા લોકોને પકડવાનો આદેશ આપવામાં આવ્યો. સરકાર પાસેથી જે મદદ જોઈએ તે મદદ પુરી કરવાની ખાતરી આપવામાં આવી.


  27મી જુલાઈની રાતથી જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અભય ચુડાસમા (IPS Abhay Chudasama) પોતાની ટીમ સાથે તપાસમાં જોતરાઈ ગયા હતા. અભય ચુડાસમા પાસે અગાઉથી જ એક અલાયદું નેટવર્ક હતું. તેમને ટીમ અને બીજા અધિકારીઓની જરૂર હતી.  આ માટે સરકારે તેજતર્રાર ઓફિસર જીએલ સિંઘલ (IPS G.L. Singhal), હિમાંશુ શુક્લ (IPS Himanshu Shukla) જે હાલમાં જ રૉમાં ગયા. રાજેન્દ્ર અસારી (IPS Rajendra Asar), મયૂર ચાવડા (IPS Mayur Chavada) જે અલગ અલગ જગ્યાએ કામમાં હતા, તેમને ક્રાઇમ બ્રાન્ચ સાથે જોડવામાં આવ્યા. તે વખતે આશિષ ભાટીયા જોઈન્ટ પોલીસ કમિશન હતા.


  ચુડાસમાને સીમી  સીમી (ઈન્ડિયન મુજાહીદ્દીન)ની લીડ મળી.


  આ ટીમને અભય ચુડાસમાં લીડ કરી રહ્યા હતા. સૌએ પોતાના નેટવર્કને કામે લગાડ્યું અને તપાસ શરૂ કરી.  અભય ચુડાસમાના નેટવર્કમાંથી જાણવા મળ્યું કે સીમી (સ્ટુડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઇન્ડિયા)ના કેટલાક શખ્સો કેટલાંક દિવસથી એક્શનમાં હતા. આ ઈનપૂટ પર કામ શરૂ કર્યુ કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી પરંતુ કંઇ મજબૂત હાથ ન લાગ્યું. સુરજ ક્યારે ઉગતો અને ક્યારે આથમતો કોઈને તેની ખબર પડતી નહોતી. લક્ષ્ય એક જ હતું કે કોઈ પણ પ્રકારે આ નેટવર્કને ક્રેક કરવું અને લોકોને પકડવા.  નિયત સાફ હતી, પ્રયાસો પ્રામાણિક હતા એટલે સફળતા મળવી નિશ્ચિત હતી. ડીસીપી અભય ચુડાસમા મોબાઇલ પર રિંગ વાગી,સામે તેમનો સોર્સ હતો.
   લાલ,સફેદ કાર પહેલી કડી :


  સોર્સે જણાવ્યું કે બ્લાસ્ટમાં વપરાયેલી લાલ અને સફેદ કાર તેણે ભરૂચમાં જોઈ છે. આ ઈનપૂટના આધારે ચુડાસમાના ચહેરા પર હલકી મુસ્કાન વેરી. ચુડાસમાએ તાત્કાલિક આઈપીએએસ સિંઘલ અને ડેપ્યુટી એસપી મયૂર ચાવડાને સાથે લીધા અને ભરૂચ રવાના થયા.  સોર્સે જે જગ્યા આપી હતી ત્યાં અધિકારીઓ પહોંચ્યા તો એ મકાનમાંથી પહેલી લીડ મળી. આ મકાનમાં જ આતંકવાદીઓએ બોમ્બ બનાવ્યા હતા. મકાન માલિકની પૂછપરછ કરી તો એક નંબર મળ્યો.આ નંબરે સમગ્ર નેટવર્કને ખુલ્લુ પાડી દીધું.


   350 લોકોની એક ફોજ કામે લાગી: 


  ભરૂચથી અમદાવાદ પરત આવતી વખતે અમદાવાદ પોલીસના અધિકારીના દિમાગમાં આ નેટવર્કને તોડવાની ઉતાવળ હતી. ટીમના લીડર ચુડાસમાએ તમામ લોકોને અલગ અલગ કામે લગાડી દીધા.  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં 350 લોકોની એક ફોજ ઉભી કરવામાં આવી સૌને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા.   અભય ચુડાસમા અને હિમાંશુ શુક્લા ટેકનિકલ સર્વેલન્સમાં કામે લાગ્યા કારણ કે આગળની લીડ ત્યાંથી જ મળવાની હતી.


