અમદાવાદઃ શહેર પોલીસે ફટાકડા ફોડવાને લઈને બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલ એક યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પોલીસે અમરાઇવાડીના એક યુવકની ધરપકડ કરી છે. રાત્રે 12 વાગ્યે જાહેરમાં ફટાકડા ફોડવા બદલ પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાને લઈને આદેશ કર્યો હતો. જે અનુસાર રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર રાત્રે આઠથી દસ વાગ્યા સુધી શહેરમાં જ ફટાકડા ફોડી શકાશે. એટલું જ નહીં જાહેરનામા પ્રમાણે શેરી, ગલીઓ, જાહેર રસ્તાઓ કે ભીડવાળા વિસ્તારોમાં ફટાકડા ફોટી શકાશે નહીં. એક સાથે વધારે ફટાકડા એટલે કે ફટાકડાની શેર, અને વધારે અવાજ કરે તેવા ફટાકડાં પણ ફોડી શકાશે નહીં.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અમદાવાદ શહેરમાં આદેશનો કડક અમલ થાય તે માટે પોલીસે તૈયારી શરૂ કરી દીધી છે. જાહેરનામા પ્રમાણે કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા પણ વહેંચી શકાશે નહીં. એટલું જ નહીં, ધાર્મિક સ્થળો, હોસ્પિટલો, કોર્ટ, પેટ્રોલપંપો, શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડી શકાશે નહીં.
ફટાકડાના વેચાણને લઈને જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ફક્ત માન્યતા પ્રાપ્ત ફટાકડાનું જ વેચાણ કરી શકાશે. આ ઉપરાંત ફટાકડાનું ઓનલાઇન વેચાણ કે ખરીદી કરી શકાશે નહીં. એટલું જ નહીં આગના બનાવો બનતા હોવાથી રાત્રે ચાઇનિઝ તુક્કલો પણ ઉડાવી શકાશે નહીં. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કલમ-188, જીપી એક્ટ કલમ-131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર