અમદાવાદ : બાપુનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી હતી અને સામસામે બે જૂથો વચ્ચે પથ્થરમારો તેમજ લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો છે. જે મામલે પોલીસે કડક કાર્યવાહી કરીને 10થી વધુ લોકોની અટકાયત કરી છે તેમજ અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
બાપુનગર ચાર રસ્તા પાસે આવેલા શાસ્ત્રીનગરમાં બુધવારે બપોરના સમયે જૂથ અથડામણ થઇ હતી. જેનું કારણ શાકભાજી માર્કેટમાં લારી મૂકવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીની લારી લગાવવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકૂટ ચાલતી હતી અને અંતે સામ-સામે ઘર્ષણનો બનાવ બનવા પામ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રાયોટીંગની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
બાપુનગર પોલીસે આ મામલે રાયોટિંગ ગુનો નોંધી ક્રોસ ફરિયાદ દાખલ કરી હતી અને બંને પક્ષોના 10 જેટલા શખ્સોની અટકાયત કરી હતી. વિસ્તારમાં ફરી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવમાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ વીડિયોના આધારે અન્ય 15થી વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પરંતુ, અગાઉ પણ બન્ને જૂથ વચ્ચે અનેક વખત ઝઘડાઓ થઈ ચૂક્યા છે.