Home /News /madhya-gujarat /અમદાવાદ: મેસેન્જર મારફતે વીડિયો કૉલ આવ્યો અને આધેડની ઊંઘ થઈ હરામ
અમદાવાદ: મેસેન્જર મારફતે વીડિયો કૉલ આવ્યો અને આધેડની ઊંઘ થઈ હરામ
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
ફેસબુક પણ અજાણી યુવતીની રિક્વેસ્ટ આવે છે, રિક્વેસ્ટ સ્વીકાર્યાં બાદ મેસેન્જરમાં વાતચીત શરૂ થાય છે, વાતચીત બાદ યુવતી નિર્વસ્ત્ર થઈને કૉલ કરે છે અને શરૂ થાય છે આખો ખેલ...
અમદાવાદ: હાઈટેક બનતી જઈ રહેલી ટેક્નોલોજી (Technology)ની સાથે સાથે લોકો પણ હાઇટેક થયા છે. જોકે, લોકોની સાથે સાથે ગુનેગારો (Criminals) પણ હવે હાઇટેક થયા છે. તેઓ ગુનાખોરી માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા (Social media) મારફતે વીડિયો કૉલ (Video call) કરીને નિર્વસ્ત્ર હાલતમા વીડિયો બનાવીને આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવવાના અનેક બનાવો સામે આવ્યા છે. શહેરના સાણંદ વિસ્તારમાં એક આધેડને આવો જ કડવો અનુભવ થયો છે. આ બનાવમાં ગઠીયાએ રૂપિયાની માંગણી કરતા આધેડે રૂપિયા આપ્યા ન હતા. જે બાદમાં ગઠીયાએ કોઈ બીભત્સ વીડિયોમાં આધેડની તસવીર મોર્ફ કરીને આ વીડિયો વાયરલ કરી દીધો હતો.
સાણંદમાં રહેતા 44 વર્ષીય આધેડ ફેસબુક પર એકાઉન્ટ (Facebook account) ધરાવે છે. જેના પર તેમને એક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. થોડા દિવસ બાદ આ યુવતીએ ફરિયાદી સાથે મેસેન્જરમાં વાતચીત કરીને રાત્રે વીડિયો કોલ કર્યો હતો. આ વીડિયો કોલમાં ન્યૂડ વીડિયો જોવા મળતા ફરિયાદીએ કૉલ કટ કરી દીધો હતો. તેની થોડી જ વારમાં સામે વાળી વ્યક્તિએ ફરિયાદીને મેસેન્જરમાં એક વીડિયો મોકલ્યો હતો. આ વીડિયોમાં ફરિયાદીનો ફોટો મોર્ફ કરીને વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ એક ન્યૂડ વીડિયો હતો.
બાદમાં ફરિયાદી સાથે આ ગઠીયાએ વોટ્સએપ અને નોર્મલ કૉલથી વાતચીત કરીને રૂપિયાની માંગણી કરી હતી. અને જો ફરિયાદી રૂપિયા ન આપે તો આ વીડિયો તેમના ફેસબુક ફ્રેન્ડને મોકલી આપવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ તેનો નંબર બ્લોક કરીને ફેસબુકમાંથી પણ અનફ્રેન્ડ કરી દીધો હતો.
જે બાદમાં ગઠીયાએ ફરિયાદીના ત્રણ મિત્રોને આ વીડિયો મોકલી આપ્યો હતો. જે અંગેની જાણ ફરિયાદીને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. હાલ સાઇબર ક્રાઇમ પોલીસે (Cyber crime police) આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.