અમદાવાદ: ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા છેલ્લા કેટલાક સમયથી તરકસ નામની એક એપ્લીકેશન (Tarkash app ) વિકસાવવામાં આવી છે. આ એપ્લીકેશન અંતર્ગત દરેક વિસ્તારના વાહન ચાલકોનું રજીસ્ટ્રેશન આ એપ્લિકેશનમાં કરવામાં આવે છે. અમદાવાદનાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં (Sola Police Station) અત્યારે પીઆઇનો ચાર્જ સંભાળતા યુવરાજસિંહ વાઘેલાએ પોલીસના વોટ્સએપ ગ્રુપમાં આ એપ્લિકેશન દ્વારા દરેક કર્મચારીને વાહન ચેક કરવાની સૂચના આપી હતી. જેના જવાબમાં એક કર્મચારી ઇન્ટરનેટ એલાઉન્સ માગ્યું હતું. જેના સ્ક્રિનશોટ અત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ (Ahmedabad police message viral) થઈ રહ્યા છે.
તાજેતરમાં જ તર્કશ એપ્લિકેશનનું ક્રાઇમ બ્રાન્ચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારે હવે એક બાદ એક પોલીસકર્મીઓ અલગ અલગ માંગ સાથે સોશ્યલ મીડિયામાં વિરોધ નોધાવી રહ્યા છે. ત્યારે હવે ઇન્ટરનેટ એલાઉન્સ માટે પણ માંગ કરતો એક મેસેજ વાયરલ થયો છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના ના પીઆઇ જે પી જાડેજાની થોડા સમય અગાઉ રાજકીય ઈશારે બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઇનો ચાર્જ યુવરાજસિંહ વાઘેલાને આપવામાં આવ્યો છે કારણકે અમુક ફરિયાદોના લીધે હવે અહીં પટેલ અધિકારી મુકવામાં આવે તેવી વાત પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.
ત્યારે પીઆઇ યુવરાજ સિંહ વાઘેલાએ સોલા પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે, “નાઈટ ડ્યુટીમાં ફરજ બજાવતા દરેક કર્મચારીએ રાતના સમય દરમિયાન તરકસ એપ્લીકેશન દ્વારા 25 વાહનો ચેક કરવા. સવારે 5 વાગ્યે PSO (પોલીસ સ્ટેશન ઓફિસર) તમામની હાજરી લેશે. 200 વાહનો ચેક થવા જોઈએ” જેના જવાબમાં એક કર્મચારીએ આજ ગ્રુપમાં લખ્યું હતું કે, “ઇન્ટરનેટ એલાઉન્સ મળશે તે દિવસે કરીશું. સરકારમાં રજૂઆત કરો સાહેબ.”
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિભાગમાં ગ્રેડ પેને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ પોતાને મળતા પગાર અને ભથ્થાથી ખુશ ન હોય તેવું અંદરખાને લાગી રહ્યું છે. કર્મચારીઓના પગાર વધારાને લઈને સરકાર કામ કરી રહી છે તેવામાં જો કર્મચારીઓના આવા મેસેજ વાયરલ થાય તો તેની શું અસર થશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર