અમદાવાદઃ બગોદરા ટોલબૂથ નજીકથી ઇન્ડિયન ઓઇલના ટેન્કરમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડાયો છે. ઓઇલના ટેન્કરમાંથી વિદેશી દારૂની 500થી 600 પેટીઓ જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે રૂ.20 લાખથી વધુ થાય છે. પોલીસે ડ્રાઇવર સહિત બેની અટકાયત કરી છે.
મળતી વધુ વિગત મુજબ, ગાંધીના ગુજરાતમાં દારૂ પકડાવો હવે તો સામાન્ય ઘટના બની ગઈ છે, એટલે કે રોજ ક્યાંક ને ક્યાંક દારૂ પકડાય છે. એમાંય ક્યારેક પોલીસ પર બૂટલેગરો દ્વારા હુમલાના બનાવો પણ બને છે. મળેલી બાતમીને આધારે પોલીસે વોચ રાખી આજે અમદાવાદના બગોદરા ટોલબૂથ પાસેથી પસાર થઈ રહેલા ઇન્ડિયન ઓઇલના ટેન્કરને તપાસાર્થે અટકાવ્યું હતું. પોલીસ-તપાસમાં ટેન્કરમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળ્યો છે. પોલીસે વિદેશી દારૂની 500-600 પેટી ઇન્ડિયન ઓઇલના ટેન્કરમાંથી જપ્ત કરી લીધી છે, જેની બજાર કિંમત રૂ.20 લાખથી વધુની થાય છે તેમ જ ડ્રાઇવર સહિત બેની અટકાયત કરવામાં આવી છે.
પોલીસે ઝડપેલા ડ્રાઇવર સહિત બે વ્યક્તિની વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે વિદેશી દારૂ ભરેલું ઇન્ડિયન ઓઇલનું ટેન્કર મધ્યપ્રદેશથી રાજકોટ લવાઈ રહ્યું હતો. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.