અમદાવાદ: ડમી RC બુક બનાવવાનું કૌભાંડ, વાહન માલિકની જાણ બહાર જ બની જતી હતી RC બુક, ત્રણની ધરપકડ

અમદાવાદ: ડમી RC બુક બનાવવાનું કૌભાંડ, વાહન માલિકની જાણ બહાર જ બની જતી હતી RC બુક, ત્રણની ધરપકડ
પોલીસે આર.સી. બુક સાથે ત્રણની ધરપકડ કરી.

અમદાવાદ ગ્રામ્યમાં 20-25 રૂપિયામાં સ્ક્રેપ કરવામાં આવેલી આર.સી. બુક ખરીદીને તેમાંથી ડમી આર.સી. બુક બનાવવાનું રેકેટ, એક આર.સી. બુક ત્રણ હજાર રૂપિયામાં વેચતા હતા.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વિઠ્ઠલાપુર પોલીસે નકલી આર.સી. બુક (Vehicle Registration Book) બનાવતી ગેંગની ધરપકડ કરી છે. નવાઇની વાત તો એ છે કે આરોપીઓ રાજ્યના અલગ અલગ આરટીઓ (Regional Transport Office)ની આર.સી. બુક ફક્ત વાહન નંબર (Vehicle Registration Number)ના આધારે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર વાહન માલિકની જાણ બહાર બનાવી આપતા હતા. આ શખ્સો પાસેથી 1,500થી વધુ જેટલી અલગ અલગ પ્રકારની આર.સી. બુક મળી આવી છે.

અમદાવાદ ગ્રામ્યમાં આવેલા વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ડુપ્લીકેટ આર.સી. બુક બનાવવાનું કૌભાંડ આચરી રહ્યા છે. જેને લઇને વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. મનોહરસિંહ વાઘેલાએ તેમની ટીમને કામે લગાડી હતી. તેમની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે વિક્રમ ઉર્ફે વિકી પાટીદારની ધરપકડ કરી છે. આરોપી વિક્રમ ઘોડાસર ખાતે અર્પણ રો-હાઉસમાં રહે છે અને સુભાષબ્રિજ આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરે છે.આરોપી બીજા આરટીઓ એજન્ટ પાસેથી નકામી આર.સી. બુક રૂપિયા 20થી 25માં ખરીદી કરતો હતો અને ડમી આર.સી. બુક બનાવવા માટે ગ્રાહક શોધી લાવી પોતાનું કમિશન રાખી ડમી આર.સી. બુક ધર્મેન્દ્ર પટેલ પાસે બનાવતો હતો. પોલીસે આરોપી ધર્મેન્દ્ર પટેલની પણ ધરપકડ કરી છે. આ આરોપી વિક્રમ નામના આરોપી પાસેથી સ્ક્રેપ આર.સી. બુક ખરીદી વિક્રમ તથા તેના જેવા અન્ય આરટીઓ એજન્ટો પાસેથી ગ્રાહકોની આર.સી. બુક બનાવવાનું કામ લઈને ચિરાગ ચૌહાણ નામના આરોપી પાસે જતા હતા.આરોપી ચિરાગ ચૌહાણની પણ પોલીસે ધરપકડ કરી છે. આરોપી ચિરાગ મહેસાણામાં કોસ્મેટિકનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી ચિરાગ આરોપી ધર્મેન્દ્ર પટેલ નામના આરોપી પાસેથી સ્ક્રેપ આર.સી. બુક ખરીદી તે આર.સી. બુક પર પાણી લગાડી તેના પર બ્લેડ ઘસી આર.સી બુકને કોરી કરીને ધર્મેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવતા વાહન નંબરની વિગત એમ પરિવહન નામની એપ્લિકેશન પર ફોર્મ નંબર 23માંથી માહિતીઓ મેળવી આર.સી. બુકમાં જરૂરી માહિતી પોતાના લેપટોપમાં રાખી કાર્ડ પ્રેસો નામના સોફ્ટવેરમાં ફીડ કરી તેની પ્રિન્ટ કાઢી આ આર.સી. બુક ધર્મેન્દ્ર પટેલને પહોંચાડતો હતો.

આ પણ વાંચો:  સુરતઃ PSI આપઘાત કેસ, 'તને દીકરો જોઈતો હોય તો રાજીનામું આપી દે કાં તો ગોળી ખાઈને મરી જા'

હાલ પોલીસે ડમી આર.સી. બુક 39, કોરી કરેલી આર.સી બુક 230, સ્ક્રેપ આર.સી બુક 955 તથા લેપટોપ, પ્રિન્ટર, વાયરલેસ માઉસ તથા ત્રણ ફોનનો મુદ્દામાલ કબજે કરી આ કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે.

ફેસલેસ સિસ્ટમ આવ્યા બાદ સ્ક્રેપ થતી આર.સી. બુક પર કૌભાંડ

વિઠ્ઠલાપુર પોલીસસ્ટેશનના પીઆઇ મનોહરસિંહ વાઘેલાએ જણાવ્યું કે આરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે અમદાવાદ આરટીઓ ખાતે ફેસલેસ સિસ્ટમ આવ્યા બાદ વાહનના એચ.પી કેન્સલ, ટ્રાન્સફર વગેરે કામો થયા બાદ જે તે આર.સી બુક સ્ક્રેપ થઈ જાય છે. જેનો લાભ લઈ સ્ક્રેપ આર.સી. બુક 20થી 25 રૂપિયામાં ખરીદી કરી તેના પર રહેલો ડેટા ભુસી નાખી વાહન માલિકની જાણ બહાર આધાર પુરાવા સિવાય નવી ડમી આર.સી. બુક બનાવવાનું કામ આવ્યું હોય તે વાહનના નંબરના આધારે એમ.પરિવહન નામની સાઇટ પરથી ફોર્મ નંબર 23માંથી જરૂરી વિગતો મેળવી સોફ્ટવેરથી ડમી આર.સી બુક બનાવતા હતા.

આ પણ જુઓ-

20-25 રૂ. ના ખર્ચ સામે ત્રણેક હજાર મળતા હતા

20થી 25 રૂપિયામાં ખરીદેલી સ્ક્રેપ આર.સી. બુકને ડમી બનાવી તેને ત્રણ હજારથી 3,500 રૂપિયામાં આરોપીઓ  વેચતા હતા. આ ડમી આર.સી. બુકનો ઉપયોગ ફાઇનાન્સના માણસો કે સિઝર તથા વાહન લે-વેચ કરતા હોવાનું સામે આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:December 08, 2020, 09:42 am

ટૉપ ન્યૂઝ