અમદાવાદ: પોલીસીના નાણા, બોનસ અપાવવાનું કહીને ગઠિયા વૃદ્ધ પાસેથી 5.29 લાખ પડાવી ગયા

અમદાવાદ: પોલીસીના નાણા, બોનસ અપાવવાનું કહીને ગઠિયા વૃદ્ધ પાસેથી 5.29 લાખ પડાવી ગયા
પ્રતિકાત્મક તસવીર

ગઠિયાઓએ પોતાની ઓળખ વીમા લોકપાલ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે આપી હતી, જે બાદાં ટુકડે ટુકડે પૈસા જમા કરવા કહ્યું હતું

  • Share this:
અમદાવાદ: વીમા પોલીસીના નાણા, પ્રોફિટ અને બોનસ અપાવવાની લાલચ આપી ચારેક લોકોએ સિનિયર સીટિઝન સાથે ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે. આ તમામ લોકોએ પોતાની ઓળખ વીમા લોકપાલ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે આપી હતી. જમીન ડેવલપમેન્ટને લગતું કામ કરી હાલ નિવૃત્ત જીવન ગુજારતા વૃદ્ધ સાથે પોલીસીના નાણા બોનસ અને પ્રોફિટ આપવાના બહાને ઠગાઈ થતા તેઓએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી પ્રીતમ નગર સોસાયટીમાં રહેતા 82 વર્ષીય ધીરજભાઈ મંગળદાસ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ સિવિલ એન્જિનિયર તરીકે જમીન ડેવલોપમેન્ટમાં કામકાજ કરતા હતા. તેમના પત્ની ઘરકામ કરે છે અને દીકરી લેબોરેટરીમાં નોકરી કરે છે. વર્ષ 2012 અને 2013માં પોલીસી એજન્ટ મારફતે તેઓએ બે કંપનીની લાઈફ ઈન્સ્યોરન્સની પોલીસી વન ટાઈમ પ્રીમિયમ લેખે લીધી હતી. જેનું એક પ્રીમિયમ ભર્યું હતું પરંતુ પોલીસીના ડોક્યુમેન્ટ મળતા તેમાં દર વર્ષે પ્રીમિયમ ભરવાની શરતો હોવાથી આગળના પ્રીમિયમ ભર્યા નહોતા.આ પણ વાંચો: ગુજરાત પેટા-ચૂંટણી: કાઠિયાવાડી બાપાનો રોષ 'અમે સારો જાણીને મોઇકલો તો, ક્યાં વીયો ગયો ખબર નથી'

ત્યારબાદ વર્ષ 2019માં જાન્યુઆરી માસમાં તેઓને એક નંબર ઉપરથી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. હિન્દી ભાષામાં વાત કરી પોતે વીમા લોકપાલ ડિપાર્ટમેન્ટમાંથી બોલે છે તેમ જણાવી વાતચીત શરૂ કરી અને પૂછ્યું હતું કે વીમા પોલિસીને લગતી કોઈ તકલીફ છે? જેથી ધીરજભાઈ જણાવ્યું કે મારી પાસે પોલીસીઓ છે તે તેમને એજન્ટે વન ટાઈમ પ્રીમિયમ ભરવાનું કહી દર વર્ષના પ્રીમિયમ વાળી પોલીસીઓ આપી દીધી છે. જેનું એક પ્રિમિયમ ભર્યા બાદ આગળ નહીં ભરતા તેમની પોલીસી હાલમાં બંધ થઈ ગઈ છે. જેથી ફોન કરનાર આકાશ ચોપરા નામના વ્યક્તિએ પોલીસી, નાણા, બોનસ અને પ્રોફિટ સાથે પરત અપાવવાની વાત કરતા ધીરજભાઈએ હા પાડી હતી.

બાદમાં ફોન કરનાર વ્યક્તિએ એકાઉન્ટ નંબર મોકલી આપ્યો હતો. જેમાં પ્રોસેસિંગ ફી ભરવાનું જણાવ્યું હતું. અલગ અલગ પ્રકારની ફીના નામે આ વ્યક્તિએ અનેક રૂપિયા ભરાવ્યા હતા. ત્યારબાદ ફરી આકાશ ચોપરા નામના વ્યક્તિએ ફોન કર્યો અને ધીરજભાઈને જણાવ્યું કે તેમની ફાઈલ વીમા લોકપાલ ડિપાર્ટમેન્ટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી પાસે મોકલી આપી છે. ત્યારબાદ આ અધિકારીનો પણ ધીરજભાઈ ઉપર ફોન આવ્યો હતો અને પોલીસીના નાણા તેમજ પ્રોફિટ સાથે ધીરજભાઈને 30 લાખ રૂપિયા મળવાપાત્ર છે તેવી વાત કરી હતી.

બાદમાં ફરી એક વખત અન્ય ફી તથા જીએસટી પેટે રૂપિયા ધીરજભાઈ પાસે માંગવામાં આવ્યા હતા. ફરી એક વખત અધિકારીએ ફોન કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તથા ફાઈલ ચાર્જ પેટે નાણાં માંગ્યા હતા. જોકે, આ બધા ચાર્જમાં આ તમામ લોકો કે જે ફોન કરનાર છે તે લોકો હકીકતમાં અધિકારી છે કે કેમ તે બાબતની ધીરજભાઈને જાણ ન હતી. પરંતુ થોડા સમય બાદ ફરી અલગ અલગ ચાર્જ પેટે ધીરજભાઈ પાસે આ શખ્સોએ રૂપિયા માંગ્યા હતા. જેથી વધારે પૈસા ભરવાની ધીરજભાઈ એ ના પાડી હતી.

આ પણ જુઓ-

જે બાદમાં ફોન કરનાર વ્યક્તિઓએ પૈસા નહીં ભરે તો સીબીઆઈ, પોલીસ ગવર્નર ઑફ ગુજરાતમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જેથી ધીરજભાઈ આ મેસેજ અને ફોન કોલ્સની ડિટેઇલ લઈને સાઇબર ક્રાઇમની કચેરીએ ગયા હતા. જ્યાં તેઓએ અરજી આપ્યા બાદ હવે સાઇબર ક્રાઇમે આકાશ ચોપરા, ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી તથા સંજીવ કપૂર અને એક શખ્સ એમ કુલ ચાર લોકો સામે 5.29 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:November 03, 2020, 10:47 am