અમદાવાદ: ક્યારેક નાની નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. આવો એક બનાવ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં ફરિયાદીના પાર્લર નજીક કેટલાક લોકો અંદરોઅંદર ગાળો બોલી રહ્યા હતા. ફરિયાદીના પાર્લર પર મહિલા ગ્રાહકો વધારે આવતા હોવાથી તેમણે ગાળો બોલવાની ના કહેતા જ મામલો બીચક્યો હતો અને ફરિયાદીને માર મારવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. વસ્ત્રાલમાં રહેતા અભયસિંહ ચૌહાણ નર્મદા એપાર્ટમેન્ટ પાસે પાર્લર ધરાવે છે. તેમના પાર્લરની નજીકના મેદાનમાં પાંચથી સાત લોકો ટોળે વળીને અંદરોઅંદર ગાળો બોલી રહ્યા હતા.
ફરિયાદીના પાર્લર પર મહિલા ગ્રાહકો વધારે આવતા હોવાથી તેમણે ગાળો બોલવાની ના કહીને ત્યાંથી જતા રહેવા માટે કહ્યું હતું. એવામાં બેથી ત્રણ લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને ફરિયાદીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેમાંથી જીતુ નામના ઈસમ કમરેથી છરી કાઢીને વીંઝતા ફરિયાદીને ચાર ઘા વાગી ગયા હતા. આ દરમિયાન ફરિયાદીનો મિત્ર વીરુ પણ તેમને બચાવવા માટે આવતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો.
આ પણ વાંચો: આજથી સસ્તું સોનું ખરીદવાનો મોકો, ટેક્સમાં છૂટની સાથે ડિસ્કાઉન્ટ પણ મળશે, જાણો સંપૂર્ણ જાણકારી
બાદમાં ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસનાા લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફરિયાદીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારામારી દરમિયાન ફરિયાદીએ પહેરેલો ત્રણ તોલાનો સોનાનો દોરો પણ તૂટીને પડી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પૈસાની લેતીદેતીમાં કાકાની ભત્રીજાને ધમકી
બીજા એક બનાવમાં શહેરના વાસણા વિસ્તારમાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. બંને પરિવાર વચ્ચે પૈસાની લેતીદેતીમાં ઝઘડો થયો હતો. વાસણા વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતા દિલીપભાઇ પરમારે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે તેઓના કૌટુંબિક કાકા બાબુભાઈ પારગી લગભગ બે મહિના પહેલા તેમને ત્યાં પૈસા લેવા માટે આવ્યા હતા. જોકે, ફરિયાદી પાસે પૈસા ન હોવાથી તેની માતાએ બાબુભાઈને સોનાની વીંટી આપી હતી. જે વીંટી ગીરો મૂકીને પૈસા લીધા હતા.
આ પણ જુઓ-
ગઈકાલે સવારે ફરિયાદીના ભાભીએ બાબુભાઈને ફોન કરીને વીંટીનું કામ પતી ગયું હોય તો પરત આપી જવા માટે કહ્યું હતું. જે બાદમાં બાબુભાઈ રાત્રે ફરિયાદીના ઘરે આવ્યા હતા. અહીં ફરિયાદીની માતાએ બાબુભાઈને વીંટી માટે પૂછતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને મનફાવે તેમ બોલવા લાગ્યા હતા. ફરિયાદીના ભાઈએ તેઓને આવું ન કરવા માટે જણાવતા તેમણે તેઓને ગડદાપાટુંનો માર મારી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં બાબુભાઈએ ફરિયાદીના ફોન પર ફોન કરી બીભત્સ ગાળો આપી હતી. આ ઉપરાંત બંને ભાઈઓને મારી નાખવાની ધમકી આપી હતી.
Published by:Vinod Zankhaliya
First published:January 11, 2021, 10:20 am