  દરેક અધિકારીની જવાબદારી નક્કી કરાઈ.


  જી.એલ. સિંઘલને સૌની પૂછપરછનું કામ સૌંપવામાં આવ્યું. તેમની સાથે મયૂર ચાવડા પણ હતાં.  પૂછપરછની લીડ પર લોકોને પકડવાનું કામ રાજેન્દ્ર અસારી, મયૂર ચાવડા અને તેમની ટીમ પર હતું. અસારીની ટીમ પાસે પુરાવા એકઠા કરવાનું, સાક્ષીઓ ભેગા કરવાનું કામ હતું જે કેસને વધુ મજબૂત બનાવી શકે અને તેના આધારે ગુનેગારોને સજા કરાવી શકાય માટે આ કામ તેઓ કરી રહ્યા હતા.


  સાજિદ શેખ પહેલાં હાથે લાગ્યો.


  આ ટીમમાં હાલમાં સુરત ગ્રામ્ય ના એસપી ઉષા રાડા, વી.આર. ટોળિયા, જીતેન્દ્ર યાદવ, જે ડી. પુરોહિત, ભરત પટેલ, તરૂણ બારોટ જેવા અધિકારીઓ અને તેમની ટીમ પણ હતી. સૌ એકસાથે મળી અને મલ્ટી લેયરમાં કામ કરી રહ્યા હતા.ટેકનિકલ સર્વેલન્સમાં વધુ કેટલાક પુરાવાઓ મળ્યા.  એના પરથી એક પછી એક ગુનાનો ભેદ ઉકેલાતો ગયો. સૌથી પહેલા સાજિદ શેખને પકડવામાં આવ્યો. ત્યારબાદ એક પછી એક કડીઓ ખુલતી ગઈ. કડીનો તાર સીધો લખનઉ સુધી પહોંચ્યો.
  નરેન્દ્ર મોદીએ લખનઉ સ્પેશિયલ ફ્લાઇટ મોકલી :


   13 ઑગસ્ટે આઈપીએસ હિમાશું શુક્લા, મયૂર ચાવડા લખનઉ પહોંચી ગયા હતા. મુફ્તી અબુ બશીરનું નામ સામે આવ્યું હતું,જે એજન્સી માટે સૌથી મોટો કેચ હતો. એજન્સીઓને તેને લઈ આવવામાં વાર લાગે તેમ હતી જેથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પેશિયલ ફ્લાઇટ લખનઉ મોકલી હતી. આ ફ્લાઇટમાં મુફ્તી અને અબુ બશીરને લાવવામા આવ્યા હતા. સીએમ મોદીને અમિત શાહ દરેક વાતનું બ્રિફિંગ આપી રહ્યા હતા.


  એક જ દિવસમાં 13ને પકડવામાં આવ્યા :


  શકમંદોની પૂછપરછ આઈપીએસ સિંઘલ અને તેમની ટીમ કરી રહી હતી. એક પછી એક નામ ખુલી રહ્યા હતા. અમદાવાદ, ભરૂચ, સુરત, યુપી સુધી તાર જોડાઈ રહ્યા હતા. જેમ જેમ આરોપીઓના નામ અને ભૂમિકા સામે આવી રહી હતી એમ એમ  ટીમ લોકેશન માટે રવાના થઈ રહી હતી. જે દિવસે મુફ્તી અબુને લાવવામાં આવ્યો એ જ દિવસે અન્ય 10 આરોપીને પકડ્યા.આમ કુલ એક જ દિવસમાં 13 આરોપી પકડવામાં આવ્યા હતા. સૌની અલગ અલગ પૂછપરછ કરવામાં આવી રહી હતી.


  19 દિવસમાં દેશના સૌથી મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ :


  અધિકારીઓની ટીમે 15 ઓગસ્ટ સુધીમાં 30 આરોપીઓને પકડી લીધી હતી. ફક્ત 19 દિવસમાં દેશના સૌથી મોટા આતંકી નેટવર્કને ઈન્ડિયન મુજાહીદ્દીનને  પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને સફળતા મળી હતી.  આ આરોપીઓ અમદાવાદ પહેલા હૈદરાબાદ, વારાણસી, જયપુરમાં બ્લાસ્ટ કરી ચુક્યા હતા. જે રાજ્યોમાં બ્લાસ્ટ થયા પોલીસ એની પણ તપાસ કરી રહી હતી જોકે અમદાવાદ પોલીસે ત્યાં સુધીમાં આ લોકોને ઉપાડી લીધા હતા.


  સીમીનું નવુ રૂપ ધારણ કરેલા ઈન્ડિયન મુજાહીદ્દીનની પોલીસે કમર તોડી


  સીમીનું નવુ રૂપ ધારણ કરેલા ઈન્ડિયન મુજાહીદ્દીનની પોલીસે એવી કમર તોડી કે આજદિન સુધી એ નેટવર્ક ઊભું થઈ શક્યું નથી. આ આતંકી નેટવર્ક ક્યાં કેટલા રાજ્યોમાં ફેલાયેલું છે તે આ આંકડાથી સમજાશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી 13, વડોદરા થી 05, ભરૂચથી 01, ભુજથી 01, સુરતથી 02, મહારાષ્ટ્રથી 11, મધ્ય પ્રદેશથી 12, કર્ણાટકથી 10, ઉત્તર પ્રદેશથી 09, કેરળથી 05, આંધ્ર પ્રદેશથી 03, રાજસ્થાનથી 03, ઝારખંડથી 02, બિહારથી 01, એમ કુલ78 આરોપીઓ પકડ્યા હતા.  2007માં રચાયું હતું અમદાવાદ બ્લાસ્ટનું કાવતરૂં


  જ્યારે 30 જેટલા આરોપીઓ એક સાથે આવ્યા ત્યારબાદ સીમીના  લોકોની ભૂમિકા સામે આવી. હકિકતમાં અમદાવાદ બ્લાસ્ટનું કાવતરૂ વર્ષ 2007 ડિસેમ્બર માં રચાયું હતું. ત્યારબાદ વાઘામોન અને પાવાગઢના જંગલમાં આતંકવાદીઓની ટ્રેનિંગ થઈ હતી. આ ટ્રેનિંગમાં ભાગ લેનારા કેટલાક આતંકવાદી ઓ ધડાકા પહેલા મધ્ય પ્રદેશ પોલીસના હાથે પકડાયા હતા. જેની ભૂમિકા સામે આવતા તેમને ટ્રાન્સફર વોરન્ટથી પકડવામાં આવ્યા હતા.


  દિલ્હી બ્લાસ્ટના પણ ઈનપૂટ મળ્યા હતા.


  શરૂઆતની ધરપકડ થઈ તેમાંથી તમામ આતંકવાદીઓને કોર્ટે દોષી કરાર આપ્યા છે. આ જ દર્શાવે છે કે તપાસમાં મેરિટ કેટલા ઉંચા છે. આતંકીઓની પૂછપરછમાં તપાસ બાટલા હાઉસ સુધી પહોંચી હતી. આ આતંકી ગ્રુપના બાકી સભ્યો દિલ્હીમાં કંઈક કરવાના છે તેની માહિતી પણ કેન્દ્રને આપવામાં આવી હતી જોકે, તેને રોકી શકાયું નહીં અને વર્ષ 2008ના 13મી સપ્ટેમ્બરે સિરિયલ બ્લાસ્ટમાં 25થી વધુ લોકોના જીવ ગયા. ત્યારબાદ બાટલા હાઉસ અથડામણ થઈ હતી. આજે પણ આ મોડ્યૂલના 13 આરોપીઓ વોન્ટેડ છે જેમાં સૌથી મોટા ચહેરા તરીકે રિયાઝ ભટકલ, યાસીન ભટકલ અને આમીર રઝા છે જે પાકિસ્તાન ભાગી જવામાં સફળ રહ્યા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Ahmedabad blast case, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008, ગુજરાતી સમાચાર

  આગામી સમાચાર